નવી દિલ્હીઃ રાજસ્થાનના પાલી મારવાડમાં રેંકડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની પુત્રીએ ભારે સંઘર્ષ અને અનેક અવરોધ ઓળંગીને જીવનનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ઉમ્મુલ ખેરનો આ કિસ્સો દર્શાવે છે કે હૈયે હામ હોય તો ગમેતેવું કઠોર લક્ષ્ય હાંસલ કરવું અશક્ય નથી. તેને ૧૬ વખત ફ્રેકચર થયું હતું અને ૮ વખત સર્જરી કરાવી હતી. એટલું જ નહીં, અભ્યાસની તૈયારી માટે જરૂરી નાણાં એકત્ર કરવા બાળકોને ટયુશન કરાવીને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તાજેતરમાં આઈએએસની કઠિન પરીક્ષા પ્રથમ ટ્રાયલે જ પાસ કરીને ૪ર૦નો ક્રમ મેળવ્યો છે.
રાજસ્થાનમાં વસતાં ગરીબ પરિવારની દીકરી ઉમ્મુલ ખેરના પિતા રેંકડીમાં સામાન વેચીને ઘરનું ગુજરાન ચલાવતાં હતા. જોકે સંજોગવશાત્ તેઓ દસકા પહેલા દિલ્હી રહેવા ગયા અને ત્યાં સ્લમ એરિયામાં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઝુંપડપટ્ટી તોડવામાં આવતાં તેમણે દિલ્હીના ત્રિલોકપુરીમાં મકાન ભાડે રાખ્યું અને ત્યાં રહેવા લાગ્યા. આ દરમિયાન પિતાનો છૂટક વેપારનો કામધંધો પણ છુટી જતાં પરિવારની આર્થિક મુશ્કેલી વધી. જોકે ઉમ્મુલે હાર ન માની અને અભ્યાસની સાથે સાથે આસપાસમાં રહેતાં બાળકોને ટયુશન શરૂ કર્યા. આ કમાણી દ્વારા તેણે ઘરનું ગુજરાન ચલાવવાની સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. આ દરમિયાન શારીરિક સમસ્યા વકરી હતી. ઉમ્મુલને જન્મથી જ બોર્ન ફ્રેજાઈલ ડીસીઝ હોવાનું નિદાન થયું. હાડકાની જન્મજાત નબળાઈને કારણે ૧૬ વખત ફ્રેકચર થયું અને આઠ વખત તો તેને સર્જરી કરાવવી પડી. જોકે આમ છતાં તેણે હામ હાર્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો. ઉમ્મુલે આ સમયગાળામાં પોતાનો અભ્યાસ અવિરત ચાલુ રાખ્યો હતો. દરમિયાન તેના પર વધુ એક મુશ્કેલી આવી પડી. માતાનું મૃત્યુ થયું અને પિતાએ બીજા લગ્ન કરી લીધા. ઓરમાન માતાના આગમન બાદ તેની ઓર મુશ્કેલી વધી. સાવકી માતા ઈચ્છતી ન હતી કે ઉમ્મુલ ઉચ્ચ અભ્યાસ કરે. છેવટે તેણે ઘર છોડવું પડયું. ઉમ્મુલ ત્રિલોકપુરીમાં મકાન ભાડે રાખીને અલગ રહેવા જતી રહી. અને અભ્યાસ પૂર્ણ કર્યો.
આખરે સ્વપ્ન સાકાર કર્યું
ઉમ્મુલ એક બાળકની ફી પ૦ રૂપિયા લેતી અને બાળકોને ટયુશન આપતી અને તેમાંથી ઘરના ખર્ચ ચલાવતી હતી. ઉમ્મુલ બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણે અભ્યાસ દરમિયાન આઈએએસ કેવા ઉચ્ચ પ્રતિભાશાળી અધિકારી હોય છે તે વિશે સાંભળ્યું હતું. બસ, ત્યારથી તેના મનમાં આ વાત ઠસી ગઇ હતી કે કોઇ પણ ભોગે આઇએએસ બનવું જ છે. તેની આ મક્કમતા, દૃઢ નિર્ધાર જ તેને અનેક મુશ્કેલીઓ છતાં સ્વપ્ન સિદ્ધિ સુધી દોરી ગયો.