નવી દિલ્હીઃ , તા. ૮ઃ ‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત ત્રીજા વર્ષે નાણાપ્રધાન સીતારામને સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૨૧ માટે જારી થયેલી યાદીમાં તેઓ ૩૭મા ક્રમે છે. વર્ષ ૨૦૧૯માં તેઓ ૩૪મા તો ૨૦૨૦માં ૪૧મા સ્થાને સ્થાને હતા. ૨૦૨૧ની યાદીમાં તેઓ અમેરિકી નાણાપ્રધાન જેનેટ યેલેન કરતાં બે સ્થાન આગળ છે. સીતારામન ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાપ્રધાન છે.
અમેરિકન ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડે છે. આ વર્ષે ૧૮મી યાદી જારી કરવામાં આવી હતી. યાદીમાં ૪૦ સીઇઓનો સમાવેશ થયો છે. વર્ષ ૨૦૧૫ પછી યાદીમાં સામેલ સીઇઓની આ સૌથી ઊંચી સંખ્યા છે. આ મહિલાઓ ૩.૩ ટ્રિલિયન ડોલરની આવકનો વહીવટ કરે છે. યાદીમાં ૧૯ રાજનેતાઓ અને એક ઇમ્યૂનોલોજિસ્ટનો પણ સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૨૧ની યાદીની વિશેષતા પણ એ છે કે, દાયકા જેટલા સમય બાદ સખાવતી પ્રવૃત્તિ કરનારા મેકેન્ઝી સ્કોટે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પાસેથી પ્રથમ સ્થાન આંચકી લીધું છે. મેકેન્ઝી સ્કોટ એમેઝોન ગ્રૂપના માલિક જેફ બેજોસના પૂર્વ પત્ની છે. યાદીમાં બીજા સ્થાને અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસ રહ્યાં છે. ગયા વર્ષને મુકાબલે તેઓ એક સ્થાન ઉપર ગયાં છે. ભારતીય મૂળના કમલા હેરિસે અમેરિકાના પ્રથમ મહિલા ઉપપ્રમુખપદ હાંસલ કરીને ઇતિહાસ સર્જ્યો છે. યુરોપીય મધ્યસ્થ બેન્કના પ્રમુખ ક્રિસ્ટાઇન લેગાર્ડે યાદીમાં ત્રીજા સ્થાને રહ્યાં છે.
યાદીમાં જે અન્ય નોંધપાત્ર ચહેરાઓનો સમાવેશ થાય છે તેમાં ફેસબૂકના વ્હીસલ બ્લોઅર ફ્રાન્સિસ હ્યુગેન (૧૦૦મા ક્રમે) અને બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાનો (૪૩મા ક્રમે) પણ સમાવેશ થાય છે.
લિસ્ટમાં ભારતનાં મહિલા અગ્રણી
વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સ યાદીમાં ભારતની ચાર મહિલાનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન ઉપરાંત યાદીમાં જે અન્ય ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાં એચસીએલ કોર્પોરેશનના સીઇઓ રોશની નાદર મલહોત્રા (૫૨મા સ્થાને) અને બાયકોનના ચેરપર્સન કિરન મઝુમદાર-શો (૭૨મા સ્થાને) છે. ગત વર્ષે યાદીમાં નાદર ૫૨મા ક્રમે તો મઝુમદાર ૬૮મા ક્રમે સામેલ હતાં. મઝુમદાર પદ્મશ્રી (૧૯૮૯), પદ્મભૂષણ (૨૦૦૫) સહિત અનેક પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યાં છે.
આ ઉપરાંત યાદીમાં નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરનો પણ ૮૮મા ક્રમે સમાવેશ થાય છે. નાયર આ વર્ષે જ ભારતના સાતમા મહિલા અબજોપતિ બન્યા છે.
ટોપ-૧૦માં નારીશક્તિ
વિશ્વની ટોચની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદીમાં સખાવતી પ્રવૃત્તિ કરનારા મેકેન્ઝી સ્કોટનો પ્રથમ, અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસનો દ્વિતીય તો યુરોપીય મધ્યસ્થ બેન્કના પ્રમુખ ક્રિસ્ટીના લેગાર્ડેનો ત્રીજા ક્રમે સમાવેશ થાય છે. ચોથા ક્રમે જનરલ મોટર્સના સીઇઓ મેરી બારા, સખાવતી પ્રવૃત્તિ કરનારા મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સનો પાંચમા ક્રમે તો ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટના સીઇઓ અબિગેઇલ જોન્સનનો છઠ્ઠા ક્રમે સમાવેશ થાય છે. યાદીમાં યુરોપીય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનનો આઠમા ક્રમે તો તાઇવાનના પ્રમુખ ત્સાઇ ઇંગ-વેનનો સમાવેશ નવમા ક્રમે સમાવેશ થાય છે. યાદીમાં ૧૦મા ક્રમે એસેન્ચ્યોરના સીઇઓ જુલી સ્વીટનો સમાવેશ થાય છે.