લંડનઃ સગર્ભાઓ પેઈનકિલર તરીકે પેરાસિટામોલનું સેવન કરતી હોય તો આવનારા સંતાન માટે ઓટિઝમ કે હાઈપર-એક્ટિવિટીનું જોખમ વધતું હોવાનું સંશોધનમાં જણાવાયું છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં છોકરાઓને ઓટિઝમ થવાનો ભય રહે છે. ગર્ભમાં પેરાસિટામોલ મેળવતા ૪૧ ટકા બાળકો હાઈપર-એક્ટિવિટી અથવા આવેશના લક્ષણો દર્શાવે તેવી શક્યતા જણાઈ હતી. જોકે, બહુમતી નિષ્ણાતોએ આ તારણો પર ઉતાવળે અભિપ્રાય નહિ બાંધવા સલાહ આપી હતી.
સ્પેનિશ સંશોધકોએ માતા-બાળકની ૨,૬૪૪ જોડીનો અભ્યાસ કર્યો હતો. તેમને જણાયું હતું કે એક વર્ષની વયના ૪૩ ટકા બાળકોની માતાએ સગર્ભાવસ્થામાં પેરાસિટામોલનું સેવન કર્યું હતું. સંશોધક ડો. જોર્ડી જુલવેઝે જણાવ્યું હતું કે પેરાસિટામોલ અનેક કારણોસર ચેતાવિકાસ માટે નુકસાનકારી હોઈ શકે છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમના વિકાસને અસર થઈ શકે અથવા કેટલાંક ભ્રૂણ માટે સીધું જોખમ ઉભું કરી શકે છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડીમીઓલોજીમાં પ્રસિદ્ધ સંશોધન વિશે બ્રિટિશ નિષ્ણાતો કહે છે કે આ તારણ સાવધાનીથી નિહાળવા જોઈએ. તેમણે અભ્યાસની ક્ષતિઓ પણ દર્શાવી હતી. રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના પ્રોફેસર કેમરને કહ્યું હતું કે ભારે તાવ અને પીડા ઘટાડવામાં ઉપયોગી પેરાસિટામોલનો ગર્ભાવસ્થાના તમામ તબક્કે ઉપયોગ થાય છે અને તે સલામત છે. તેમણે ઉમેર્યું હતું કે પેરાસિટામોલના ઉપયોગ અને ચેતાવિકાસની સમસ્યા વચ્ચે સીધી કડી હોવાનું માની શકાય નહિ.