તમે ડ્રેસ, મેક-અપ અને ફુટવેરની સ્ટાઇલ વિશે અપડેટ રહેતા હશો, પણ બેગમાં ક્યો ટ્રેન્ડ ચાલે છે એ જાણો છો? મોટા ભાગની યુવતીઓનો જવાબ હશેઃ ના. યોગ્ય બેગની પસંદગી તમારા વ્યક્તિત્વમાં, તમારી સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી દેતી હોય છે, આમ છતાં બેગ પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. તમે જે પ્રકારે પ્રસંગને અનુરૂપ વેશપરિધાન, મેક-અપ, જ્વેલરી અને ફુટવેરનું ધ્યાન રાખો છો એ જ પ્રકારે તમારા હાથને શોભાવતી અને તમારી વસ્તુઓને સાચવતી બેગ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
દરેક છોકરીને જુદી-જુદી ફેશન-એક્સેસરીઝ અથવા ડ્રેસનું કલેક્શન કરવાનો શોખ હોય છે. ફેશન અને ફીમેલ એકબીજાના પર્યાય કંઇ અમસ્તા નથી ગણાયા. કેટલીક યુવતીઓ એવી હોય છે જેમની પાસે એક જ પર્સ હોય છે તો કેટલીક યુવતીઓ તમને ૧૦૦ કરતાં વધારે બેગ્સનું કલેક્શન જોવા મળશે અને કેટલીક ગર્લ્સ એવી પણ હોય છે જે બે-ચાર જુદી જુદી જાતનાં પર્સ કે બેગ્સ રાખે છે. હકીકતમાં ફેશનની બાબતમાં કોઈ જ નિયમ લાગુ નથી પડતો કે તમારી પાસે કેટલી એક્સેસરીઝ હોવી જોઈએ અને કેટલી નહીં. તમને જે વસ્તુ ગમે તે વસ્તુ ત્યારે જ ખરીદી લો નહીંતર પછી એનો ક્રેઝ પણ જતો રહે છે એવું વિચારનારા પણ હોય છે. હા, તમારી પાસે એ વસ્તુ સાચવવાની પૂરતી જગ્યા પણ હોવી જોઈએ. ફેશન કરવાની કોઈ ઉંમર નથી હોતી, પણ અહીં ૨૦, ૩૦ કે ૪૦ વર્ષની વયે તમારી પાસે કઈ બેગ્સ હોવી જ જોઈએ એની જાણકારી પ્રસ્તુત છે.
મોટા ભાગે કોલેજ-ગર્લ્સ કે વર્કિંગ વુમન એક જ બેગનો ઉપયોગ કરતી હોય છે. કોલેજ-ગર્લ્સ બેગમાં તેમની બુક્સ, વોલેટ અને લંચબોક્સ લઈ જતી હોય છે. વર્કિંગ વુમનની બેગનો ઉપયોગ પણ આ જ હોય છે. એક સમયે મહિલાઓ ઓફિસ માટે કન્ઝર્વેટિવ, પ્રેક્ટિકલ અને બ્લેક બેગ જ પસંદ કરતી. પહેલાં ફેશનમાં બ્લેક કલરની જ બોલબાલા હતી. જોકે હવે ટ્રેન્ડ બદલાયો છે એટલે હવે રંગબેરંગી બેગ્સ માર્કેટમાં અને ગર્લ્સના હાથમાં દેખાઈ રહી છે.
તમને એક જ બેગ લાંબો સમય સુધી વાપરવી ન ગમતી હોય તો તમે સ્ટ્રીટ-શોપિંગ કરી શકો છો. જો તમે લાંબો સમય ટકી રહે એવી બેગ ઇચ્છતા હો તો તમે બ્રાન્ડેડ બેગ પર ખર્ચ કરી શકો છો. એક વાર તમારું બજેટ નક્કી કરો એટલે તમે કઈ બ્રાન્ડ લઈ શકો એ આપોઆપ ખબર પડી જશે. જોકે બ્રાન્ડેડ બેગ ૫૦ પાઉન્ડની પણ મળે અને ૫૦૦૦ પાઉન્ડની પણ આવે. આથી તમારા વોર્ડરોબમાં એક એવરીડે બેગ હોવી જોઈએ.
ઘણા લોકો એવરીડે બેગમાં જ ક્લચ મૂકી દેતા હોય છે. ક્લચ માત્ર શોર્ટ ડ્રેસ સાથે જ રખાય એવું નથી. હવે ક્લચ મોટી સાઇઝનાં પણ આવે છે. તમે કુર્તી કે સલવાર-કમીઝ સાથે પણ ક્લચ રાખી શકો છો. એ ક્લચમાં મોબાઇલ, વોલેટ, જરૂરી મેક-અપ અને તમારા પગની પાતળી બેલી પણ આવી શકે છે. ક્લચ પણ તમારા વોર્ડરોબની અને પ્રસંગોપાત્ત તમારા લુકની શોભા વધારશે.
વીક-એન્ડર બેગ વિશે તમે સાંભળ્યું છે? સોમથી શુક્ર કામ કરો અને શનિ-રવિ આરામ કરો. એટલે તમારી પાસે એવી બેગ હોવી જોઈએ કે વીક-એન્ડમાં એક કે બે દિવસ શહેરની બહાર જવાનું આયોજન થાય તો તમે તરત જ સામાન પેક કરી શકો. છેલ્લી ઘડીએ તમને ચિંતા થાય કે બે દિવસ માટે કેવી બેગ ભરવી. તો હવે તમને ખબર છે કે એક એવી બેગ રાખો જે ખભા પર પણ લટકાવી શકાય અને સાઇડમાં પણ લઈ શકાય.
કોલેજ-ગર્લ્સ માટે ક્રોસબોડી બેગ જેવો ઉત્તમ વિકલ્પ કોઈ નહીં. જોકે આ બેગ તો બધાના વોર્ડરોબમાં હોવી જોઈએ. એક-બે વર્ષના બેબીની મમ્મી માટે પણ આ બેગ ફાયદેમંદ છે. તમે એક ખભા પર લટકાવીને બિન્દાસ ફરી શકો છો. બેગ પકડવાની કે સાચવવાની કોઈ ઝંઝટ જ નહીં.
ટોટે બધાની જ ફેવરિટ બેગ હોય છે. આ બેગ ઓગણીસમી સદીથી અસ્તિત્વમાં છે, પરંતુ વીસમી સદી સુધી બેગ તરીકે ઓળખવામાં નહોતી આવતી. ગર્લ્સ કે મહિલાઓના હાથમાં આ બેગ સૌથી વધારે જોવા મળે છે. કોઈ પણ આઉટફિટ સાથે એકદમ સ્માર્ટ લુક આપશે. ટોટેમાં સૌથી વધારે ડિઝાઇન અને કલર ઉપલબ્ધ હોય છે. ટોટે વિવિધ પ્રકારનાં મટીરિયલ્સમાં ઉપલબ્ધ છે.
ઈવનિંગ ક્લચ પણ વોર્ડરોબમાં હોય તો સારું. જેવી રીતે સાંજે બહાર જવું હોય તો એના માટે અમુક પ્રકારનાં આઉટફિટ જ પહેરો છો એવી રીતે એની સાથે અમુક પ્રકારનાં જ ક્લચ સૂટ થાય.
જરા કાઉન્ટ કરો... અહીં કુલ છ બેગની વાત કરી છે. વિવિધ પ્રકારની ઓછામાં ઓછી છ બેગ તમારી પાસે હોવી જોઈએ. જેથી કોઈ પણ પ્રસંગે તમારું વ્યક્તિત્વ નીરખી ઉઠે.