રૂઢિચુસ્ત પાકિસ્તાનમાં ઓનર કિલિંગ અને તાલિબાની પ્રવૃત્તિઓ સામાન્ય બાબત ગણાય છે. આ સંજોગોમાં આવા ‘સમાજવિરોધી’ વિષય પર ફિલ્મ નિર્માણની તો કલ્પના પણ ન થઇ શકે, પણ ૩૭ વર્ષના શરમીન ઓબેદ શિનોયની વાત અલગ છે. તેમણે આ ખતરનાક શોખ જાળવીને પોષ્યો તો છે જ, સાથોસાથ આંતરરાષ્ટ્રીય તખ્તે નામના પણ મેળવી છે. તેઓ પ્રથમ પાકિસ્તાની બન્યા છે, જેમણે બીજી વખત પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સન્માન મેળવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
જોકે શેખ ઓબેદ અને માતા સબાની પુત્રી શરમીને આ માટે દિવસ-રાત એક કર્યા છે એમ કહીએ તો પણ ખોટું નથી. વાત ૨૦૦૯ની છે જ્યારે તેમણે એક કલાકાર તરીકે પાકિસ્તાનના ઇતિહાસને પ્રદર્શન-કળાના માધ્યમથી રજૂ કરવા માટે એક ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જે દિવસે ફેસ્ટિવલનું આયોજન થવાનું હતું તે જ સમયે શાસક પક્ષ સાથે સંકળાયેલા કેટલાક ગુંડાઓ ધસી આવ્યા હતા અને કાર્યક્રમના સ્થળે તોડફોડ કરી દીધી હતી. નુકસાન એટલી હદે થયું કે ફેસ્ટિવલ રદ કરવો પડ્યો. જોકે એક બાળકીની માતા શરમીન દિશાહીન ન થઇ. તેણે બીજા વર્ષે બમણી તૈયારી સાથે કાર્યક્રમનું આયોજન કરી દીધું.
શરમીનના પિતા શેખ ઓબેદ અલ મખ્તુમ કરાચીના વિખ્યાત કારોબારી તો છે, પરંતુ સાથે ઘોડાઓમાં રસ ધરાવે છે. રેસકોર્સમાં દોડવા માટે તેમની પાસે હાલમાં ૨૩ ઘોડા છે. આથી તેઓ અવારનવાર બ્રિટન જાય છે. શરમીન શેખ ઓબેદની એકમાત્ર દીકરી છે.
પિતાએ કરાચીની ગ્રામર શાળામાં તેનું ભણતર પૂર્ણ કરાવ્યું અને દીકરીની ઇચ્છા પ્રમાણે સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના સ્મિથ કોલેજમાં એડમિશન કરાવી દીધું હતું. ઓબેદ પરિવારમાં શરમીન પ્રથમ દીકરી છે જેને ભણતર માટે વિદેશ મોકલવામાં આવી હતી.
શરમીન શરૂઆતથી આર્ટના ક્ષેત્રે કામ કરવાની ઇચ્છા ધરાવતી હતી. ૯/૧૧ હુમલા બાદ વિશ્વ જે નજરે મુસ્લિમ વિશ્વને જુએ છે તેમાં તેઓ પ્રતિનિધિ બનીને તેમની વાત કળા ફિલ્મોના માધ્યમથી રજૂ કરી શકે છે. આથી તેમણે ફિલ્મમેકરની કારકિર્દીમાં પગરણ માંડ્યા. તેમની પ્રથમ ફિલ્મ ‘ટેરર્સ ચિલ્ડ્રન’ હતી. તેમની ફિલ્મોમાં જે પાત્રો ભૂમિકા ભજવે છે તેઓ દમનનો ભોગ બનેલા બાળકો અને મહિલાઓ છે. તેમની ફિલ્મોમાં ‘ચિલ્ડ્રન ઓફ તાલિબાન‘, ‘લોસ્ટ જનરેશન’, ‘અફઘાનિસ્તાન અનવીલ્ડ’ સામેલ છે.
વર્ષ ૨૦૧૨માં તેમને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ માટે એકેડમી એવોર્ડ મળ્યો હતો. શરમીને ફહદ કમાલ શિનોય સાથે લગ્ન કર્યા છે. પરિવાર પાકિસ્તાન કેબલ્સ લિમિટેડનો માલિક છે. અમીર સુલતાન શિનોય ફહદના દાદા હતા. તેઓ મુંબઇના વતની હતા, પણ ભાગલા બાદ તેઓ પાકિસ્તાન જઇને સ્થાયી થયા હતા.