અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને તાજેતરમાં શેફાલી રાઝદાન-દુગ્ગલને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. પ્રમુખ બાઇડેને મૂળ કાશ્મીરનાં પણ દસકાઓથી અમેરિકામાં સ્થાયી થયેલાં કાશ્મીરી પંડિત પરિવારનાં 50 વર્ષીય શેફાલીની નેધરલેન્ડ્સમાં અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે. બાઇડેનની આ જાહેરાતના પગલે અમેરિકી અખબારોમાં ચમકી ગયેલાં ભારતીય-અમેરિકન શેફાલીનાં વ્યક્તિત્વની એક ઝલકઃ
હરિદ્વારમાં જન્મઃ શેફાલી રાઝદાન દુગ્ગલનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૭૧ના રોજ ઉત્તર પ્રદેશના હરિદ્વાર ખાતે કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. શેફાલી જ્યારે બે વર્ષનાં હતાં ત્યારે પરિવાર સહિત અમેરિકાના પિટ્સબર્ગ ખાતે શિફ્ટ થયાં હતાં. થોડો સમય પિટ્સબર્ગ ખાતે રહ્યાં બાદ તેઓ પરિવાર સાથે પહેલાં સિનસિનાટી ખાતે અને પછી ઓહિયો ખાતે સ્થાયી થયાં હતાં. અહીં તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો અને પછી ઓહિયોની મિયામી યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી મીડિયા ઇકોલોજીમાં માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.
રાજકીય કારર્કિદીઃ શેફાલીએ રાજકીય કારકિર્દીની શરૂઆત મેસેચ્યુસેટ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ધ ન્યૂ હેમ્પશાયર ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર તરીકે કરી હતી. આ પછી તેમણે સેનેટેર ટેડ કેનેડી અને સેનેટર ડિઆને ફેઇનસ્ટેઇન માટે પણ સક્રિય પ્રચાર કર્યો હતો. જોકે શેફાલીની નક્કર કરિયરની શરૂઆત ૨૦૦૦ની સાલમાં અલ ગોરના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન સાથે થઇ હતી. શેફાલીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનના વળાંક વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અલ ગોરના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનના કારણે મને મારી ક્ષમતા સાબિત કરવાની તક મળી હતી. આ કેમ્પેઇનના કારણે મને કોમ્યુનિટીના દરેક સ્તરે કામ કરવાની તક મળી હતી. આ પછી શેફાલીએ ૨૦૦૮માં હિલેરી ક્લિન્ટનના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનમાં, ૨૦૧૨માં બરાકા ઓબામાના રિ-ઇલેક્શન કેમ્પેઇનમાં, કમલા હેરિસના કેલિફોર્નિયા એટોર્ની જનરલ કેમ્પેઇનમાં તેમજ જો બાઇડેનના ૨૦૨૦ના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ દરેક કેમ્પેઇનમાં શેફાલીએ પોતાની આગવી છાપ છોડી હતી.
આગવી ઓળખઃ અમેરિકાના રાજકારણમાં શેફાલી રાઝદાન-દુગ્ગલની ઓળખ એક ‘પાવરફુલ લેડી’ તરીકે થાય છે. તેમને અનેક નાગરિક પુરસ્કાર મળી ચૂક્યા છે. આ એવોર્ડમાં યુએસ હોલોકાસ્ટ મેમોરિયલ મ્યુઝિયમ દ્વારા એનાયત કરવામાં આવેલો વેસ્ટર્ન રિજનલ લીડરશિપ અવોર્ડ, કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા એનાયત થયેલો કમ્યુનિટી હીરો અવોર્ડ તેમજ નેશનલ ડાયવર્સિટી કાઉન્સિલ દ્વારા એનાયત કરવામાં આવેલો અવોર્ડ મુખ્ય છે.
પરિવારનું સમર્થનઃ શેફાલી હાલમાં પતિ રજત દુગ્ગલ અને બે સંતાનો સાથે સાન ફ્રાન્સિસ્કો ખાતે રહે છે. શેફાલી પરિવાર સાથે અમેરિકામાં રહેતાં હોવા છતાં રોજ સવારે નિયમિત રીતે ઘરમાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરે છે.
આ આદત વિશે વાત કરતા શેફાલી કહે છે કે ‘મેં અને રજતે નક્કી કર્યું હતું કે ગમેતેટલા પ્રયાસો કરવા પડે પણ અમે અમારા બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલાં રાખીશું. અમે બે એરિયાની ઇન્ડિયન કોમ્યુનિટી સાથે સારી રીતે જોડાયેલાં છીએ અને નિયમિત રીતે નજીકના મંદિરની
મુલાકાત લઇએ છીએ. આ સિવાય અમે ભારતીય સમુદાયના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ નિયમિત હાજરી આપીએ છીએ. અમે સતત આ પ્રયાસ કરીએ છીએ.’