નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા પાઇલટ તરીકે તાજેતરમાં સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નિમણૂક થઈ છે. કેપ્ટન શિવાંગી ભારતીય નૌકાદના સર્વેલન્સ વિમાન ડોર્નિયરની પાઇલટ બની છે. તેની નિમણૂક કોચી ખાતેના નૌકામથકમાં થઈ છે. તે ડોર્નિયર ઉડાવશે. ૪ ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણી પહેલાં ઈન્ડિયન નેવીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.
શિવાંગીએ કહ્યું હતું કે નેવીમાં તો વર્ષોથી મહિલાઓ છે જ પરંતુ કોકપીટમાં નહોતી. હવે એ ખોટ પૂરી થાય છે. કોચીમાં સધર્ન નેવલ કમાન્ડના કમાન્ડર ઈન ચીફ વાઈસ એડમિરલ એ. કે. ચાવલાએ સબ લેફ્ટનન્ટ શિવાંગીને નિમણૂક પત્ર આપ્યો હતો. આ તબક્કા સુધી પહોંચવા માટે તેણે ૩ સ્ટેજની તાલીમ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. નૌકાદળમાં ભરતી પામ્યા પછી શિવાંગીએ વિવિધ પ્રકારની તાલીમમાંથી પસાર થવું પડ્યું હતું. ભારતીય નૌકાદળમાં અત્યાર સુધી કોઈ મહિલા પાઇલટ નહોતી. નૌકાદળે હવે એ સિદ્ધિ પણ મેળવી લીધી છે. શિવાંગી મૂળ બિહારની મુઝફ્ફરપુરની રહેવાસી છે. આ પહેલાં ભારતીય વાયુસેના પણ મહિલા પાઇલટોની નિમણૂંક શરૂ કરી હતી. પરિણામે અત્યારે ઈન્ડિયન એરફોર્સમાં કેટલીક મહિલા પાઇલટ છે. સૈન્યની ત્રણ પાંખોમાં મહિલાઓ કામ કરે છે. પરંતુ અત્યાર સુધી પાઇલટ જેવી મહત્ત્વપૂર્ણ ડ્યુટી મહિલાઓને સોંપવામાં આવતી ન હતી. વિવિધ તાલીમોમાં પાસ થથયા પછી હવે તેમને આ ડ્યુટી પણ સોંપાઈ રહી છે.