સેન્ટ્રલ અમેરિકાના દેશ નિકારાગુઆનાની શેનીસ પેલેસિયોસના શિરે વર્ષ 2023નો મિસ યુનિવર્સનો તાજ મૂકાયો છે. 72મી મિસ યુનિવર્સ સ્પર્ધા અલ સાલ્વાડોરના સાન સાલ્વાડોરમાં યોજાઈ હતી. જોસ એડોલ્ફ પિનેડા એરેનામાં યોજાયેલા ભપકાદાર કાર્યક્રમમાં શેનીસ મિસ યુનિવર્સ જાહેર થઈ હતી. આ સાથે જ મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે પ્રથમ નિકારાગુન મહિલા બની હતી. થાઈલેન્ડની એન્ટોનિયા પોર્સિલ્ડે ઓસ્ટ્રેલિયન મોરાયા વિલ્સન સાથે ટોપ-3માં સ્થાન મેળવ્યું હતું. શેનીસના ફાઈનલ રાઉન્ડના ઉત્તરે સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. તેને પૂછાયું હતું કે, તે એક વર્ષ અન્ય મહિલા તરીકે જીવી શકે તો તે કોને પસંદ કરશે? શેનિસે કહ્યું કે, તે મલાલા યુસુફઝાઈ તરીકે જીવવાનું પસંદ કરશે કારણ કે, તેણે જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડયો હતો. આ કાર્યક્રમમાં મિસ નેપાળે ઈતિહાસ સર્જયો હતો. મિસ નેપાળ જેન દીપિકા ગેરેટ આ સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝની મોડલ બની ગઈ હતી. મિસ પાકિસ્તાને પોતાના ટ્રેડિશનલ ડ્રેસથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ શ્વેતા શારદાએ કર્યું હતું.