હો ચી મિન્હ: વિયેતનામની ટોચની રિઅલ એસ્ટેટ કંપની વાન થિન્હ ફાટની 67 વર્ષની બિલિયોનેર ચેરપર્સન ટ્રુઓંગ માય લાનને 12 બિલિયન યુએસ ડોલર્સની છેતરપિંડી આચરવાના કેસમાં મોતની સજા ફટકારાઇ છે. ટુઓંગ લાનની 2022માં ભ્રષ્ટાચાર આચરવા બદલ ધરપકડ કરાઈ હતી.
ટ્રુઓંગ માય સામે 12 બિલિયન યુએસ ડોલરની છેતરપિંડી આચરવાનો આરોપ છે. આ રકમ વિયેતનામની 2022ની જીડીપીના ત્રણ ટકા જેટલી થાય છે. 2012 અને 2022ના દાયકા દરમિયાન ટ્રુઓંગ લાને સાયગોન જોઈન્ટ સ્ટોક કોમર્શિયલ બેન્કને ગેરકાયદે નિયંત્રિત કરીને સરકારી અધિકારીઓને લાંચ આપી હજારો ભૂતિયા કંપનીઓ ઉભી કરી તેના દ્વારા નાણાં ઓળવી લીધાં હતાં.
2022થી શરૂ કરાયેલી ભ્રષ્ટાચારવિરોધી ચળવળ અંતર્ગત ટ્રુઓંગ લાનની ધરપકડ કરાઈ હતી. ટોચના રાજકારણીઓને પણ જેમાં છોડવામાં આવ્યા નથી તેવી આ ઝુંબેશમાં ઝડપાયેલી ટોચની હસ્તીઓમાં ટ્રુઓંગ લાન સૌથી વિખ્યાત છે. કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી નુયેન ફૂ ટ્રોંગે ગયા વર્ષે નવેમ્બરમાં જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ લાંબો સમય સુધી ચાલુ રહેશે.
વાન થિન્હ ફાટ એ વિયેતનામની સૌથી ધનિક રિઅલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે જેના પ્રોજેક્ટ્સમાં લકઝરી રહેણાંક ઈમારતો, ઓફિસો, શોપિંગ સેન્ટર્સ અને હોટેલ્સનો સમાવેશ થાય છે. હાલ વિયેતનામ ઈન્વેસ્ટર્સને આકર્ષવા માટે વૈકલ્પિક સ્થળ બનવા માટે પ્રયાસો કરી રહ્યું છે ત્યારે આટલું મોટું છેતરપિંડીનું કૌભાંડ બહાર આવતાં દેશમાં ચિંતા પ્રસરી ગઈ છે.
2023માં વિયેતનામના રિઅલ એસ્ટેટ માર્કેટમાંથી અંદાજે 1300 પ્રોપર્ટી કંપનીઓએ પોતાનો કારોબાર સંકેલી લેતાં આ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો. હાલ ડેવલપર્સ ખરીદદારોને આકર્ષવા માટે મોટાં ડિસ્કાઉન્ટ્સ તથા ભેટ તરીકે સોનું ઓફર કરી રહ્યા છે.
હો ચી મિન્હ શહેરમાં દુકાનો તથા રહેઠાણોના ભાડાં ઘટીને ત્રીજા ભાગના થઇ ગયા હોવા છતાં શહેરમાં સંખ્યાબંધ પ્રોપર્ટીઓ ખાલી પડી રહી છે.