લખનઉઃ દેશના અનેક સમુદાયોમાં આજે પણ એવી પરંપરા જીવીત છે, જે સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે. હિન્દુ ધર્મમાં લગ્ન પછી સુહાગન મહિલાઓ માટે સુહાગનું પ્રતીક ચાંદલો, સિંદૂર અને મંગળસૂત્ર અનિવાર્ય મનાય છે. માન્યતા છે કે, સોળ શૃંગાર કરવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે. જોકે, ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં કછવાહા સમુદાયની મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે દર વર્ષે પાંચ મહિના વિધવા જેવું જીવન જીવે છે. કછવાહા સમુદાયની મહિલાઓ આ અનોખી પરંપરાનું વર્ષોથી પાલન કરી રહી છે. આ મહિલાઓ ૫ મહિના સુધી કોઈ શૃંગાર કરતી નથી કે માંગલિક પ્રસંગોમાં ભાગ લેતી નથી.
માતાના મંદિરમાં મૂકાય છે શૃંગાર
આ સમુદાયના લોકો તરકુલહા દેવીને કુળદેવી માને છે. આ સમુદાયની મહિલાઓ કુળદેવીના ચરણોમાં પોતાનો શૃંગાર ચઢાવી દે છે અને પતિની સુરક્ષા અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. માન્યતા છે કે, આ રીતે કુળદેવી પ્રસન્ન થાય છે અને મહિલાઓનો સુહાગ સુરક્ષિત રહે છે. તેઓ પાંચ મહિના પછી પરિવારમાં પાછી ફરે છે.
કછવાહા સમુદાયમાં દર વર્ષે પાંચ મહિના સુધી માતમ મનાવાય છે. આ દરમિયાન આ ગામના લગભગ તમામ પુરુષો વૃક્ષ પરથી તાડી ઊતારવાનું કામ કરે છે. પુરુષો આ કામ કરવા બહારગામ જાય છે અને તેમની પત્નીઓ વૈધવ્ય અપનાવીને સંપૂર્ણ સાદગીભર્યું જીવન જીવવા લાગે છે. જોકે, પતિઓ જ્યારે બહારગામથી પરત ફરે છે તો મહિલાઓ તેમનું જોરદાર સ્વાગત કરે છે.