સ્ત્રીઓને થતાં કેન્સરમાં બ્રેસ્ટ-કેન્સર સૌથી વધુ કોમન ગણાય છે, આ પછીનું સ્થાન સર્વાઇકલ કેન્સરનું આવે છે જેને સ્ત્રીના ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહે છે. ગર્ભાશયના મુખને સર્વિક્સ અને એના કેન્સરને સર્વાઇકલ કન્સર કહે છે. ૨૫થી ૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળતું આ કેન્સર સ્ત્રીને માતૃત્વના સુખથી વંચિત પણ રાખી શકે છે. નિષ્ણાતોના મતે આ કેન્સર સામે લડવા માટે જાગૃતિની જરૂર છે કેમ કે આ એકમાત્ર કેન્સર એવું છે જેનો ઇલાજ શક્ય છે.
બ્રેસ્ટ કેન્સર કરતાં સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓનો વધુ ભોગ લે છે. એક આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે ૪ લાખથી વધુ સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે અને એમાંથી ૨.૫ લાખ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. આ ઉપરાંત ઘણી સ્ત્રીઓ માતૃત્વના સુખથી વંચિત રહી જાય છે. વજાઇનામાંથી ગર્ભાશયમાં અંદર જવા માટે ગર્ભાશયના એક સાંકડા ભાગમાંથી પસાર થવું પડે એ ભાગને સર્વિક્સ કહે છે અને આ ભાગમાં જો કેન્સર થાય તો એને સર્વાઇકલ કેન્સર કહે છે. આ એક એવું કેન્સર છે જે થવા પાછળનું કારણ તબીબો જાણે છે અને તેને અટકાવવાનો ઇલાજ પણ ઉપલબ્ધ છે. જો સર્વાઇકલ કેન્સરની પહેલા-બીજા સ્ટેજમાં ખબર પડે તો ઇલાજ દ્વારા વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે. ઘણા કેસોમાં તો ત્રીજા કે ચોથા સ્ટેજના દર્દીને પણ યોગ્ય ઇલાજ દ્વારા બચાવી શકાય છે.
આમ આ કેન્સર સામે લડવા માટે જરૂર છે જાગૃતિની. સ્ત્રીઓ આમ પણ પોતાનાં સંતાનો અને પરિવારનું ધ્યાન રાખવામાં પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર બની જતી હોય છે. આ બેદરકારી તેમને કેન્સર સુધી ન લઈ જાય એ માટે દુનિયાના કેટલાય દેશોમાં જાન્યુઆરી મહિનો સર્વાઇકલ કેન્સર અવેરનેસ મન્થ તરીકે ઊજવાય છે, જેથી આ રોગ વિશે સ્ત્રીઓમાં જાગૃતિ લાવી શકાય.
કોને થાય?
સર્વાઇકલ કેન્સર કોને થઈ શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં ઓન્કોલોજિસ્ટ જણાવે છે, ‘આ રોગ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એટલે કે સેક્સ કરતી વખતે એના વાઇરસ સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે અને જો આ વાઇરસ શરીરમાં વધુ સમય માટે રહી જાય તો એને કારણે સ્ત્રીને આ રોગ થઈ શકે છે. આ રોગ મોટા ભાગે ૨૫થી ૪૦ વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રોગ વિશેની જાગૃતિ અને બેઝિક હાઇજીનના અભાવે આ રોગ ગ્રામવિસ્તારની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. વળી જે સ્ત્રીઓની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તેમને આ ઇન્ફેક્શન જલદી લાગે છે.
ચેપ કઇ રીતે લાગે?
મોટા ભાગનાં કેન્સર પાછળનું નક્કર કારણ તબીબો શોધી શકતા નથી. જેમ કે, જે વ્યક્તિએ ક્યારેય સિગારેટ ન પીધી હોય તેને પણ ફેફસાનું કેન્સર થયાના કિસ્સા જોવા મળે છે, પરંતુ સર્વાઇકલ કેન્સર એક એવું કેન્સર છે જે ક્યા કારણથી થાય છે એ તબીબી વિજ્ઞાને શોધી કાઢ્યું છે. આ એક વાઇરસને કારણે થતો રોગ છે જેનું નામ છે હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV). હ્યુમન પેપિલોમા વાઇરસનું શરીરમાં પ્રવેશવું અને એનું ઇન્ફેક્શન ફેલાવું તે ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે. ઘણી બધી સ્ત્રીઓને ઇન્ફેક્શન લાગતું હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે દરેક સ્ત્રીને સર્વાઇકલ કેન્સર થાય જ, કારણ કે HPV વાઇરસના કુલ ૧૦૦થી પણ વધુ પ્રકાર હોય છે અને અમુક પ્રકારના HPV વાઇરસ એવા હોય છે જે કેન્સર માટે જવાબદાર હોય છે. વળી જો સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તો એ આ વાઇરસ સામે લડે છે અને એને શરીરમાંથી દૂર કરે છે અને રોગ થવાની શક્યતા રહેતી નથી. પરંતુ અમુક સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી આ વાઇરસ તેમના પર પ્રભુત્વ જમાવે છે અને વધુ સમય એ શરીરમાં રહે ત્યારે એ કેન્સરમાં પરિણમી શકે છે.
HPV ક્યાં અસર કરે?
હ્યુમન પેપિલોમા વાઇરસ (HPV) એક એવો વાઇરસ છે જે ફક્ત સ્ત્રીઓમાં સર્વાઇકલ જ નહીં, પરંતુ માથું અને ગળાના કેન્સર માટે પણ જવાબદાર બને છે. આમ આ વાઇરસ ફક્ત ગર્ભાશયના મુખ પર જ નહીં, શરીરના બીજા ભાગોમાં પણ અસરકર્તા છે જે સેક્સ દરમિયાન સ્ત્રીના શરીરમાં પ્રવેશી શકે છે. તો શું આ વાઇરસ ફક્ત સ્ત્રીને જ અસર કરે છે? ના, એવું નથી. પુરુષોને પણ આ વાઇરસથી પ્રોબ્લેમ થઈ શકે છે. આ વાઇરસના ઘણા પ્રકાર છે અને એમાંથી અમુક પ્રકાર પુરુષોમાં એનોજેનિટલ વોર્ટ નામના રોગ માટે જવાબદાર હોઈ શકે છે, જે પુરુષોની જનનેન્દ્રીયને અસર કરે છે. આ ઉપરાંત HPVના બીજા પ્રકારનાં ઇન્ફેક્શન પુરુષોના હાથ અને પગનાં તળિયાં પર પણ જોવા મળે છે.
લક્ષણો ક્યા?
મુખ્ય વાત એ છે કે કેન્સર છે કે નહીં એની તપાસ જો લક્ષણો દ્વારા કરવામાં આવે તો હંમેશાં મોડું થઈ જતું હોય છે, કારણ કે કોઈ પણ કેન્સરનાં લક્ષણો હંમેશાં પાછળના તબક્કે જ જોવા મળતાં હોય છે. સર્વાઇકલ કેન્સર એક એવી બીમારી છે જેમાં લક્ષણો દેખાવાનું શરૂ લગભગ બીજા-ત્રીજા સ્ટેજ પર શરૂ થાય છે. મહત્ત્વની વાત એ છે કે આ લક્ષણોને આપણે અવગણીએ તો કેન્સર ખૂબ ઝડપથી વધતી બીમારી હોવાથી રોગ ખૂબ આગળ વધી જાય અને એનો ઇલાજ દુષ્કર થઇ જાય એવી પરિસ્થતિ પણ સર્જાઇ શકે છે.
આ રોગનાં લક્ષણો વિશે નિષ્ણાતો કહે છે કે મોટા ભાગે જ્યારે સ્ત્રીને આ રોગ થાય ત્યારે અમુક પ્રકારનાં ચિહનો દેખાય છે. જેમ કે. સેક્સ કર્યા પછી થોડું બ્લીડિંગ થવું, બે માસિકની વચ્ચે ગમે ત્યારે બ્લીડિંગ થવું અથવા વજાઇનામાંથી અમુક પ્રકારનો નોર્મલ ન હોય એવો ડિસ્ચાર્જ થવો. આ પ્રકારનાં કોઈ પણ ચિહન દેખાય તો સ્ત્રીએ તરત જ ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ. જરૂરી નથી કે આ ચિહનો ફક્ત કેન્સરનાં જ હોય, પરંતુ કોઈ બીજી બીમારી પણ હોઈ શકે છે. આથી ગફલતમાં ન રહેતાં ડોક્ટરને અવશ્ય બતાવો. જો તેમને જરૂરી લાગે તો ટેસ્ટ કરાવશે અને ટેસ્ટનાં રિઝલ્ટ પોઝિટિવ આવે તો ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરો.