શીતળ ચંદન લગાવે ત્વચાને ચાર ચાંદ

Wednesday 01st March 2017 06:02 EST
 
 

આયુર્વેદિક રીતે ઠંડુ ઠંડુ કુલ કુલ ચંદન કોઈ પણ સિઝનમાં તમારી ત્વચાને નિખારવા માટે ઉપયોગી છે. શરીરની સુંદરતા માટે આદિકાળથી જ ચંદનને મહત્ત્વની પસંદગીમાંથી એક મનાય છે. ચંદનમાં શીતળતાનો ગુણ હોવાથી ત્વચામાં રહેલી ગરમીને શોષી લે છે અને ત્વચાની ગરમીની તકલીફોમાંથી રાહત આપે છે. ચંદન કેટલાક પરફ્યુમમાં પણ મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે તેમજ આયુર્વેદિક સ્કિન કેર ટ્રીટમેન્ટ્સમાં પણ ચંદનનો ખાસ ઉપયોગ થાય છે. બહુગુણકારી ચંદનનો ઉપયોગ પોતાની રીતે રોજિંદા જીવનમાં સ્કિન કેર માટે પણ કરી શકાય છે.

ખીલ દૂર કરે

ચંદનના લેપથી ખૂબ થોડા સમયમાં ખીલથી છુટકારો મેળવી શકાય છે. એક ચમચી ચંદનના પાઉડરમાં થોડી હળદર અને પાણી મેળવીને બનાવેલી પેસ્ટથી ખીલની સારવાર કરી શકાય. આ પેસ્ટને રાતના સૂતા સમયે ચહેરા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવાર સુધીમાં ખીલમાં ખૂબ સુધારો જોવા મળશે.

ડાઘ દૂર કરવા

બ્યુટી એક્સપર્ટ્સ કહે છે કે, ચંદન અને ગુલાબજળથી બનાવેલો લેપ ચામડી પરના ડાઘ ઓછા કરીને ચહેરાની રંગત નિખારે છે. આ લેપનો પ્રયોગ ફક્ત ચહેરા પર જ નહીં, પરંતુ શોલ્ડર અને પીઠ પર પણ કરી શકાય છે. આના માટે ચંદનના પાઉડરમાં ગુલાબજળ મેળવીને લેપ કરી શકાય. આ મિશ્રણ બનાવો અને ચહેરા, ખભા કે પીઠ પર બરાબર ફેલાવી દો. ૨૦-૩૦ મિનિટ સુધી રહેવા દઈને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ નાંખો. નિયમિતપણે આ પ્રયોગ કરવાથી કાળાશ અને ચામડી પરના ડાઘમાં ફાયદો થાય છે.

ખંજવાળ અને બળતરા

ચંદનના ઠંડક આપવાના ગુણોને લીધે જો ત્વચા પર કોઈ પણ પ્રકારની બળતરા કે ખંજવાળ આવતી હોય તો એમાં ચંદનથી રાહત મળી શકે છે. જેના માટે એક ચમચી ચંદનના પાઉડરમાં એક ચમચી હળદર અને એક ચમચી લીંબુનો રસ મેળવીને પેસ્ટ બનાવો. ૨૦-૩૦ મિનિટ રહેવા દઈને ઠંડા પાણીથી ધોઈ નાંખો. આ પ્રયોગ કરવાથી ત્વચાની ખંજવાળમાં રાહત મળે છે તેમ જ બળતરાને લીધે આવેલી લાલાશ પણ ઓછી થશે.

શુષ્ક ત્વચાને નિખારો

ચંદનના તેલને શરીર અને ચહેરા પર મોઇસ્ચરાઇઝર તરીકે વાપરી શકાય છે. ચંદનનું તેલ સારું મસાજ ઓઇલ પણ બને છે. ઘરે જ સેન્ડલવુડ મસાજ ઓઇલ બનાવવા માટે ચંદનના પાઉડરને આખી રાત કોઈ પણ સુગંધરહિત તેલમાં મિક્સ કરીને આખી રાત રહેવા દો. આ તેલને ચહેરા પર લગાવી હળવા હાથે પાંચેક મિનિટ ચહેરા પર મસાજ લો. હર્બલ ચીજો વેચતા સ્ટોરમાંથી પણ ચંદનનું તેલ ખરીદી શકાય છે. જોકે એ પ્યોર છે કે નહીં એની ખાતરી કરો.

સનટેનિંગમાં અકસીર

સૂર્યનાં હાનિકારક કિરણોને લીધે ત્વચા કાળી પડી ગઈ હોય તો સેન્ડલવુડમાંથી સ્કિન માટેનું ટોનિક બનાવો. જેના માટે પાંચ ચમચા નારિયેળના તેલમાં બે ચમચા બદામનું તેલ ભેળવો. સાથે ચાર ચમચા ચંદનનો પાઉડર મિક્સ કરો અને આ મિશ્રણને શરીરના ટેપ થઈ ગયેલા ભાગ પર લગાવો. કાળાશ દૂર થશે અને ત્વચા ફરી ચમકશે.

સલામત અને અસરકારક

ચંદન રોજબરોજ વાપરવા માટે પણ સલામત છે અને રોજ વાપરવાને કારણે એની કોઈ આડઅસર પણ થતી નથી. જોકે ચંદનના બહાર મળતા પાઉડર કરતા ચંદનના લાકડાને ઘસીને બનાવેલા ચંદનના લેપથી ફાયદો વધુ થશે.

જીવજંતુના ડંખ પર

કોઈ જીવાત કરડવાથી ઉપડેલી બળતરા અને ખંજવાળમાં તરત જ ચંદનનો લેપ લગાવવાથી રાહત મળે છે. આ માટે ચંદનના પાઉડરમાં દૂધ મેળવીને પેસ્ટ બનાવવી. એન્ટિસેપ્ટિક તરીકે આ પેસ્ટમાં થોડી હળદર પણ મેળવી શકાય. આ માટે લવન્ડર ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય. આ મિશ્રણ ઇન્સેક્ટ રિપિલન્ટ તરીકે પણ વાપરી શકાય છે.

ઘામાં રાહત

ચંદન એક હર્બલ એન્ટિસેપ્ટિક છે જે સ્કિન પરની માઇનર ઇન્જરીમાં રાહત આપી શકે છે. જો ચામડી પર ઘસારો થયો હોય તો એમાં પણ ચંદન લગાવવાથી રાહત મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter