હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ સમયમાં હેવિ ઘરેણાં પહેરેલાં હોય અને સાથે ભારે કપડાં પહોર્યાં હોય એટલે સ્વાભાવિક છે કે અકળામણ થાય. જ્યારે તમે ભારે વસ્ત્રો પહેરો અને વજનદાર ઘરેણાં પહેરો ત્યારે ખાસ કરીને મેક અપ ઓછો અથવા તો વોટર પ્રૂફ કરો તે તમારા માટે સુવિધાજનક રહેશે. પ્રસંગોમાં ભીડ કે અકળામણને કારણે મેક અપ પીગળવા લાગે, લાઇનર સ્પ્રેડ થવા લાગે અને લિપસ્ટિક પણ ફેલાવા લાગે એ સજા જેવું લાગે છે. પ્રસંગોમાં મેક અપ ઇઝી અને કમ્ફર્ટેબલ કરવો જોઈએ. ઈઝી મેક-અપ કરવામાં શું ધ્યાનમાં રાખવું એ માટે કેટલાંક સૂચનો અહીં છે.
વોટર પ્રૂફ મેક અપ
સૌ પ્રથમ મિલ્કથી ચહેરો સાફ કરવો. એ પછી ચહેરા ઉપર પાણીનો હલકો સ્પ્રે કરવો. ત્યારબાદ હળવા હાથે આઇસ મસાજ કરવી. આઇસ મસાજ પછી કોટન રૂની મદદથી ચહેરો સાફ કરવો ત્યારબાદ ચહેરા પર કોમ્પેક્ટ લગાડીને ફરી પાણીનો હળવો સ્પ્રે કરવો. થોડીવાર ચહેરા ઉપર પાણી સુકાવા દેવું. પાણી સુકાય એટલે કોટનથી મોઢું સાફ કરીને ફરી કોમ્પેક્ટ લગાવવું. આ પ્રક્રિયા પૂરી થયા બાદ આઇ શેડો, પેન્સિલ આઇ બ્રો કે આઇ લાઇનરથી આંખનો મેક અપ પૂરો કરવો. આટલું થયા બાદ છેલ્લે ફાઉન્ડેશન કે મેક અપ શરૂ કરવો. ત્યાર બાદ છેલ્લે ફરી કોમ્પેક્ટ લગાવવાથી ત્વચા સૂકી જ રહે છે. આ મેક અપ ચહેરા ઉપર પરસેવો પણ થવા દેતો નથી.
પ્રાઇમર લગાવો
મેક અપના બેઝ સમાન પ્રાઇમર લગાવવું જરૂરી છે, કારણ કે મેક અપ જો ડિરેક્ટલી સ્કિન પર હશે તો એને ગરમી અને પસીનાની અસર થશે. જો મેક અપ લાંબો સમય સુધી ટકાવી રાખવો હોય તો પ્રાઇમર જરૂરી છે. આનાથી મેક અપ હેવિ નહીં લાગે અને લાંબો સમય રહેશે.
ઓછો મેક અપ કરો
જ્યારે તમે ભારે કપડાં અને અતિભારે ઘરેણાં પહેરો ત્યારે મેક અપ વધુ પડતો બોલ્ડ કરવાને બદલે થોડો લાઇટ કરવાનો રાખો. આજકાલ ફાઉન્ડેશનનો પણ જમાનો નથી રહ્યો એટલે એને બદલે ટિન્ટેડ મોઇસ્ચરાઇઝર લગાવો. ફાઉન્ડેશનથી ચહેરા પર કંઈક વધુ પડતું લગાવ્યું હોય એવું લાગે છે જ્યારે ટિન્ટેડ મોઇસ્ચરાઇઝર નેચરલ લુક આપે છે. જોકે ચહેરા પર જો કોઈ ડાઘ હોય તો ત્યાં કન્સિલર લગાવી શકાય.
ઓઇલ બેઝ મેક અપ ન કરો
ઓઇલ બેઝ મેક અપ હશે તો એનાથી ચહેરો વધુ ડાર્ક અને તેલીય લાગશે માટે ચહેરા પર લાઇટ ફિલ થાય તેવો પાઉડર બેઝ મેક અપ વાપરો. બ્રોન્ઝર પણ લગાવી શકાય, જેનાથી આંખો બ્રાઇટ લાગશે અને સ્કિન પર શાઇન આવશે. પાઉડર ફોર્મમાં મળતું બ્રોન્ઝર ફક્ત કપાળ, ચીકબોન, દાઢી અને નાક પર લગાવવું.
ગ્લો દેખાય એ માટે...
ચહેરા પર શિમર લગાવીને હોટ લુક ક્રિએટ કરવા કરતાં થોડો નેચરલ ગ્લો મેળવવાની ટ્રાય કરો. ચહેરો ઓઇલી હોય તો ઓઇલ બ્લોટિંગ પેપર સાથે રાખવું. જેનાથી એ પસીનો થયા બાદ વધુ શાઇની ન દેખાય. આ સિવાય કોઈ સસ્તું શિમર વાપરવા કરતાં મેટ પ્રેસ્ડ પાઉડર વાપરવો.
લિપસ્ટિકની પસંદગી
શાઇની લિપ્સગ્લોસ અને સ્ટિક હંમેશથી જ અને ગમે એ સિઝનમાં વધુ પડતી લાગે છે પ્રસંગમાં સન પ્રોટેક્શન ફેક્ટરવાળી પણ ડાર્ક શેડની મેટ લિપસ્ટિક લગાવશો તો એ ફ્રેશ લુક આપશે. મેટ મરૂન, રેડ, ચોકલેટ, કોફી અથવા પિચ લિપ્સ્ટિક પ્રસંગે સુંદર લાગશે. આ સિવાય ટિન્ટેડ લિપ બામ પણ લગાવી શકાય.
વોટર પ્રૂફ
આઇ લાઇનર અને મસ્કરા આ બે ચીજો વોટર પ્રૂફ જ વાપરવી. ફક્ત પસીનો થાય તો પણ આ ચીજો સ્પ્રેડ થઈને આંખો બગાડે છે. પહેલાંના જમાનામાં મળતા વોટર પ્રૂફ લાઇનર લગાવ્યા બાદ રબરના લેયર જેવા લાગતા, પરંતુ જમાના સાથે હવે ક્વોલિટી પણ બદલાઈ છે.
બોલ્ડ નેઇલ-પોલિશ
ઓપન ટોવાળા ચંપલ્સ અને શૂઝ પહેરવાનો વિચાર હોય તો પગના નખ પર બ્રાઇટ અને ફન કલરની નેઇલ-પોલિશ લગાવો. અત્યારે હોટ પિન્ક, ઓરેન્જ, પિસ્તા ગ્રીન અને કોબાલ્ટ બ્લુ જેવા શેડ્સ નેઇલ-પોલિશમાં ઇન છે. આ રંગો મોટા ભાગે બધા જ સ્કિન ટોન સાથે મેચ થાય છે. સ્પેશ્યલી ડાર્ક સ્કિન સાથે. નેઇલ-પોલિશનો શેડ પસંદ કરતા સમયે સેન્ડલ્સનો શેડ ખાસ જોઈ લો.
વાઇબ્રન્ટ રંગો
હાલમાં બ્રાઇટ કલર્સ ઇન છે. મેક અપ પેલેટ સાથે રમવા માટે આ સિઝન બેસ્ટ છે. આંખો પર આઇ શેડો તરીકે તેમજ લાઇનર તરીકે થોડા બોલ્ડ રંગો સારા લાગશે. આવા રંગો ચહેરાને ફ્રેશ બનાવે છે. યલો, પિચ અને પિન્કનો ઉપયોગ કરો તમારું સૌંદર્ય નિખરી જશે.