વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે પ્રખ્યાત મશહૂર ડો. લક્ષ્મી ગૌતમ (ઉં પપ) વર્ષ ૨૦૧૨થી બિનવારસી મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરે છે. મૃતદેહને મુખાગ્નિ પણ પોતે જ આપે છે. કોઇની પાસેથી નાણાકીય મદદ પણ નથી લેતા. ૮ વર્ષમાં તેઓએ અંદાજે ૩૦૦ મૃતકોનાં અંતિમ સંસ્કાર કર્યાં છે. વૃંદાવનની એસઓપી કોલેજમાં ઇતિહાસના એસોસિએટ પ્રોફેસર રહેલાં ડો. લક્ષ્મી જણાવે છે કે, ૨૦૧૧-૧૨માં સુપ્રીમ કોર્ટે વૃંદાવનમાં રહેતી નિરાશ્રિત મહિલાઓનો સરવે કરાવવાનું નક્કી કર્યું. તે સરવેમાં સામે આવ્યું કે, નિરાશ્રિત મહિલાઓનાં અંતિમ સંસ્કાર બરાબર રીતે નથી કરાતા. આ જાણીને મને બહુ જ દુ:ખ થયું હતું. આ દરમિયાન વૃંદાવનમાં રાધા નામની એક નિરાશ્રિત મહિલાનો મૃતદેહ ચૂબતરા પર રાખી દેવાયેલું મળી આવ્યું હતું. તેનું મૃત્યુ સવારે થયું હતું, પણ સાંજ સુધી કોઇએ તેને હાથ પણ લગાડ્યો નહોતો. મેં તેના અંતિમ સંસ્કાર કર્યાં અને તે દિવસથી જ મેં નિરાશ્રિત મહિલાઓનાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો. આજ સુધી હું એ જ કરી રહી છું. મેં સવારે ૮ વાગ્યે અને રાત્રે ૧૧ વાગ્યે પણ મૃતદેહનાં અંતિમ સંસ્કાર કર્યાં છે. હું આ કામ સાથે જોડાઇ તો પરિવારજનો મનથી સાથ નહોતા આપતા, પણ હવે મારા બે દીકરા અને એક દીકરી મને મદદ કરે છે. પૈસાની મદદ પણ કરે છે. તેમણે કનક ધારા ફાઉન્ડેશન પણ બનાવ્યું છે. આ અસાધારણ સેવાકાર્ય માટે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં એમ બે વખત તેમને સન્માનિત પણ કર્યાં હતાં.