ચીની શબ્દ વુ અને શુ મળીને બનેલા વુશુ શબ્દનો અર્થ માર્શલ આર્ટ્સ થાય છે. વુનો અર્થ સૈન્ય અથવા માર્શલ થાય છે અને શુનો અર્થ કળા, કુશળતા અથવા પદ્ધતિ થાય છે. તે એક શબ્દ તરીકે માર્શલ આર્ટ તરીકે અંગ્રેજીમાં સામેલ કરવામાં આવ્યો છે. એ રીતે વુશુનો અર્થ લડવાની કળા અથવા આત્મરક્ષણ કરવા માટેની કળા પણ કહી શકાય. વુશુએ એક ખેલ તરીકે નામના મેળવી છે. વુશુની વિશ્વ ચેમ્પિયનશિપમાં એક મહિલાએ ભારતને રજત ચંદ્રક અને સુવર્ણ ચંદ્રક અપાવીને દેશનું ગૌરવ વધાર્યું છે !
એનું નામ પૂજા કાદિયાન... રશિયાના કઝાનમાં ૪ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ યોજાયેલી વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૭૫ કિલોગ્રામ વજન વર્ગની સાંડા ઇવેન્ટની ફાઈનલમાં પૂજે રશિયાની સ્ટેપાનોવાને હરાવીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો. એ સાથે પૂજાએ ઈતિહાસ રચ્યો. વુશની વર્લ્ડ ચેમ્પિયનશિપના છવ્વીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય ખેલાડીએ સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે !
પૂજા કાદિયાનની સિદ્ધિઓ પર એક નજર : વુશુ વર્લ્ડ ગેમ્સમાં ૨૦૧૩માં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો, એ જ વર્ષમાં, ૨૦૧૩માં વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક, ૨૦૧૪માં રાષ્ટ્રીય ખેલોમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૫માં વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક, ૨૦૧૬માં દક્ષિણ એશિયાઈ ખેલોમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૭માં રાષ્ટ્રીય ખેલોમાં સુવર્ણ ચંદ્રક અને ૨૦૧૭માં વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક..... આ સિદ્ધિને પગલે પૂજા કાદિયાનને ૨૦૧૮માં ભારત સરકાર દ્વારા અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.
આ પૂજાનો જન્મ હરિયાણાના ઝજ્જર જિલ્લાના નાનકડા ગામ ડેરીમાં ૧ ઓક્ટોબર ૧૯૯૧ના થયેલો. પિતા ખેડૂત હતા. માત્ર છ વર્ષની વયે પૂજાએ માતાની છત્રછાયા ગુમાવી. પૂજા ગામની પ્રાથમિક શાળામાં ભણતી. જોકે શાળાએ જતી વખતે અને શાળાએથી પાછા ફરતી વખતે રસ્તે ચાલતી જતી પૂજાની કેટલાક છોકરાઓ છેડતી કરતા. એથી સ્વબચાવ માટે પૂજાએ તાયક્વાંડો માર્શલ આર્ટનું પ્રશિક્ષણ લેવાનું નક્કી કર્યું.
ઘેર છાણાં થાપતી વખતે એ તાયક્વાંડોની પ્રેક્ટિસ કરતી. છાણાં થાપતી વખતે પૂજાએ સ્વબચાવની કેટલીક પદ્ધતિનો આવિષ્કાર કર્યો. ધીમે ધીમે એ વુશુ ભણી વળી. પોતાની નાનીમા પાસે દિલ્હી ચાલી ગઈ. કોઈક કારણસર અહીં આવીને ત્રણ વર્ષ વુશુને વિરામ આપ્યો. ત્રણ વર્ષ પછી, ૨૦૦૭માં ફરી વુશુ ખેલવાનું શરૂ કર્યું. વુશુનો ખેલ પૂજાએ શરૂ કર્યો અને ખેલમાં ઓતપ્રોત થઈને ચંદ્રકો પણ જીત્યા. ૨૦૦૮માં જિલ્લા સ્તરની અને રાજ્ય સ્તરની ટુર્નામેન્ટમાં સફળતા મેળવી. સફળતાને પગલે પૂજા માર્શલ આર્ટ પ્રત્યે વધુ ગંભીર બની. વિજેતા દીકરીને ઘરમાંથી પણ આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું. પૂજાને વુશુની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક મળી. વુશુની સાંડા ઇવેન્ટમાં પૂજાનું પ્રભુત્વ હતું. આ ઇવેન્ટને ચાઇનીઝ બોક્સિંગ પણ કહે છે. ૨૦૧૧માં તુર્કીના અંકારા ખાતે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલ સુધી પહોંચીને પૂજાએ રજત ચંદ્રક મેળવ્યો. આ જ વર્ષે યોજાયેલી વર્લ્ડ ગેમ્સમાં પણ રજત ચંદ્રક મેળવી દુનિયાની બીજા ક્રમની શ્રેષ્ઠ ખેલાડી બની. ૨૦૧૪માં રમાયેલી નેશનલ ગેમ્સમાં પૂજાએ સુવર્ણ ચંદ્રક મેળવીને પોતે દેશની સર્વશ્રેષ્ઠ વુશુ ખેલાડી તરીકેની નામના મેળવી. ૨૦૧૫માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં રમાયેલી વુશુની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલ સુધી પહોંચી. ૨૦૧૬માં ઘરઆંગણે યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા મેળવી.
જોકે પૂજાનું સ્વપ્ન એક સૈનિક બનવાનું હતું. ૨૦૧૩માં રાષ્ટ્રીય સ્તરની સફળતા તથા શારીરિક સજ્જતાને પગલે પૂજાને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ- સીઆરપીએફમાં નોકરી મળી ગઈ. વળી નોકરીને કારણે પૂજા આર્થિક રીતે પગભર થઈ. તેણે વુશુ પર વધુ ને વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. સીઆરપીએફ પૂજાનું સંપૂર્ણ સમર્થન કરે છે. એને પ્રશિક્ષણમાં સહાયરૂપ થાય છે. સીઆરપીએફ પૂજાને લાડથી ‘ગોલ્ડન ગર્લ’ના નામે સંબોધે છે. સીઆરપીએફની નોકરી કરતાં કરતાં જ પૂજાએ વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં હિસ્સો લઈને ત્રણ વાર રજત ચંદ્રક મેળવેલાં.
અંતે સુવર્ણ ચંદ્રક પણ પૂજાએ પ્રાપ્ત કર્યો અને સોનેરી સફળતા મેળવી. એ સંદર્ભે પૂજાએ કહેલું, ‘હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા ગઈ ત્યારે સુવર્ણ ચંદ્રક જીતવા માટે પ્રતિબદ્ધ હતી. હું ભારતમાં હતી ત્યારે જ સંકલ્પ કરેલો કે વિદેશમાં સુવર્ણ જીતીને દેશનો ડંકો વગાડીશ...હું આશા રાખું છે કે મારી સફળતા અન્ય યુવાનોને વુશુનો ખેલ અપનાવવા અને દેશનું નામ રોશન કરવા પ્રેરશે !