શુષ્ક સિઝનમાં હોઠની મુસ્કાન જાળવી રાખવા ઘરે જ બનાવો લિપ બામ

Wednesday 22nd November 2017 06:30 EST
 
 

શુષ્ક અને ઠંડા મોસમમાં હંમેશાં ફાટેલા હોઠની સમસ્યા સામાન્ય બને છે. આ મોસમમાં સામાન્ય રીતે લોકો લિપ બામ અને ચેપસ્ટિક્સ ખરીદીને જ વાપરે છે, પણ માર્કેટમાં મળતાં લિપ બામ ક્યારેક સૂટ કરે પણ ખરા અને ક્યારેક સૂટ ના પણ કરે. તો તમે તમને મનગમતા શેડ અને ફ્લેવરમાં જાતે જ લિપ બામ બનાવી શકો છો. ઘરે જ પ્રાકૃતિક લિપ બામ બનાવવાની કેટલીક રીત અહીં હાજર છે.

જાસ્મિન લિપ બામ

સામગ્રી: બે મિલીગ્રામ જાસ્મિન એસેન્શિયલ ઓઈલ, બે ચમચી ક્લિયર પેટ્રોલિયમ જેલી અને એક ચમચી કોલ્ડ પ્રેસ્ડ જોજોબા

રીતઃ એક સ્ટીલના વાસણમાં પેટ્રોલિયમ જેલી અને જોજોબા ઓઇલ નાંખો. તે વાસણને એક પાણીથી ભરેલા વાસણની ઉપર ઉકળવા માટે રાખી દો. જે વાસણમાં સામગ્રી નાંખો તે પાણીને ના અડે તેને ડબલ બોયલિંગ પ્રક્રિયા કહે છે. જેલીને સારી રીતે ઓગાળો જેથી તે સરળતાથી ઓઈલની સાથે મિક્સ થઈ શકે. હવે ગેસ બંધ કરી દો. મિશ્રણમાં જાસ્મિન એસેન્શિઅલ ઓઈલ મેળવો. તેને સારી રીતે મિક્સ કરો. ૫ મિનિટ માટે તેને રાખો અને પછી આ મિશ્રણને એક નાના વાસણમાં ભરો. હવે વાસણને નોર્મલ વાતાવરણમાં રહેવા દો. લિપ બામ રેડી છે.

ગ્રીન ટી લિપ બામ

સામગ્રીઃ એક ગ્રીન ટી બેગ, બે ચમચી પ્રેસ્ડ કોકોનટ ઓઈલ, બે ચમચી બીજ વેક્સ

રીતઃ એક સ્ટીલનું વાસણ લો અને તેમાં કોકોનટ ઓઈલ ગરમ કરો. ગેસ બંધ કરીને વાસણમાં ગ્રીન ટી બેગ ડુબાડો. વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે રાખો. તેલ અને ગ્રીન ટી સળીથી બરાબર મિક્સ કરો. તેના પછી તેમાં બીજવેક્સ મેળવો અને તેને ઓગળવા માટે ફરીથી વાસણને ગેસ પર મૂકી ગરમ કરો. થોડીવાર પછી આ આખા મિશ્રણને એક નાના કન્ટેનર કે ચેપસ્ટિક ટ્યૂબમાં ભરી દો. બામ સેટ થઈ ગયા પછી તેમે તેને યૂઝ કરી શકો છો.

કોકોઆ લિપ બામ

સામગ્રીઃ એક ચમચી કોકોઆ બટર, એક ચમચી શિયા બટર, એક ચમચી બીજવેક્સ, એક ચમચી વિટામીન ઈ ઓઈલ, એક મિલી ઓર્ગેન ઓઈલ, એક મિલી કોકોઆ ફ્લેવર ઓઈલ

રીતઃ એક પાત્રમાં બીજવેક્સને ઓગાળો. બીજવેક્સ ઓગલે એટલે તેમાં કોકોઆ બટર અને શિયા બટર નાંખો. ધીમી આંચે આ ત્રણેય વસ્તુને મિક્સ કરો અને તેના પછી ગેસ બંધ કરી દો. હવે તેમાં વિટામિન ઈ ઓઈલ, ઓર્ગેન ઓઈલ અને કોકોઆ ફ્લેવર ઓઈલ મિક્સ કરો. તેને એક કન્ટેનરમાં ભરી દો અને સેટ થવા દો. એ પછી તેને લિપ બામ સ્ટીકમાં ભરી દો.

રોઝ લિપ બામ

સામગ્રીઃ એક ચમચી રોઝ એસેન્શિયલ ઓઈલ, એક ચમચી બીજવેક્સ, બેથી ત્રણ ચમચી ક્લિયર પેટ્રોલિયમ જેલી, જરૂર મુજબ ફૂડ ગ્રેડ લાલ રંગ (આશરે એક મિલી)

રીતઃ બીજવેક્સને ઓગાળીને તેમાં પેટ્રોલિયમ જેલી નાંખો. ગેસ બંધ કરી દો અને પછી તેમાં બાકીની બચેલી બધી સામગ્રી નાંખી દો. તેને સારી રીતે મિક્સ કરો અને એક નાના ટબમાં ભરીને સેટ થવા માટે રાખી દો.

ફૂદીના - એવેકેડો લિપ બામ

સામગ્રી: એકથી બે ટીપાં મિન્ટ એસેન્શિયલ ઓઈલ, એક ચમચી કોલ્ડ પ્રેસ્ડ એવોકેડો ઓઈલ, એક ચમચી એવોકેડો બટર, એક ચમચી ક્લિયર પેટ્રોલિયમ જેલી, એક ચમચી બીજવેક્સ

રીત: બીજવેક્સ અને એવોકેડો બટરને પીગળવા માટે રાખી દો. તેમાં પેટ્રોલિયમ જેલી નાંખો. સારી રીતે મિક્સ કરો. મિન્ટ એસેન્શિયલ ઓઈલ નાંખ્યા પછી તેને એક કન્ટેનર કે ચેપસ્ટિકમાં સેટ થવા માટે ભરી દો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter