બર્મિંગહામઃ ડેઇઝી મે ડિમિટ્રી છે તો માત્ર ૧૦ વર્ષની, પણ નાની વયે એક પ્રતિભાશાળી મોડેલ તરીકે દુનિયાભરમાં ખાસ ઓળખ ધરાવે છે. ઉંમર ભલે નાની હોય તે લેક્મે ફેશન વીક, પેરિસ ફેશન વીક અને ન્યૂ યોર્ક ફેશન વીકમાં ભાગ લઇને કેટવોક કરી ચૂકી છે. ડેઇઝીને એક પણ પગ નથી. તે બાળપણથી એક દુર્લભ બીમારીથી પીડિત છે જેના કારણે તે શારીરિક અક્ષમતાનો ભોગ બની છે.
બર્મિંગહામની રહેવાસી ડેઇઝીને ત્રણ બહેન અને એક ભાઇ છે. શારીરિક તકલીફ હોવા છતાં તે કુશળ જિમ્નાસ્ટ પણ છે અને અઠવાડિયામાં ત્રણ વાર જિમમાં જાય છે. તેના બંને પ્રોસ્થેટિક લેગ હોવા છતાં તેણે ૭ વર્ષની ઉંમરે મોડેલિંગની શરૂઆત કરી હતી. હાલમાં તે ઘણી ફેશન બ્રાન્ડ્સની એમ્બેસેડર છે. પોતાની શારીરિક અક્ષમતાથી લાચાર થઇને કારણે હાર ન માનતા ડેઇઝીએ કરેલ મહેનત પ્રશંસનીય છે. તે નૃત્ય અને ગાયનમાં પણ માહેર છે.
મોડેલિંગની મદદથી તે અન્ય દિવ્યાંગ બાળકોને પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તે દર અઠવાડિયે દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજે છે અને તેમાં આવતાં બાળકો સાથે પોતાની સક્સેસ સ્ટોરી શેર કરીને તેમનો જુસ્સો વધારે છે.
મને દીકરી પર ગર્વ છેઃ પિતા એલેક્સ
ડેઇઝીએ માત્ર દોઢ વર્ષની ઉંમરે બંને પગ ગુમાવ્યા હતા. તેના પિતા એલેક્સનું કહેવું છે કે ડેઇઝીને પ્રોસ્થેટિક લેગ સાથે ચાલતા શીખવાડવામાં ઘણી તકલીફ પડી હતી. તે સમય અમારા બધા માટે ડાર્ક ટાઇમ હતો. અનેક મુશ્કેલીઓ હોવા છતાં ડેઇઝીએ સાબિત કરી બતાવ્યું છે કે મનમાં કંઇક કરવાનું વિચારી લઇએ તો સંઘર્ષથી સફળતા ચોક્કસ મળે છે. ડેઇઝીના ચહેરા પર હંમેશા સ્માઇલ હોય છે. તે સિન્ગિંગ, જિમ્નાસ્ટિક્સ અને ડાન્સિંગ કરીને પોતાની જાતને ખુશ રાખે છે.