બ્રેક ડાન્સિંગને સ્પોર્ટ્સનો દરજ્જો?! વાત માનવાનું ભલે મુશ્કેલ હોય, પણ હકીકત છે. હા, બ્રેક ડાન્સિંગ હવે માત્ર એક ડાન્સ અથવા તો કળા નથી બલકે એક પ્રકારની રમત બની છે. પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રેકિંગ એટલે બ્રેક ડાન્સને પ્રથમ વખત સ્પોર્ટ્સ તરીકે સામેલ કરવામાં આવ્યા બાદ નિષ્ણાતોમાં ભારે ચર્ચા છેડાઈ છે. આ પહેલાં 2020માં બ્રેકિંગને પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવાનો નિર્ણય કરાયો હતો. અમેરિકાની સની ચોઈ પેન અમેરિકન ગેમ્સમાં શાનદાર દેખાવ સાથે બ્રેકિંગ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર અમેરિકાની પ્રથમ મહિલા તરીકે સ્થાન મેળવ્યું છે.
ચોઇએ આશરે એક વર્ષ પહેલાં નોકરી છોડીને પૂર્ણ રીતે બ્રેકિંગમાં ધ્યાન આપવાનો નિર્ણય કર્યો હતો.જોકે શરૂઆતમાં ચોઇની આ યાત્રા સરળ રહી નહોતી. ચોઇ કહે છે કે તે બ્રેકિંગ માટે પેરિસ ઓલિમ્પિક માટે જઈ રહી છે તો લોકોએ આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી હતી. કેટલીક વખત લોકો સાંભળીને હસવા લાગતા હતા. યુએસએ ટીમની સોશિયલ મીડિયા પોસ્ટના કમેન્ટ સેક્શનમાં પણ લોકો આ બાબતને માનવા માટે તૈયાર ન હતા. એટલું જ નહીં અન્ય એવા કેટલાંક લોકો હતાં જેઓ ઇમોજી મૂકીને મજાક ઉડાવતા હતા. જોકે આ તમામ બાબતો છતાં પણ ચોઈ ટીકા-ટિપ્પણીથી ગભરાઈ ન હતી. અને પોતાની મહેનત પર ધ્યાન આપતી હતી. ચોઈ કહે છે કે આજના સમયમાં બ્રેકર્સની સ્થિતિ 1980ના દાયકાની જેવી જ છે. લોકો આને રમત સમજી જ રહ્યા નથી.
ભલે ઓલિમ્પિક્સમાં બ્રેકિંગ ઈવેન્ટ પેરિસના સૌથી મોટા જાહેર સ્થળ પ્લેસ ડેલા કોનકાર્ડમાં યોજાશે પરંતુ ચોઇનું કહેવું છે કે બ્રેકિંગ પણ જિમ્નાસ્ટિક અને ફિગર સ્કેટિંગ જેવી રમતની જેમ જ જજ અને પોઈન્ટ આધારિત ઇવેન્ટ છે. આમાં પણ સારી બાબત એ છે કે બ્રેકિંગ ટૂર્નામેન્ટમાં તો બ્રેકર્સ આમનેસામને પરફોર્મ કરે છે. જેમાં પોઇન્ટ આપવાની બાબત સરળ બની જાય છે.
ઉલ્લેખનીય છે કે ચોઇનું વાસ્તવિક નામ સન છે, અને બાળપણમાં જ તેનું નિક નેમ સન પડી ગયું હતું. બાળપણમાં જિમ્નાસ્ટિક પ્લેયર ચોઇએ 12 વર્ષની વયમાં ઓલિમ્પિકમાં રમવા માટેનું સપનું જોયું હતું, પરંતુ પરિવારના સભ્યોનો સાથ મળ્યો ન હતો. અભ્યાસ અને રમતગમતને એક સાથે મેનેજ કરવાની બાબત તેના માટે ખૂબ જ મુશ્કેલ હતી. ચોઈ કહે છે કે હાઈસ્કૂલમાં તેના મનમાં આપઘાત કરવાના વિચાર આવતા હતા. ત્યારબાદ ક્લબમાં ફ્રીક્સ ઓધ ધ બીટ ડાન્સ ગ્રૂપ સાથે ચોઇનો પરિચય થયો હતો. જિમ્નાસ્ટિક બેકગ્રાઉન્ડ હોવાના કારણે તેનો રસ વધી ગયો હતો. આની સાથે જ બ્રેકિંગની શરૂઆત કરી હતી. 2011માં ગ્રેજ્યુએશન કર્યા બાદ ચોઇએ કેટલીક કંપનીમાં નોકરી પણ કરી હતી. જોકે નોકરીની સાથે સાથે બ્રેકિંગ પણ કરતી હતી.
સપનું સાકાર કરવા જોબ છોડી
2021ના અંતમાં ટોપ અમેરિકન બ્રેકર્સના કેમ્પમાં કોચે ઓલિમ્પિક માટે ઇચ્છુક બ્રેકર્સને હાથ ઊંચો કરવા માટે કહ્યું ત્યારે ચોઇએ પણ આમાં ઇચ્છા વ્યક્ત કરી હતી કારણ કે નોકરીના કારણે તેની સામે પડકારો હતા. સાથે સાથે ખાનગી અને પારિવારિક મુશ્કેલી પણ હતી.
આ પછી 2022ના વર્લ્ડ ગેમ્સમાં ચોઈએ ભાગ લીધો હતો. તે બીજા સ્થાને રહી હતી. તેના છ મહિના બાદ જ નોકરી છોડી દીધી હતી. અલબત્ત ત્યાં સુધી અમેરિકન ટીમમાં તેની જગ્યા બની ન હતી.
સપ્ટેમ્બર 2022માં ચોઈએ પ્રથમ વખત એક બ્રેકિંગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. સાથે સાથે જીત હાંસલ કરી હતી. ચોઈ કહે છે કે નોકરી છોડીને તે ભારે ખુશ છે. પેન અમેરિકન ગેમ્સમાં જીત બાદ હવે પેરિસની ટિકિટ પાકી કરી હતી, હવે તેની પાસે નાઈકી અને સેમસંગ જેવા મોટા સ્પોન્સર છે.