સુંદર દેખાવા માટે ગોરું હોવું અગત્યનું નથી. આથી જ જેમની ત્વચા શ્યામ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. શ્યામ સ્કિનની સાથે પણ તમે સુંદર દેખાઇ શકો છે. આ માટે જરૂરી છે કે તમે તમારો મેકઅપ કેવી રીતે કરો છો. તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો. જો તમારી ત્વચા શ્યામ હોય અને તમે તમારા લુકને આકર્ષક બનાવવાનું વિચારી રહ્યાં છો? તો આજે આપણે અમુક એવી મેકઅપ ટિપ્સ વિશે વાત કરીશું જેને ધ્યાનમાં રાખી તમે બ્યૂટિફૂલ લાગી શકો છો.
• ફાઉન્ડેશન લગાવવાની ટિપ્સ
શ્યામ ત્વચા માટે યલો કે રિચ ગોલ્ડન ટોનવાળું ફાઉન્ડેશન બેસ્ટ છે. તેથી મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશનના આ શેડ એપ્લાય કરી શકો છો. શ્યામ ત્વચા ધરાવતી યુવતીએ હંમેશાં પોતાના સ્કિન ટોનથી એકાદ કે બે શેડ ડાર્ક ફાઉન્ડેશન લગાવવું જોઇએ. લાઇટ શેડનું ફાઉન્ડેશન લગાવવાથી તમે ગોરા તો નહીં દેખાવ, પરંતુ હાસ્યાસ્પદ લાગશો. તેથી હંમેશાં તમારા સ્કિન ટોન સાથે મેચ કરે એનાથી એકથી બે શેડ ડાર્ક ફાઉન્ડેશન જ લગાવો. જેમની ત્વચા શ્યામ છે, તેમણે ઓરેન્જ ટોનવાળું ફાઉન્ડેશન ન લગાવવું જોઇએ. ઓરેન્જ ટોનવાળા ફાઉન્ડેશનથી શ્યામ ત્વચા વધારે ડાર્ક લાગશે. આ વાતનું ધ્યાન રાખો.
• આઈ મેકઅપ ટિપ્સ
શ્યામ ત્વચા ધરાવતી યુવતીઓએ આઇ શેડો માટે વોર્મ બ્રાઉન, ચોકલેટ, સિલ્વર બ્રોન્ઝ કે ગ્રીન શેડની પસંદગી કરવી જોઇએ. આ શેડ શ્યામ ત્વચા પર શૂટ થાય છે. સામાન્ય રીતે મોટા ભાગની મહિલાઓ બ્લેક મસ્કારા એપ્લાય કરે છે, પરંતુ શ્યામ ત્વચા પર બ્રાઉન મસ્કારા એપ્લાય કરો. બ્રાઉન મસ્કારા તમારા કોમ્પ્લેક્શનને કોમ્પ્લિમેન્ટ કરશે. બ્લેક મસ્કારા લગાવવાથી શ્યામ રંગ વધુ ઉપસી આવશે. મસ્કારાની જેમ આઈલાઇનર પણ બ્રાઉન જ લગાવો. બ્લેક આઈલાઇનર લગાવવાનું ટાળો.
• બ્લશ ઓન લગાવવાની ટિપ્સ
પિંક બ્લશ ઓન લગાવવાને બદલે વોર્મ કોફી શેડ સિલેક્ટ કરો. આ શેડ શ્યામ ત્વચા પર વધારે સૂટ થાય છે. બ્રાઉન અને બેઝ ટોનનું બ્લશ કરવાનું ટાળવું જોઇએ. દિવસે ડાર્ક રોઝ શેડ્સ અને સાંજે પ્લમ, વાઇન અને બ્રોન્ઝ જેવા શેડ્સ લગાવી શકો છો. જ્યારે રાત્રે પ્લમ, વાઇન અને બ્રોન્ઝ જેવા શેડ્સ લગાવી શકો છો. સાંજની પાર્ટી માટે ગોલ્ડન ટોનવાળાં શિમર શ્યામ રંગ માટે ઉત્તમ કામ કરે છે. શક્ય હોય તો બ્રોન્ઝરનો વધુ પડતો ઉપયોગ ન કરો.
• લિપ મેકઅપની ટિપ્સ
હવે લિપસ્ટિકમાં મેટ અને ગ્લોસી બે પ્રકાર ઉપલબ્ધ છે. શ્યામ સ્કિન ટોન સાથે મેટ અને ગ્લોસી બંને લિપ કલર્સ શૂટ કરે છે. તેથી નિઃસંકોચ તમને જે પ્રકારની લિપસ્ટિક પસંદ હોય એનો ઉપયોગ કરી શકો છો.
લિપસ્ટિકના શેડની વાત કરીએ તો ચોકલેટ બ્રાઉન, બ્રાઉનિશ રેડ વગેરેમાં લાઇટ શેડનો ઉપયોગ કરો. શ્યામ ત્વચા પર આ શેડ નેચરલ લુક આપે છે. ઇવનિંગ પાર્ટી માટે મોવ, મરુન જેવા ડાર્ક શેડ એપ્લાય કરી શકો છો, પરંતુ આ શેડ દિવસે ન લગાવો. શ્યામ ત્વચા ધરાવતી યુવતીઓએ ભૂલમાંથી પણ પિંક કે ઓરેન્જ શેડની લિપસ્ટિક ન લગાવવી જોઇએ. એનાથી તમારું કોમ્પ્લેક્શન વધારે શ્યામ લાગશે.