સિડનીઃ કોઇ મહિલા જોબ કે વ્યવસાય કરતી હોય અને આખો દિવસ અતિશય વ્યસ્તતા રહેતી હોય તો વીકએન્ડમાં આખા સપ્તાહના શાકભાજી સમારીને ફ્રિજમાં ભરી દે તો સમજી શકાય, પણ કોઇ મહિલા રોજિંદા કંટાળાથી બચવા માટે એક દિવસમાં એક સાથે આખા વર્ષનું શાક સમારી નાંખે તો?! ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ કંઇક આવું જ કર્યું છે. તેણે પોતાનો કંટાળો ટાળવાની સાથોસાથ સમય બચાવવા માટે એક જ દિવસમાં લગભગ આખું વરસ ચાલે તેટલું - ૬૫ કિલો શાક સમારી નાખ્યું છે. તેમાં ૨૦ કિલો બટાકા, ૧૫ કિલો ગાજર, ૧૦ કિલો ટામેટાં તેમજ ૨૦ કિલો અન્ય શાકભાજી સામેલ છે.
મહિલાએ તે સમારીને પેક કરીને ફ્રિજમાં રાખ્યું છે. જેની નામની મહિલાએ ફ્રિજનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું છેઃ ‘શાકભાજી તૈયાર છે. એક વર્ષની જરૂરિયાત જેટલો જથ્થો લાગી રહ્યો છે.’ સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ આ મહિલા વ્યવસાયે શેફ છે અને બે સંતાનની માતા છે. તેણે જણાવ્યું કે તે આ શાકભાજી હોલસેલ માર્કેટમાંથી ૪૫ યુરોમાં લાવી હતી. લોકોએ જ્યારે પૂછયું કે તેણે એક સાથે જથ્થાબંધ શાકભાજી સમારી નાંખવાનું પગલું કેમ ભર્યું? તો જેનીએ કહ્યું કે તેને રોજ રસોઈ બનાવતાં પહેલાં શાક સમારવાનો કંટાળો આવે છે. શાક સમારવામાં તેનો સમય પણ બગડે છે. તેથી તેણે આખું વર્ષ ચાલે તેટલું શાક એક જ દિવસમાં સમારી નાખ્યું.