આ વાત અમેરિકામાં વસતી બે ભારતવંશી ગુજરાતી બહેનોની છે. 2020ની શરૂઆતમાં કોરોના મહામારી દરમિયાન જ્યારે બન્ને બહેનો માટે દાદા-દાદીની સાથે સમય ગાળવાનું શક્ય ન બન્યું તો તેમને ખુશ કરવા માટે બંને બહેનોએ વીડિયો કોલ કરવાની શરૂઆત કરી હતી. જોકે આમનેસામને ચહેરા સાથે વાત કરવા છતાં શ્રેયાને લાગતું હતું કે, કેટલીક કચાશ આમાં રહેલી છે. શ્રેયા કહે છે કે, ‘અમે ભલે તેમને દરરોજ ફોન અને મેસેજ કરતા હતા, છતાં લાગતુ હતું કે, દાદા-દાદી એકલતાનો અનુભવ કરે છે.
એક દિવસ તેમની દાદીમાને એક મિત્રે પત્ર લખ્યો, આ એ પત્ર હતો જે પત્રે લેટર્સ અગેઇન્સ્ટ આઇસોલેશન (LAI) સંસ્થાની શરૂઆત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે.
LAI ની કો-ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ સેફ્રોન કહે છે કે આ પત્રથી સાત દેશોમાં પાંચ લાખ કરતા વધારે પત્ર લખવામાં અમે પ્રેરિત થયા છીએ. સેન્ટ લૂઇસમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સેફ્રોન વડીલોને પત્ર લખવાનું ચૂકતી નથી. છેલ્લા બે વર્ષમાં તેમની સંસ્થા 15 લાખ પત્રો મોકલી ચુકી છે. આ મહત્વપૂર્ણ કામ માટે તેમને 2022માં પ્રતિષ્ઠિત ડાયના એવોર્ડ પણ અપાયો હતો.
લેટર્સ અગેઇન્સ્ટ આઇસોલેશનની કો-ફાઉન્ડર અને સેક્રેટરી શ્રેયા કહે છે કે, અમને એ વખતે લાગ્યું કે, પત્રો લખીને અમે એકલતાથી પરેશાન રહેતા વૃદ્ધ લોકોને મદદ કરી શકીએ છીએ. તેમની લાઇફમાં હકારાત્મક ભાવ લાવી શકીએ છીએ. ત્યારબાદ તેઓએ વૃદ્ધાશ્રમ અને કેર હોમમાં રહેતા વૃદ્ધોને પત્ર, આર્ટ વર્ક અને પોઝિટીવ મેસેજ મોકલવાની શરૂઆત કરી. અને ટુંક સમયમાં જ તેઓ વૃદ્ધોમાં લોકપ્રિય થવા લાગી.
સપ્તાહમાં 200થી વધુ વૃદ્ધોને પત્ર
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી શ્રેયાનું કહેવું છે કે, સપ્તાહનાં ગાળામાં જ અમે 200 કરતા વધારે વૃદ્ધોને પત્રો લખી ચુક્યા હતા. એ વખતે અમને મદદની જરૂર હોવાની વાત સમજાઇ હતી. બીજી બાજુ તેમના દ્વારા જે લોકોને પત્રો લખવામાં આવ્યા તેમના જીવનમાં નવી ખુશીઓ આવવા લાગી હતી. આ ગાળા દરમિયાન અમને માહિતી મળી કે, વૃદ્ધો માત્ર સાચવીને પત્રો રાખતા નથી પરંતુ બીજાને આ પત્રો દેખાડવાનો આનંદ પણ માણી રહ્યા છે. ઘરમાં પત્રો સજાવી રહ્યા છે. પત્રોને વારંવાર જોઇ રહ્યા છે, તેમને વાંચીને પ્રેરણા લઇ રહ્યા છે.
આજે દુનિયામાં 40 હજારથી વધુ કાર્યકર
બન્ને બહેનોની ઝુંબેશ સફળ રહી હતી. શરૂઆતના બે મહિનામાં જ અમેરિકાનાં 11 રાજ્યોમાં તેમના પત્રોએ આશા જગાવવાની શરૂઆત કરી હતી. પત્રોની વધતી માંગણીને ધ્યાનમાં લઇને એપ્રિલ-2020માં બંને બહેનોએ લેટર અગેન્સ્ટ આઇસોલેશન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે આ સંસ્થાના દુનિયાભરમાં 40 હજાર કરતા વધારે કાર્યકરો છે. અમેરિકા ઉપરાંત બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયેલમાં 10 લાખ કરતા વધારે જ્યારે અન્ય દેશોમાં પાંચ લાખ વૃદ્ધો આ પત્ર મળ્યા બાદ ખુશ દેખાઇ રહ્યા છે.
એકલતાનો અસરકારક ઉકેલ
શ્રેયા કહે છે કે, ભલે વેક્સિનેશનનાં લીધે વૃદ્ધોને વ્યક્તિગત રીતે હરવાફરવા અને અન્યોને મળવાની તક આપી છે પરંતુ એકલતા અકબંધ રહી છે. આ એવી મહામારી છે, જે કોરોનાથી પહેલા પણ અમારી વચ્ચે હતી અને ભવિષ્યમાં પણ રહેશે.
એકલતાના અકસીર ઉકેલ જેવી આ પહેલ બાદ શ્રેયા અને સેફ્રોન દેશ અને દુનિયામાં લોકપ્રિય થઇ ગઇ છે. આ બંને બહેનો અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ઉદ્ધઘાટન સમિતિનાં કાર્યક્રમોને હોસ્ટ પણ કરી ચુકી છે. હાવર્ડ યૂનિવર્સિટી પણ તેમને આમંત્રિત કરી ચુકી છે. આ સંસ્થા ઝડપથી વધુ લોકપ્રિયતા મેળવી રહી છે. હાલમાં જ એક સ્ટેમ્પ ફંડની શરૂઆત પણ કરાઇ છે. કાર્યકરોને પૈસાની તકલીફ ન પડે તે માટે તેની શરૂઆત કરાઇ છે. કાર્યકરો વૃદ્ધોને સતત પત્રો લખતા રહે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.
આ અનોખા અભિયાનની ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ જેવા દુનિયાનાં 25 ટોપ વૈશ્વિક અખબારો પ્રશંસા કરી ચુક્યા છે. જોન્સન એન્ડ જોન્સન જેવી મોટી કંપનીઓ હવે બંને બહેનોની સાથે કાર્યક્રમ આયોજિત કરે છે. સમાજ માટે આ અભૂતપૂર્વ યોગદાન બદલ શ્રેયા પટેલને 2022માં ડાયના એવોર્ડ અપાયો હતો. પ્રિન્સેસ ડાયનાની યાદમાં દર વર્ષે આ એવોર્ડ એવા બાળકો અને યુવાનોને આપવામાં આવે છે જે સમાજ માટે ખુબ શાનદાર કામગીરી કરી રહ્યા છે.