બૈજિંગઃ ચીનની યુ જિયાનજિયાએ ૨૦૧૬માં વિશ્વની સૌથી લાંબી આંખની પાંપણો ૪.૮૮ ઈંચ (૧૨.૫ સે.મી.)નો રેકોર્ડ સર્જ્યો હતો. હવે તેણે પોતે જ પોતાનો રેકોર્ડ તોડ્યો છે. હવે તેણે તેની આંખની પાંપણોની લંબાઈ બમણી કરી દેતા આઠ ઈંચ (૨૦.૫ સે.મી.) સુધીની કરી છે.
ડોક્ટરો પણ તેની આંખની આટલી લાંબી પાંપણોને જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, પરંતુ જિયાનજિયા માને છે કે તેને આ ભગવાન બુદ્ધ તરફથી મળેલી ભેટ છે.
જિયાનજિયા ચીનના દક્ષિણ પ્રાંતમાં આવેલા શહેર ચાંગ્ઝુની રહેવાસી છે. તેનું કહેવું છે કે ૨૦૧૫માં મને સૌપ્રથમ વખત લાગ્યું હતું કે મારી આંખની પાંપણો સતત વધતી જાય છે, તે સતત લાંબી થતી જતી હતી. મેં આ અંગે ડોક્ટરોને બતાવ્યું કે મારી આંખની પાંપણ સતત વધે છે પણ તેઓ મને આ અંગે સમજાવી ન શક્યા. તેઓએ આ વાત આશ્ચર્યજનક લાગતી હતી. આ પછી મેં તેના વૈજ્ઞાનિક તારણો મેળવવાનો પ્રયત્ન પણ કરી જોયો, પણ તેમાં પણ કશું ન મળ્યું. મારા કુટુંબમાં કોઈની પણ આંખની પાંપણ આવી નથી. તેથી તેઓ પણ ન સમજાવી શક્યા.
જિયાનજિયા પોતાને ખુશનસીબ ગણાવતા કહે છે કે આથી હવે મને લાગે છે કે કદાચ આ કોઈ વૈજ્ઞાનિક પરિબળના બદલે દૈવી પ્રેરણા હોઈ શકે. હું વિચારું છું કે શા માટે મારી આંખની પાંપણો આવી છે. મને તે સમયે યાદ આવ્યું કે મેં કેટલાક વર્ષો પહેલાં પર્વતોમાં ૪૮૦ દિવસ પસાર કર્યા હતા. તેથી મેં મારી જાતને કહ્યું કે આ પાંપણો મને ભગવાન બુદ્ધ તરફથી મળેલી ભેટ છે.
તેનું કહેવું છે કે આંખની આ પાંપણોથી મને દૈનિક જીવનમાં કોઈ તકલીફ પડતી નથી. ઉલ્ટાનું મેકઅપ કરતી વખતે મારો સમય બચે છે. મારી કુદરતી રીતે જ પાંપણોના લીધે મારે આઈશેડો લગાવવાની જરૂર પડતી નથી કે આઈલાઈનર લગાવવાની જરૂર પડતી નથી. મારી લાંબી આંખની પાંપણો લાંબા આઈલાઈનર તરીકે કામ કરે છે.