કે્ઝ્યુઅલ વેરમાં સામાન્ય રીતે હવે યુવતીઓ અને મહિલાઓ કુર્તી પર પસંદગી ઉતારે છે. કુર્તીને કેઝ્યુઅલ કે પ્રોફેશનલી પહેરવામાં આવે છે. કુર્તી માટે આમ તો લોંગ, સ્ટ્રેટ, ડબલ લેયર, ટ્રેલ કટ, અંગરખા, અનારકલી, ઇન્ડો-વેસ્ટર્ન, ફ્લોર લેન્થ, કફ્તાન વગેરે સ્ટાઇલ બજારમાં ઉપલબ્ધ જ છે. પહેલા માત્ર ઘરમાં રહેતી મહિલા જ કૂર્તી પહેરવાનું પસંદ કરતી અને જ્યારે બહાર ત્યારે સાડી કે ડ્રેસ જ પહેરવાનું પસંદ કરતી હતી. પરંતુ હવે ઘરમાં રહેતી, ઓફિસ જતી કે કોઇ પ્રસંગમાં જતી મહિલા કૂર્તી પહેરવાનું પસંદ કરે છે. પહેલાંની વાત કરીએ તો માત્ર એ લાઇન કુર્તી જ બજારમાં મળતી, પણ હવે તો વિવિધ ડિઝાઇનની જોઇએ એ પ્રમાણેની સાઈઝની અને ડિઝાઇનની કુર્તી બજારમાં ઉપલબ્ધ હોય છે. કોલેજ જતી યુવતીથી લઇને ઓફિસ જતી યુવતીઓ માટે ઓફિસ વેઅર માટે કે પછી કોઇ પાર્ટી માટે બધી જ સ્ટાઇલની કુર્તી મળે છે, પણ ક્યા પ્રસંગે કેવી સ્ટાઇલની કુર્તી પહેરવી એ પણ ફેશન યુગમાં મહત્ત્વ ધરાવે છે.
ટ્રેલ કટ કુર્તી
આજકાલ આ ડિઝાઈનની કુર્તીની ખૂબ ફેશન ચાલે છે. કુર્તીની પાછળની લંબાઇ આગળની લંબાઇ કરતાં વધારે હોય અથવા બાજુની લંબાઇ વધારે હોય તેવી કુર્તીને ટ્રેલ કટ કુર્તી કહેવાય છે. આવી કુર્તીમાં નીચે લેગિંસ કે જેગિંસ પહેરી શકાય. પલાઝો પણ ચાલે. પગમાં હિલ્સ પહેરવી જેથી કરીને પેટર્ન સાફ દેખાય. આવી કુર્તી લાંબી યુવતીઓ પર વધુ સારી લાગે છે.
થ્રી ફોર્થ કુર્તી
કુર્તી જો એ લાઈન હોય, અનારકલી હોય કે અંગરખા લેન્થ જો થ્રી-ફોર્થ હોય તો તમે એને ડ્રેસની જેમ પણ પહેરી શકો છો. પ્લાઝો સાથે પણ થ્રી-ફોર્થ કુર્તી સારી લાગશે. કંઇક નવું ટ્રાય કરવા માટે તમે કુર્તી પર જેકેટ પણ પહેરી શકો છો. આવી કુર્તી થીમ પાર્ટીમાં સારી લાગે જેમ કે કોઇ બર્થ ડે પાર્ટી હોય કે કિટી પાર્ટી હોય.
અનારકલી કુર્તી
આ કુર્તી ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. અનારકલી કુર્તીને એ લાઇન કુર્તી સ્ટાઈલમાં પણ બનાવી શકાય છે. કળી જોઇન કરીને પણ અનારકલી કુર્તી બનાવી શકાય. મોટે ભાગે કળી જોઇન કરીને બનાવીએ તો વધારે સારી લાગે છે અને ઘેર પણ સારો રહે છે. માત્ર શરીરના બાંધાને અનુરૂપ ઘેરાની અને લેન્થની પસંદગી કરવી. અનારકલી સ્ટાઇલ કુર્તી લાંબી યુવતીઓ પર સારી લાગે છે. જો તમારુ શરીર સુડોળ હોય તો યોકવાળી અથવા નેકલાઇનથી જ કળી ચાલુ થતી હોય એવી કુર્તી પહેરી શકો. અનારકલી પેટર્ન કોટન, સિલ્ક, નેટ અને સિન્થેટિક એમ બધી જ ટાઇપના ફેબ્રિકમાં સારી લાગે છે. પ્લેન ફેબ્રિક હોય કે એમ્બ્રોઇડર્ડ ફેબ્રિક હોય, અનારકલી પેટર્ન બધી ટાઇપના ફેબ્રિક પર ઊઠી આવે છે. અનારકલી કુર્તી સાથે હાઇ હીલ્સ સારી લાગે છે. અનારકલી કુર્તી સાથે ચૂડીદાર સારાં લાગે છે, પરંતુ જો તમારે કંઇક અલગ ટ્રાય કરવું હોય તો તમે પ્લાઝો સાથે પહેરી શકો.
ફ્લોર લેન્થ કુર્તી
જે કુર્તીની લેન્થ ફ્લોર સુધી હોય તેને ફ્લોર લેન્થ કુર્તી કહેવાય છે. આજકાલ ગાઉન કુર્તી તરીકે પણ ઓળખાય છે. દેખાવમાં આ ગાઉન જેવા લાગે છે અને મોટા ભાગે ફોર્મલ લુક આપે છે. ફોર્મલ ફ્લોર લેન્થ કુર્તી સિલ્ક, નેટ અથવા પ્યોર શિફોન કે જ્યોર્જેટમાં બનાવવામાં આવે છે. કેઝ્યુલ લુકમાં પણ હવે આવી કુર્તી બને છે જેમાં ફેબ્રિકનું મિક્સ અને મેચ કરવામાં આવે છે. કેઝ્યુઅલમાં ખાસ કરીને પ્રિન્ટ સિલેક્શનમાં ધ્યાન રાખવું અને ફોર્મલમાં કેવું વર્ક છે એના પર ધ્યાન આપવું. જો તમને વર્કવાળો ફ્લોર લેન્થ ગાઉન ન પહેરવો હોય તો નેટના ફેબ્રિક પર તૈયાર વર્ક આવે છે એ પહેરી શકાય. આવાં ગાઉન સાથે મિનિમલ જ્વેલરીનો લુક અપનાવવો જોઇએ. ડબલ લેયર કુર્તી એટલે કે જેમાં બે લેયર હોય એટલે બે કુર્તી, બે શોલ્ડરથી એકસાથે જોઇન થયેલી હોય. ઉપરનું લેયર હોય અને એની અલગ અલગ સ્ટાઇલ હોય છે. ઉપરનું ફેબ્રિક કોન્ટ્રાસ્ટ કલરમાં હોય અથવા તો ટ્રાન્સપરન્ટ હોય. આ બે લેયર હોય એની લેન્થ એકસરખી હોય એવુ જરૂરી નથી. મોટાભાગે લેન્થ ઉપર નીચે હોય છે તો કુર્તી વધુ સ્ટાઇલિશ લાગે છે અને એની પેટર્ન પણ દેખાય. આ કુર્તી લેતાં પહેલા બોડી ટાઇપને આધારે પસંદગી કરવી.
એસિમેટ્કિ કુર્તી
આમાં કુરતીની હેમલાઈન બરાબર નથી હોતી પરંતુ એસિમેટ્રકિક હોય છે. આ કુર્તી ખૂબ જ સ્ટાઇલિશ અને ડ્રેન્ડી લાગે છે. તેને પાર્ટી અને કેઝુઅલ આઉટિંગ બંને માટે પસંદ કરી શકો છો. ફંક્શનમાં જઇ રહ્યાં હો તો આપ આ પ્રકારની એસિમેટ્રિક અનારકલી બનાવી શકો છો. જે બધાથી અલગ જ લુક આપશે. જેમાં સાઈડમાં પૂરા કટ સાથે એસિમેટ્રિક ડિઝાઇન આપવામાં આવે છે. કેઝ્યુઅલ લૂક માટે આ હેંગકર્ચીફ હેમલાઈનવાળી એસિમેટ્રિક કુર્તી બનાવડાવો. આ ડિઝાઈનને તમે ડ્રેસની જેમ પણ પહેરી શકો છો. સ્કર્ટ અથવા પલાઝોની સાથે તમે આ સિંપલ પણ એસિમેટ્રિક કુર્તી બનાવડાવો. જેને તમે ડ્રેસની જેમ પણ ટ્રાય કરી શકો છો.