યુએસના ફ્લોરિડાના ક્લેરમોન્ટનાં આશા મન્ડેલાએ તેના સૌથી લાંબા ડ્રેડલોક વાળ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. છેલ્લા 40 વર્ષથી વાળ વધારી રહેલાં આશાએ ચાર દસકામાં એક પણ વખત વાળ કપાવ્યા નથી. 60 વર્ષનાં આશાનું કહેવું છે કે હું મારા વાળને શાહી તાજ માનું છું, અને આ જ વાળે મને ખ્યાતિ અપાવી છે. આશાએ સૌથી લાંબા ડ્રેડલોક વાળનો રેકોર્ડ બનાવ્યો છે. ડ્રેડલોક્સને લોક્સ કે ડ્રેડના રૂપમાં પણ ઓળખી શકાય છે. તમે જોયું હશે કે સાધુ-મહંતો અને કેટલાક લોકોના વાળ દોરડા જેવા ગૂંથાયેલા લાગે છે, જે ખાસ રીતે બનાવવામાં આવે છે. તેને ડ્રેડલોક કહેવાય છે. ટ્રિનીડાડ અને ટોબેગો દ્વીપમાંથી યુએસ પહોંચ્યા પછી આશાએ વાળને વધારવાના શરૂ કર્યા હતા. 11 નવેમ્બર 2009ના રોજ આશા મન્ડેલાના ડ્રેડલોક્સની કુલ લંબાઈ 5.96 મીટર એટલે કે 19 ફૂટ 6.5. ઈંચ હતી. આજે ડ્રેડલોક્સની કુલ લંબાઈ 33.5 મીટર એટલે કે 110 ફૂટ છે. આશાનાં આટલા લાંબા વાળનું વજન 19 કિલો છે. આશા પોતાના વાળને કપડામાં બાંધી દઇને તેને કમર પર લટકાવે છે તેનાથી તેની ગરદન પર સીધું ખેંચાણ આવે નહીં. આશાના પતિનું નામ ઈમેન્યુઅલ ચેગ છે અને તેઓ કેન્યાના પ્રોફેશનલ લોક સ્ટાઈલિસ્ટ છે અને વાળમાં ડ્રેડલોક બનાવે છે. આશાના ડ્રેડલોક પણ પતિ જ બનાવે છે. આશાને દર સપ્તાહે વાળ ધોવા શેમ્પૂની છ બોટલ જોઇએ છે ને વાળ ધોયા પછી સૂકવતાં દિવસ લાગી જાય છે. આ સિવાય તેની સારસંભાળ માટે લાગતા સમયનો તો હિસાબ જ નથી.