સફળ બિઝનેસ લીડરની સૂરિલી સંગીતસફર

ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ચંદ્રિકા ટંડન

Wednesday 26th February 2025 04:32 EST
 
 

આપણે આસપાસનાં સામાજિક વર્તુળમાં એવાં ઘણાં લોકોને જોતાં હોઇએ છીએ જેમને કોઇ એક બાબતનું પેશન તો બહુ જ હોય છે, પરંતુ તેને ફોલો કરતાં નથી. તો બીજી તરફ તમને કેટલાક લોકો એવા પણ જોવા મળશે જેઓ પોતાના પેશનને ઉત્કટતાથી ફોલો કરતા હોય છે. ચંદ્રિકા ટંડન પણ આવું જ વ્યક્તિત્વ છે. ભાગ્યે જ કોઇના માન્યામાં આવશે કે આજે 71 વર્ષની વયે ગ્રેમી એવોર્ડ જીતીને દુનિયાભરમાં ભારતીય ગીતસંગીતનો ડંકો વગાડનાર ચંદ્રિકા ટંડને 45 વર્ષની વય સુધી તો સંગીત પ્રત્યે ખાસ કોઇ ધ્યાન આપ્યું જ નહોતું. તેમણે આયુષ્યના સાડા ચાર દસકા પછી સંગીતની દુનિયામાં ઝંપલાવ્યું ને આજે સંગીતજગતમાં સર્વોચ્ચ ખ્યાતિ ધરાવતું સન્માન મેળવ્યું છે.
ભારતીય-અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને પોતાના ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ્સ મળ્યો છે. બાળપણથી સંગીતમાં રસ ધરાવનાર ચંદ્રિકા ટંડન આટલાં વર્ષો સુધી શું કરતાં હતાં? એવો પ્રશ્ન સહુ કોઇને થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ પ્રશ્નના જવામાં કહી શકાય કે તેઓ મલ્ટિ મિલિયન ડોલર કંપનીનો પાયો નાંખી રહ્યાં હતાં, એક એવી કંપની કે જેના ક્લાયન્ટ દુનિયાભરમાં પથરાયેલા છે. ચંદ્રિકા ટંડનની બીજી ઓળખ એ પણ છે કે પેપ્સિકો કંપનીના સીઇઓ ઇન્દ્રા નૂયીના બહેન છે.
 મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ઈન્ડસ્ટ્રીની દુનિયાની ટોચની ત્રણ કંપનીઓમાંની એક મેકેન્ઝી એન્ડ કંપનીમાં પાર્ટનર બનનારાં તેઓ પહેલા ભારતીય મહિલા હતાં. 1954માં ચેન્નઇના એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રિકાનો જન્મ થયો હતો. સ્કૂલિંગ પછી બીકોમ કરવા માટે તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં જવા ઇચ્છતા હતાં, કારણ કે તેમના પિતા અને દાદા એ કોલેજમાં ભણ્યાં હતાં. જોકે આ કોલેજ તેમના ઘરથી બહુ દૂર હતી, ત્યાં ટ્રેનમાં જવું પડે એમ હતું. તેથી તેમનાં મમ્મી-પપ્પા નહોતાં ઈચ્છતાં ચંદ્રિકા ત્યાં ભણવા જાય. જોકે ચંદ્રિકા આ મામલે કોઇ બાંધછોડ કરવા તૈયાર નહોતાં. પોતાની વાત મનાવવા માટે તે પહેલી વખત ભૂખ હડતાળ પર ઊતર્યાં. અને છેવટે તેની જીત થઈ.
કોલેજના ફાઈનલ વર્ષમાં ચંદ્રિકાએ પોતાના એક અંકલ અને પ્રોફેસર પાસેથી વિશ્વખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન આઈઆઈએમ-અમદાવાદનું નામ સાંભળ્યું હતું. કોલેજ પછી તું શું કરવાની છું? એવું અંકલ દ્વારા પૂછાયું તો ચંદ્રિકાએ કહ્યું કે હું આઈઆઈએમ-અમદાવાદમાં અભ્યાસ કરીશ. તેનો જવાબ સાંભળીને અંકલને બહુ નવાઈ લાગી હતી કે, સાવ સામાન્ય લાગતી ગામડાંની આ છોકરીને ત્યાં તો એડમિશન નહીં જ મળે. જોકે ચંદ્રિકાએ હિંમત હાર્યા વગર એપ્લાય કરી દીધું. આ દરમિયાન ચંદ્રિકાના જીવનના બેકગ્રાઉન્ડમાં સંગીત હંમેશા ગૂંજતું રહેતું હતું.
એન્ટ્રસ ટેસ્ટ અને અલગ અલગ રાઉન્ડનાં અનેક ઈન્ટરવ્યૂ પછી ચંદ્રિકા પેનલની સામે હતી. 45 મિનિટ સુધી અલગ અલગ સવાલ બાદ તેનું સિલેક્શન થઈ ચૂક્યું હતું. પહેલી વખત ઘરથી દૂર રહેવાનું બન્યું હતું અને આમ એક રીતે આ પોતાની જાતને ઓળખવાનો અવસર પણ હતો. અભ્યાસ પછી બેંકમાં જોબ મળી ગઈ અને એક દાયકામાં તો યુએસની મેકેન્ઝી કંપનીમાં કામ કરવા લાગ્યાં હતાં.
ચંદ્રિકા કહે છે કે એ વખતે મારું એક જ મિશન હતુંઃ બસ, આગળ વધવું. તેથી હું પરિવાર અને - મારી દીકરીને પણ પૂરતો સમય આપી શકતી નહોતી. પતિ રંજન ટંડન તેમને હેલ્પફુલ રહેતા હતા. તેઓ કહે છે કે 1999 સુધીમાં હું મારી પોતાની કંપની શરૂ કરી ચૂકી હતી. એ દરમિયાન હું એક ક્રાઈસિસમાંથી પસાર થઈ. જેને હું ક્રાઇસિસ ઓફ સ્પિરિટ તરીકે ઓળખાવું છું એટલે કે આત્માનું ક્રાઈસિસ. એક ફ્લાઈટ સફર દરમિયાન પરમહંસ યોગાનંદની ‘એન ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી’ વાંચી રહી હતી. જે વાંચીને મને રડવું આવી ગયું. ઘરે જઈને રૂમમાં મારી જાતને લોક કરી દીધી અને વિચારવા લાગી કે, આ હું શું કરી રહી છું? મને ખરેખર કઈ વસ્તુમાં ખુશી મળે છે? આખરે મેં સંગીત તરફ પરત ફરવાનું શરૂ કર્યું. એ વખતે હું કોઈને ગુરુ કે કોઈ મને શિષ્ય બનાવી શકે એવી મારી ઉંમર નહોતી. બીજું, કંપની ઉપર પણ ધ્યાન આપવાનું હતું, તેથી મેં કલાકો સુધી બેસીને હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતના રાગ શીખવાનું શરૂ કર્યું.
ચંદ્રિકા ટંડન કહે છે કે મેં રાગમાં અલગ અલગ મંત્રો ગાવાનું શરૂ કર્યો. સૌથી પહેલાં ‘ઓમ નમઃ શિવાય...’ના જાપ મેં રેકોર્ડ કર્યો અને 90 વર્ષના સસરાને ગિફ્ટ કર્યો. બીજું, આલ્બમ ‘સોલ કોલ’ બનાવ્યું. આ આલ્બમ 2011માં બેસ્ટ કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી માટે નોમિનેટ થયું. 2013માં ‘સોલ માર્ચ’ નામનું આલ્બમ આવ્યું. આ આલ્બમ મહાત્મા ગાંધીજીના દાંડી માર્ચથી પ્રેરિત હતું, જે મેં 75 મ્યુઝિક આર્ટિસ્ટ્સ સાથે રેકોર્ડ કર્યું હતું. આમ, એક પછી એક આલ્બમ આવતાં રહ્યાં. છેલ્લે ‘ત્રિવેણી’ આલ્બમ આવ્યું, જેમાં તેમને ગ્રેમી એવોર્ડ મળ્યો.
આ આલ્બમ માટે તેમણે સાઉથ આફ્રિકાના પ્રખ્યાત વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની અમેરિકન સેલિસ્ટ એરુ માત્સુમોતોની સાથે કોલાબોરેશન કર્યું હતું. હવે આ આલ્બમને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિએન્ટ અને ચાન્ટ આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ સિવાય પણ તેમને અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે.
ચંદ્રિકા ટંડન સફળ બિઝનેસ લીડર છે, એક સમાજસુધારક છે અને એનાથી એક ડગલું આગળ વધીને કહીએ તો એ એવાં નારીરત્ન છે, જેણે ક્યારેય પોતાનાં સપનાંને મરવા દીધાં નથી. તે કહે છે કે દેશની સીમાઓ ફક્ત વિચારમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter