વિદ્યાનગરની નીતા શર્મા મિસીસ ઈન્ડિયા-યુકે ૨૦૧૯ની ફાઇનલમાં

Wednesday 27th March 2019 02:33 EDT
 
 

લંડન, આણંદઃ મૂળ ગુજરાતના શિક્ષણધામ વલ્લભ વિદ્યાનગરની ૪૦ વર્ષીય ફેશન ડિઝાઈનર નીતા શર્મા લંડનમાં આયોજિત સૌંદર્યસ્પર્ધા મિસીસ ઈન્ડિયા-યુકે ૨૦૧૯ના ફાઈનલ રાઉન્ડમાં પહોંચી છે. નીતા શર્મા લગ્ન કરી લંડનના ટેડીંગ્ટનમાં સ્થાયી થયેલ છે અને લંડનમાં લક્ઝરી ફેશનલ સ્ટાઈલીશ મેન્સવેર બ્યુટિક સ્ટુડીયો ‘૧૪૮’ નાં માલિક અને ડાયરેક્ટર છે. એપ્રિલ મહિનામાં યોજાનાર ફાઈનલ રાઉન્ડમાં નીતા શર્મા વિજેતા બનીને મિસીસ ઈન્ડિયા-યુકેનો તાજ ગ્રહણ કરશે તેવી પરિવારજનો અને મિત્રોએ આશા વ્યક્ત કરી છે.

વલ્લભ વિદ્યાનગરમાં સિક્કા સંગ્રાહક તરીકે જાણીતા રસિકભાઈ ચૌહાણની પુત્રી નીતા શર્માએ ફાઈન આર્ટસ કોલેજમાં ચિત્રકાર અને કલાકાર કનુભાઈ પટેલની રાહબરી હેઠળ પેઈન્ટિંગનો અભ્યાસ કર્યો હતો. કનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચિત્રોમાં ઊંડાણપૂર્વકના સર્જન સાથે કલાકાર તરીકે સર્જનાત્મકતા દર્શાવનાર નીતાએ સઘર્ષ કરીને લંડનમાં ચિત્રોનું પ્રદર્શન યોજવા ઉપરાંત, ભારતના ચિત્રકારોનાં પ્રદર્શન પણ લંડનમાં ક્યુરેટ કર્યાં છે.

વિદ્યાનગરના ચિત્રકાર કનુ પટેલના ચિત્રોનું પ્રદર્શન ભારતીય વિદ્યાભવન લંડનની આર્ટ ગેલેરીમાં ક્યુરેટ કરવામાં નીતા શર્માએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પિતાના સિક્કા સંગ્રાહક તરીકેના કળા સંસ્કાર અને જીવનમાં પગભર થવાની અદમ્ય ઝંખનાને કારણે કઠોર પરિશ્રમ કરીને લંડનમાં ફેશનલ ડિઝાઈનર તરીકે નામના મેળવી છે.

બે સંતાનોની માતા નીતા શર્માએ જણાવ્યું હતું કે,‘માતૃત્વની વધેલી જવાબદારીઓના કારણે મેં પેઈન્ટિંગથી અલગ જઈ કળાના બિઝનેસ ક્ષેત્રમાં હાથ અજમાવ્યો અને ટેડિંગ્ટન હાઈ સ્ટ્રીટમાં સેલ્વીન સ્મિથ સ્ટુડિયો હસ્તગત કર્યો હતો. આ સાહસ બરાબર ચાલ્યું નહિ પરંતુ, હાઈ સ્ટ્રીટમાં સ્પેશિયાલિસ્ટ મેન્સવેરનો અભાવ હોવાનું મારી સમજમાં આવી ગયું હતું. કળાક્ષેત્રમાંથી ફેશનના ક્ષેત્રમાં જવામાં લંડને મને ઘણી મદદ કરી છે આના પરિણામે જ હું સફળતાપૂર્વક મેન્સવેર બૂટિક ચલાવી રહી છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter