વોશિંગ્ટનઃ યુએસ ફેડરલ ગવર્નમેન્ટમાં સર્વોચ્ચ સ્તરે કામ કરવાનો અનુભવ મેળવવાની સોનેરી તક આપતા પ્રતિષ્ઠિત વ્હાઈટ હાઉસ ફેલો પ્રોગ્રામ માટે બે ભારતીય-અમેરિકન યુવતીઓની પસંદગી થઇ છે.
શિકાગોનાં ફિઝિશ્યન ટીના આર. શાહ અને કેલિફોર્નિયાનાં એસ્ટ્રોફિઝીસ્ટ અંજલિ ત્રિપાઠીએ વર્ષ ૨૦૧૬-૧૭ની મુદત માટે આ સન્માન મેળવ્યું છે.
આ ફેલો પ્રોગ્રામ માટે સમગ્ર અમેરિકામાંથી ઉચ્ચ શિક્ષિત યુવા પેઢી દાવેદારી નોંધાવતી હોય છે. વ્હાઇટ હાઉસ ફેલોશિપ્સનું પ્રેસિડેન્ટ્સ કમિશન અરજદારોની શૈક્ષણિક લાયકાત, સામાજિક પ્રદાન, સિદ્ધિઓ સહિતના અનેકવિધ પાસાંઓને ધ્યાનમાં ફેલોની પસંદગી કરતું હોય છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાહેર સેવા અને નેતૃત્વ માટે દાખવેલી ઉચ્ચતમ પ્રતિબદ્ધતા માટે અંજલ ત્રિપાઠી અને ટીના શાહની પસંદગી કરવામાં આવી છે.
શિકાગોમાં રહેતાં ફિઝિશ્યન ટીના શાહ પલ્મોનરી અને ક્રિટિકલ કેર ફિઝિશ્યન-સાયન્ટીસ્ટ છે. જેઓ ક્રોનિક બીમારીઓ ધરાવતા દર્દીઓની આરોગ્ય સંભાળના ક્ષેત્રે કાર્યરત છે. તેમણે તાજેતરમાં જ યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી ક્લિનિકલ ફેલોશિપનો અભ્યાસ પૂરો કર્યો છે. જ્યાં તેમણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ ધરાવતા દર્દીઓની સારસંભાળ માટે કાર્યક્રમ તૈયાર કર્યો છે. આ પદ્ધતિમાં દર્દીઓને વધારે લાંબો સમય માટે હોસ્પિટલમાં રહેવું પડતું નથી.
યુ. શિકાગો ઈનોવેશન્સ ગ્રાન્ટ સન્માનિત ટીના શાહ ઇન્ટર-પ્રોફેશનલ રિસર્ચ ટીમનું નેતૃત્વ પણ કરે છે. અમેરિકન મેડિલ એસોસિએશન-રેસિડેન્ટ અને ફેલો સેક્શનના વડા તરીકે ટીના શાહ આશરે ૪૦ હજાર ફિઝિશ્યન્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી બી.એસ., જેફરસન યુનિવર્સિટી મેડિકલ કોલેજમાંથી મેડિકલ ડિગ્રી મેળવ્યા બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા ટીના શાહ શિકાગો મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. તેઓ દર્દીઓ માટે લાભકારક વિવિધ પ્રવૃત્તિઓ માટે વિવિધ તબીબી સંગઠનોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
કેલિફોર્નિયાના વુડલેન્ડ હિલ્સમાં રહેતા અંજલિ ત્રિપાઠીએ તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોફિઝિસ્ટ તરીકે ડિગ્રી મેળવી છે. વ્હાઇટ હાઉસ ફેલોના જણાવ્યા પ્રમાણે તેમના સંશોધનનો મુખ્ય વિષય બ્રહ્માંડની ગ્રહોની રચના અને ઉદ્ભવ છે.