વિશ્વના કોઈ પણ દેશમાં ક્યારેય ગાઉનની ફેશનનો ટ્રેન્ડ નહીં હોય એવું બનવાનું નથી. આ ગાઉનનું એક સ્વરૂપ છે કફ્તાન. વિશ્વના પેશન હબ ગણાતા પેરિસથી લઈને જુદા જુદા દેશોમાં કફ્તાનની લોકપ્રિયતા વધી રહી છે. કફ્તાનની લોકપ્રિયતા વધવા પાછળ ફેશન એક્સપર્ટ્સનું માનવું એવું છે કે કફ્તાન ખૂબ જ સરળ ડ્રેસ સ્ટાઇલ છે. આસાનીથી પહેરી શકાય છે અને કોઈ પણ સિઝનમાં કફ્તાન કમ્ફર્ટેબલ રહે છે.
અરેબિયન, ઇરાનિયન સંસ્કૃતિમાંથી આવેલા આ પહેરવેશમાં એક લોન્ગ ફુલ લેન્થ ગાઉન હોય છે. આ ગાઉનમાં સિલાઈ જરૂર હોય ત્યાં અથવા તો નહીંવત કહી શકાય તેવી હોય છે. કફ્તાન મોટેભાગે કમરથી ખૂલ્લું એવું ઉપવસ્ત્ર કહી શકાય. જોકે હાલમાં ફેશન મુજબ કફ્તાનની લંબાઈમાં ઘણા પરિવર્તનો દેખાઈ રહ્યાં છે અને ઘૂંટણ જેટલાં કે ઘૂંટણથી ઉપરની લંબાઈ ધરાવતાં કફ્તાન પણ બજારમાં મળી રહે છે.
પ્રસંગને અનુરૂપ ડ્રેસ સ્ટાઇલ
કફ્તાનને બેલ્ટ કે સ્ટ્રેચ કરી શકાય તે પ્રકારનાં કફતાન પણ અત્યારે મળી રહે છે. આજકાલ લેયર્સવાળા ડિઝાઈનર્સ કફતાન પણ માર્કેટમાં મળે છે અને તે જે તે પ્રસંગે પહેરવેશ તરીકે શોભી પણ ઊઠે છે.
ખાસ કરીને પ્લસ સાઈઝની મહિલાઓ માટે આ ડ્રેસ ખૂબ જ કમ્ફર્ટેબલ છે. સાડી અને સલવાર કમીઝ પહેરતી મહિલાઓ માટે કફતાન ડ્રેસ ફેશનેબલ અને સ્ટાઇલિશ લૂક આપશે. કફતાન ડ્રેસ મોટેભાગે સિન્થેટિક મટીરિયલમાં વધારે મળે છે. પાર્ટીવેર માટે સિલ્ક, સાટીન અને વેલ્વેટ બેઝ પણ પસંદ કરી શકાય. તેમાં પ્રિન્ટેડ ફ્લોરલ કફતાન આજકાલ વધુ ફેશનમાં છે. ફુલ સ્લિવ કે ક્રો સ્લિવવાળા આ ડ્રેસમાં સેન્ટર ઓફ એટ્રેક્શન નેકની પેટર્ન અને વર્ક હોય છે. હાઈ નેક કે ટીકી મોતીવર્ક તથા સિક્વન્સ કફતાનમાં વધુ સુંદર લાગે છે. તેમાં મેચિંગ એસેસરીઝમાં હાઈ હિલ વેજીસ અને લોંગ અરેબિયન ઇયરિંગ પરફેક્ટ રહેશે.
કફ્તાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ડ્રેસ સ્ટાઇલમાં અલ્ટરેશનની ચિંતા નહીં કે ન સાઇડ ફીટિંગની ઝંઝટ. કફ્તાન માટે ક્યારેય અલ્ટરેશનની જરૂર પડતી નથી કે એમાં ક્યારેય સાઇડથી ફિટિંગ કરાવવું નથી પડતું. કફ્તાન પહેરવામાં થોડું લૂઝ હોય તો પણ એ આકર્ષક લાગે છે. કફ્તાન એક લંબચોરસ કપડાંના ટુકડામાંથી બનાવાય છે. જેમાં સાઇડ પર સાઇઝ પ્રમાણે સિલાઈ હોય છે. કફ્તાનમાં સિમ્પલ નેકલાઇન જ અપાય છે, જેમકે ‘યુ’ અથવા ‘બી’ અને ક્યારેક આ નેકલાઇનમાં થોડું વર્ક હોય છે. ખભાથી ૮થી ૧૦ ઇંચ સુધી સિલાઈ કરવામાં નથી આવતી જેમાંથી હાથ સહેલાઈથી નીકળી શકે.
કફ્તાન-સ્ટાઇલ પહેલાં માત્ર ગાઉનમાં જ જોવા મળતી અને એ પણ માત્ર કોટન કે સિલ્ક ફેબ્રિકમાં, પરંતુ હવે કફ્તાન-સ્ટાઇલ કુર્તી અને ટોપ્સમાં પણ જોવા મળે છે. કફ્તાન-સ્ટાઇલ કુર્તી અને ટોપમાં ફ્લોઇ ફેબ્રિક્સ જ વાપરવામાં આવે છે. જેમકે શિફોન, જ્યોર્જેટ અને નેટ ફ્લોઇ ફેબ્રિકમાં મળતાં હોવાથી ચોઇસ કરવા માટે બહુ ઓપશન્સ મળી રહે છે અને પ્રિન્ટ્સની વરાઇટી પણ મળતી હોવાથી ગમે એ રીતે મિક્સ એન્ડ મેચ કરી શકાય. કુર્તી અને ટોપ્સમાં પણ ઘણી વરાઇટી આવે છે. જેમ કે વન શોલ્ડર, બટરફ્લાય સ્લિવ, કફ્તાન કુર્તી, કફ્તાન વિથ યોક, કફ્તાન વિથ આઉટ યોક, કફ્તાન વિથ એડ્જસ્ટેબલ ફિટિંગ વગેરે.
કફ્તાન કુર્તી
આમ તો કફ્તાનમાં કોઈ સાઇઝ હોતી નથી. ફ્રી સાઇઝમાં જ હોય છે, પરંતુ અત્યારની કુર્તી સાઇઝ પ્રમાણે જ બને છે જેમાં નેકલાઇનમાં પણ ઘણાં વેરિએશન હોય છે અને સાથે વર્ક પણ આપવામાં આવે છે. આ પિન્ક ટોપમાં બ્લેક એન્ડ વાઇટ પટ્ટી હોય છે અને કુર્તીની લંબાઈ ગોઠણ સુધી રખાય છે. આ કુર્તી લેગિન્સ કે જેગિન્સ અથવા સ્કિની જીન્સ સાથે જ સારી લાગશે. કફ્તાનમાં સાઇડમાં સિલાઈ માર્યા પછી જે ફેબ્રિક બચે છે એને કાપવામાં નથી આવતું એટલે પહેર્યા પછી એ સાઇડ પરથી નીચે આવે છે. આવી કુર્તીમાં હેમલાઇન એકસરખી ન લાગતાં એસિમેટ્રિક લાગે છે. આ કુર્તી સાથેનો જ્વેલરી-લુક વધુ સારો લાગશે અને જો કાંઈ પહેરવું જ હોય તો કાનમાં સ્ટડ્સ પહેરી શકાય. કફ્તાનની નેકલાઇન જો પ્લેન હોય તો ગળામાં કોઈ હેવી નેકલેસ સારો લાગશે. જો આવી કુર્તી તમારે કોઈ ડિનર માટે જતી વખતે પહેરવી હોય તો એની સાથે હાઈ હીલ્સ સારી લાગશે અને જો કેઝ્યુઅલી પહેરવી હોય તો ફ્લેટ બેલીસ સારાં લાગી શકે.
એસિમેટ્રિક કફ્તાન
આ એક વન-શોલ્ડર કફ્તાન છે, જેમાં એક સાઇડની સ્લિવ મેગિયા આપવામાં આવી છે અને બીજી સાઇડ કફ્તાન-સ્ટાઇલિંગ આપી છે. હેમલાઇનમાં થોડો રાઉન્ડ શેપ આપવામાં આવ્યો છે. આ કુર્તી એક સાઇડ કફ્તાન-સ્ટાઇલિંગ છે અને એ માટે સાઇડનું ફેબ્રિક ગોઠણ સુધી આવે છે એટલે ઓવરઓલ લુકમાં એસિમેટ્રિકલ કફ્તાન લાગે છે. જોકે આ કફ્તાન કુર્તી પહેરવા માટે મોડલ-ફિગર હોવું જરૂરી તો છે જ, પરંતુ સાથે એક રાઇટ એટિટ્યુડની પણ એટલી જ જરૂર છે. એસિમેટ્રિકલ હેમલાઇન જે લાંબા અને પાતળા લોકો હોય એના પર વધુ સારી લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પેટર્ન વધુ સારી રીતે દેખાશે. આ કફ્તાન કુર્તી ડેનિમ સાથે સારી લાગશે અથવા થ્રીફોર્થ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પણ સારી લાગી શકે. થ્રીફોર્થ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે ટાઇ-અપ્સ પહેરી એક કમ્પ્લિટ લુક આપી શકાય.
બટરફ્લાય સ્લિવ્સ અથવા હાફ કફ્તાન
ટોપમાં માત્ર કમર સુધી જ કફ્તાન-સ્ટાઇલિંગ આપવામાં આવે છે. આવાં ટોપ્સ કોલેજ-ગર્લ્સમાં બહુ જ લોકપ્રિય છે. આવાં ટોપ્સ કોઈ પણ ડેનિમ સાથે સારાં લાગી શકે અથવા થ્રીફોર્થ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પણ પહેરી શકાય. આવાં ટોપ્સમાં ઘણી ખરી પ્રિન્ટના ઓપશન્સ મળી રહે છે. કફ્તાન-ઇફેક્ટ માત્ર કમર સુધી જ છે અને માટે જ એને બટરફ્લાય સ્લિવ તરીકે પણ વર્ણવી શકાય. આવાં ટોપ્સ હોઝિયરી ફેબ્રિકમાં પણ જોવા મળે છે. હોઝિયરી કફ્તાન ટોપ સ્થૂળ શરીરવાળાએ ન પહેરવાં, કારણ કે હોઝિયરી શરીરને ચોંટી જાય છે.
હાથ અને પેટ વધુ પડતાં હશે તો ખરાબ લાગશે. સ્થૂળ શરીર છે, પરંતુ આવાં ટોપ પહેરવાં છે તો ફ્લોઇ ફેબ્રિક્સ પહેરી શકાય અને એમાં ડાર્ક કલરનું સિલેક્શન કરવું. ખરેખર તો કફ્તાન સ્થૂળ શરીરવાળા પર વધારે શોભે છે, કારણ કે કફ્તાનમાં કોઈ શોલ્ડર સ્ટિચલાઇન નથી હોતી. સ્થૂળ શરીરવાળાનો બાંધો થોડો પહોળો હોય છે એટલે કફ્તાન તેમના પર દીપી ઉઠે છે અને કફ્તાનની પેટર્ન સરસ રીતે દેખાય છે. કફ્તાન એ એક ઓલ સિઝન વસ્ત્ર છે અને સિઝન પ્રમાણે ફેબ્રિકનું સિલેક્શન કરવું. જેમકે ગરમીમાં બાટિક કે બાંધણીના કફ્તાન કે પછી કફ્તાન ટોપ્સ કે કુર્તી પહેરી શકાય. વરસાદની મોસમમાં ફ્લોઇ ફેબ્રિક અને શિયાળામાં હોઝિયરીનાં કફ્તાન-ટોપ્સ કે કુર્તી સારાં લાગી શકે. આ ડ્રેસની ખાસિયત એ છે કે આવા ડ્રેસ પ્રેગ્નન્ટ વુમન પણ પહેરી શકે. એ ખૂબ જ કમ્ફર્ટેબલ અને ખૂલતા હોવાથી હલનચલનમાં સગવડભર્યું રહે છે.
ક્રોશેટ યાર્ન કફ્તાન
ક્રોશેટ યાર્નમાંથી બનતાં કફ્તાન પણ આજકાલ ઇનટ્રેન્ડ છે. આ પ્રકારના કફ્તાનમાં ફ્લોરલ પેટર્ન, લાઇનિંગ પેટર્ન, સ્ટ્રીપ્સ પેટર્ન ખાસ લોકપ્રિય છે. આ કફ્તાન ટ્રેન્ડી-કેઝ્યુઅલ લુક માટે સ્પેશ્યલી ડિઝાઈન કરાય છે.