શું તમને વાળમાં તેલ લગાડતાં આવડે છે? પ્રશ્ન વાંચીને તમે પણ ચોંકી ગયાને? તમને થશે કે આ કામ તો કોઇ પણ કરી શકે. જોકે તમને પૂછાયેલા પ્રશ્નમાં તથ્ય છે. સામાન્ય રીતે આપણે કેશમાં તેલ લગાવતી વખતે કેટલીક ભૂલો કરીએ છીએ. અને આપણે એ ક્ષતિઓથી અજાણ હોવાથી આપણા કેશને નુક્સાન પહોંચાડી છીએ. હેર કેર એક્સપર્ટ્સ કહે છે કે....
• જો તમારા માથામાં ખોડો હોય તો તેલ ન લગાવો. તેના સ્થાને એલોવેરા જેલ કે લીમડાના વાટેલા પાનનો ઉપયોગ કરવાથી ખોડો દૂર થશે.
• મોટા ભાગના લોકો રાત્રે તેલ લગાવીને સુઇ જાય છે અને સવારે ઉઠીને વાળ ધોઇ નાંખે છે. તેમને એમ લાગે છે કે રાતભર માથામાં તેલ લગાવી રાખીને ધોયા પછી તેમના વાળ વધુ સુંવાળા થશે. વળી આખી રાત માથાને તેલની ટાઢક મળશે તે છોગામાં. જ્યારે હકીકત એ છે કે રાતભર તેલ લગાવી રાખવાથી વાળના રોમછિદ્રો પૂરાઇ જાય છે. તેથી વાળ ધોવાના હોય તેનાથી બે કલાક પહેલા અને જો મેડિકેટેડ તેલ લગાવવાનું હોય તો ચારેક કલાક પહેલા તેલ લગાવી દો તોય પૂરતું છે. હા, જે તે તેલ મોસમ અને તમારી ત્વચાને અનુરૂપ હોવું જોઇએ.
• સાંજના સમયે કે સાંજ પછી તેલ ન લગાડવું. દિવસના અંતે હેર ફોલીકલ્સ (રોમકૂપ) પ્રાકૃતિક રીતે બંધ થતાં હોવાથી તેલ વાળના મૂળમાં શોષાતું નથી. તદુપરાંત જો તમને કોઇ પ્રકારની એલર્જી, શરદી, ખાંસી, અસ્થમા, સાઇનસ, ગરદનનો દુખાવો કે ગરદન અકડાઇ જવી જેવી સમસ્યા સતાવતી હોય તો સાંજે અથવા સાંજ ઢળી ગયા પછી માથામાં તેલ ન લગાવો.
• વાળમાં વધારે પડતું તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી. પહેલા હથેળીમાં થોડું તેલ લઇને તાળવે લગાવો. ત્યાર પછી વાળમાં જ્યાં જ્યાં આવશ્યક્તા લાગે ત્યાં ત્યાં તેલ લગાવતાં જાઓ. પછીથી તેમાં કાંસકો ફેરવવાથી તેલ આખા માથામાં ફેલાઇ જશે. જો વધારે પડતું તેલ લગાવેલું હશે તો વાળ ધોવા માટે વધારે શેમ્પૂ વાપરવું પડશે જે છેવટે વાળ માટે હાનિકારક જ બની રહેશે.
• જો તમારા માથાની ત્વચા તૈલીય હોય તો તેલ ન લગાવો. તેને કારણે રોમકૂપો પૂરાઇ જશે. તેના સ્થાને એલોવેરા જેલનો ઉપયોગ કરો.
• જો તમારા વાળ વધારે પડતાં ખરતા હોય તોય તેલ લગાવવાનો પ્રયાસ ન કરો. તેના સ્થાને દહીં અને પલાળેલી મેથીનો માસ્ક બનાવીને વાળ પર લગાવો. હા, જો તમારા કેશ સાવ સુકા થઇ જવાને કારણે ખરતાં હોય તો તેલ માલીશથી ચોક્કસ ફાયદો થશે. પરંતુ અન્ય કારણોસર વાળ ખરતાં હોય તો તેલ કામ આવશે એમ માનવું ભૂલભરેલું ગણાશે.