ઉંમર વધવાની સાથે મહિલાઓમાં હાડકાં નબળાં પડવાની સમસ્યા વધુ હોય છે. ખાસ કરીને મેનોપોઝ પછી. જેના લીધે તેમનામાં ઓસ્ટિયોપોરોસિસની આશંકા વધી જાય છે. આ એવી સ્થિતિ છે, જેમાં હાડકાં નબળાં થાય છે કે તેની ઘનતા ઘટે છે. પરિણામે તેના તૂટી જવા કે ફ્રેક્ચર થવાનું જોખમ વધુ હોય છે. હકીકતમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન હાડકાંની મજબૂતી માટે જરૂરી છે, પરંતુ મેનોપોઝ દરમિયાન તેનું સ્તર ઘટવા લાગે છે. સારી ખાણીપીણીની સાથે કેટલીક કસરત દ્વારા મહિલાઓ ઉમર વધવા છતાં હાડકાં મજબૂત રાખી શકે છે.
વોક કરોઃ હાથમાં વજન લઈને ચાલવું ફાયદાકારક
જો કસરત કરતા નથી કે હાડકાં નબળાં છે તો ચાલવાની શરૂઆત કરો. માયો ક્લિનિકમાં ઓર્થોપેડિક પ્રોફેસર રહેલા ડો. મેરી ઓનરના અનુસાર હાથમાં હલકું વજન લઈને ચાલવાથી શરીરના ઉપરના ભાગના હાડકાં મજબૂત થાય છે. જો ભૂતકાળમાં સક્રિય રહ્યા છો તો રનિંગ અને જમ્પિંગ કસરત વધુ ફાયદાકારક છે.
ડાન્સ કરો: હાડકાંને મૂવમેન્ટથી વધુ ફાયદો થાય છે
જો વોક કે રનિંગ કરવા માગતા નથી તો એવા વર્કઆઉટ કરો, જેમાં વધુ મૂવમેન્ટ હોય. ડાન્સ કરવો સૌથી શ્રેષ્ઠ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિનના એસોસિએટ પ્રોફેસર ડો. કેથરીનના અનુસાર તમે જ્યારે નવી-નવી મૂવમેન્ટ્સ દ્વારા શરીરને ચોંકાવો છો તો તેની હાડકાં પર સારી અસર થાય છે. તેનું નિર્માણ સુધરે છે. ટેનિસ જેવી રમત પણ ફાયદાકારક છે.
માંસપેશીઓ મજબૂત કરો: હાડકાં પણ મજબૂત થાય છે
માંસપેશીને મજબૂત કરતી કસરત કે કામ કરો છો તો તેનો ફાયદો હાડકાંને પણ થાય છે. હકીકતમાં એ કામ દરમિયાન માંસપેશીઓ હાડકાં પર વધારાનું દબાણ બનાવે છે, જેથી તે મજબૂત બને છે. આ ઉપરાંત રોજના કાર્યો સારી રીતે કરવા માટે પણ માંસપેશીઓ મજબૂત થવી જરૂરી છે.