ભારતીય સેનામાં ફરજ બજાવનારાં દીપક નૈનવાલ ૧૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ કુલગામમાં આતંકી હુમલામાં શહીદ થયા હતા. દીપક હંમેશા દેશસેવા માટે કંઈ પણ કરી છૂટવામાં માનનારા માણસ હતા. પતિની ઈચ્છા અનુસાર જ્યોતિ નૈનવાલે દેશ સેવાનો રસ્તો પસંદ કર્યો છે. ભારતીય સેનામાં જ્યોતિનું સિલેક્શન થઈ ગયું છે. તે ટૂંક સમયમાં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં જશે. આ પહેલાં જ્યોતિના સાસરે ત્રણ પેઢીઓ સેનામાં સેવા આપી રહી છે. જ્યોતિએ સેનાની સૌથી કપરી શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષાઓમાંની એક SSC પાસ કરીને સાસરીની પરંપરા જાળવી રાખી છે. ટ્રેનિંગ પૂરી કર્યા પછી તે પોતાના પરિવારની પ્રથમ મહિલા આર્મી ઓફિસર બનશે.
પતિની ઈચ્છાને માન
દીપકે હોસ્પિટલમાં દાખલ થયા બાદ જ્યોતિ સેનામાં સામેલ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે જ્યોતિ પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જ્યોતિએ કહ્યું, હું ઇન્ડિયન આર્મીની આભારી છું કે ભારતીય સેનાએ મનેદીપકની અંતિમ ઈચ્છા પૂરી કરવા મદદ કરી. જ્યોતિના સસરાએ કહ્યું કે, મારી વહુ રોજ સવારે ૩.૩૦ વાગે ઉઠીને દોડવા જતી હતી જેથી આજુબાજુના ઘરના કોઈ તેને એથલેટિક કપડામાં ના જોઈ લે. જ્યોતિએ કહ્યું, દીપકે મને બહાદુરી સાથે દુનિયાનો સામનો કરવાનું સાહસ આપ્યું હતું. તેને લીધે મેં ઇન્ડિયન આર્મીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. મને આશા છે કે, તેઓ જ્યાં પણ હશે, મારી મહેનત જોઇને ખુશ થશે. જ્યોતિ પહેલાં શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની પત્ની નિકિતા, ચન્દ્રબનીના શહીદ શિશિર મલ્લની પત્ની સંગીતા અને નીંબુવાલાના શહીદ અમિત શર્માની પત્ની પ્રિયા પણ ઇન્ડિયન આર્મીમાં જોડાઈ ચૂકી છે.