દરેક યુવતી યુવા અને ફિટ દેખાવા ઇચ્છે છે અને આ માટે શક્ય તમામ પ્રયાસો પણ કરે છે. આમ તો સ્લિમ ટ્રીમ દેખાવ માટે ફિટનેસ પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે, પરંતુ આ તો ઘણી મહેનત અને લાંબો સમય માંગી લેતો વિકલ્પ છે, પરંતુ ઇન્સ્ટન્ટ સ્લિમ ટ્રીમ લુક જોઇતો હોય તો? અહીં રજૂ કરેલા આઇડિયા અજમાવી જોવા જેવા છે. તમે સ્લિમ લુક આપે એવાં આઉટફીટ્સ અને એકસેસરીઝ પસંદ કરીને નમણી નાર જેવા દેખાઇ શકો છો.
આઉટફીટની પસંદગી
કોઇ પણ વ્યક્તિના દેખાવમાં વસ્ત્રો મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. આથી વસ્ત્રો એવા પસંદ કરો કે તમે સ્લીમ દેખાવ. આ માટે કઇ બાબત ધ્યાનમાં રાખશો?
- સ્થૂળતા છૂપાવવા માટે ઓવરસાઇઝડ કપડાં પહેરવાનું ટાળો. કપડાંના ફિટિંગ અને હેમલાઇન પર ધ્યાન આપો.
- એન્કલ લેન્થ અથવા એના કરતાં થોડા લાંબા બ્લેક, નેવી બ્લ્યૂ જીન્સ કે ટ્રાઉઝર પહેરો એની સાથે સ્લિમ ફિટ શર્ટ, ટેલર્ડ બ્લેઝર કે જેકેટ પહેરી શકો.
- ઘૂંટણ સુધી લાંબા પેન્સિલ સ્કર્ટ કે એ લાઈન સ્કર્ટ પણ સ્માર્ટ ઓપ્શન છે.
- કેપ્રી પેન્ટ, લોન્ગ બેગી શોર્ટસ, શોર્ટ ટોપ, બહુ ટાઈટ ડ્રેસ, શેપલેસ હાફ લેન્થ સ્કર્ટ વગેરે પહેરવાનું ટાળવું.
- બહુ ટાઈટ કે ઢીલાં કપડાં ન પહેરો. એનાથી સ્થૂળતા ઢંકાવાને બદલે વધારે હાઈલાઈટ થાય છે. યોગ્ય ફિટિંગનાં કપડાં જ પહેરો.
- જો તમારા હાથ ભરાવદાર હોય તો તમને થ્રી-ફોર્થ કે ફુલ સ્લીવ વધારે શોભશે.
- જો તમારા પગ જાડા હોય તો શોર્ટ ડ્રેસ સાથે ડાર્ક કલરના સ્ટોકિન્સ પહેરો.
ટ્રેડિશનલ આઉટફીટ
જ્યારે તમારે ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવાં હોય ત્યારે આટલું અવશ્ય ધ્યાન રાખો.
- ફેસ્ટિવ સિઝન કે લગ્નપ્રસંગે જ્યોર્જેટ, શિફોન જેવા સોફ્ટ ફેબ્રિકની ડાર્ક કલરની સાડી પહેરો.
- જો લોઅર બોડી બહુ હેવી હોય તો બોડીને બેલેન્સડ લુક આપવા શોલ્ડર પેડનો ઉપયોગ કરી શકાય.
- એમ્પાયર લાઈન, કળીદાર કુરતા પણ લોઅર બોડીને કવર કરવામાં મદદ કરે છે. તમે એ પણ ટ્રાય કરી શકો.
- ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેરવા માંગતા હો તો શિફોન, જ્યોર્જેટ જેવાં ફલોવી ફેબ્રિકવાળા ટ્રેડિશનલ ગાઉન, અનારકલી, ટ્યુનિક વગેરે ટ્રાય કરી શકાય.
- મોર્ડન લુક માટે શિફોન, જ્યોર્જેટ પ્લેન સ્કર્ટ સાથે કોર્સેટ પહેરો. કોર્સેટથી તમારા બોડીને પરફેક્ટ શેપ મળશે.
- જો બસ્ટ સાઇઝ વધારે હોય તો તમારા પર લો નેકવાળા આઉટફિટ વધારે સારા લાગશે. બ્રાના સિલેકશન પર વધારે ધ્યાન આપો.
- ફેસ્ટિવ સિઝનમાં હેવી આઉટફિટ પહેરતાં હો તો જેમના લોઅર પાર્ટ પર એમ્બેલિશમેન્ટ હોય એવાં આઉટફિટ પહેરો એનાથી તમારા અપર બોડી પર લોકોનું ધ્યાન જશે નહિ.
યોગ્ય રંગ અને ડિઝાઇન
તમારા આઉટફિટની પસંદગી વખતે તેના રંગ અને ડિઝાઇનને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે.
- સ્થૂળતા છૂપાવવામાં વસ્ત્રોના યોગ્ય રંગની પસંદગી બહુ કામ આવે છે. જો તમે આઉટફિટ અનુસાર યોગ્ય કલરની પસંદગી કરશો તો સહેલાઈથી સ્લિમ દેખાઈ શકો છો.
- બ્લેક, બ્રાઉન, ગ્રીન, નેવી બ્લ્યૂ જેવા ડાર્ક કલરના આઉટફિટ પહેરો.
- સ્થૂળ મહિલાઓએ ડાર્ક કલરના ડ્રેસ જ પસંદ કરવા જોઈએ. જો લાઈટ શેડ પહેરવાં હોય તો લાઈલેક, પીચ જેવા સોફ્ટ શેડ પસંદ કરી શકાય, પરંતુ એની એમ્બ્રોઈડરી ડાર્ક કલરની હોવી જોઈએ.
- પ્રિન્ટેડ કપડાં પહેરવાં હોય તો નાની પ્રિન્ટ, સ્ટ્રાઇપ્સ કે ચેક્સ પહેરી શકાય.
- મોટી અને બોલ્ડ પ્રિન્ટ પહેરવાનું ટાળો, એમાં તમે વધુ સ્થૂળ દેખાશો.
- કલરની જેમ સ્ટ્રાઇપ્સ પણ તમને સ્લિમ લુક આપી શકે છે. હોરિઝોન્ટલ (આડી) સ્ટ્રાઇપ્સને બદલે વર્ટિકલ (ઊભી) સ્ટ્રાઇપ્સનાં કપડાં પહેરો. આથી તમે સ્લિમ અને લાંબા દેખાશો.
જીન્સની પસંદગી
શું તમે સ્થૂળતાના કારણે જીન્સ પહેરવાનું ટાળો છો? તમે પણ જીન્સ પહેરી શકો છો, પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને...
- જો તમારી કમર મોટી અને હિપ્સ હેવી હોય તો તમારે માટે લો ટુ મીડ વેસ્ટ જીન્સ બેસ્ટ છે. એમાં તમારી કમર અને હિપ્સ બન્ને ઓછાં મોટાં દેખાશે. જો તમારું પેટ મોટું હોય તો પણ તમે આ જીન્સ પહેરી શકો.
- જો તમારા પગ જાડા હોય તો તમે બૂટ કટ જીન્સ ટ્રાય કરી જુઓ. આ જીન્સ ઉપરથી ફીટ અને નીચેથી લૂઝ હોય છે. એનાથી જાડા પગને પરફેક્ટ શેપ મળે છે. હેવી કટ જીન્સ પહેરી શકાય.
- સ્થૂળતાને કારણે તમે સ્કિની જીન્સ પહેરી શકતા ન હો તો તમે સ્ટ્રેટ લેગ જીન્સ ટ્રાય કરો. તમારું પેટ મોટું હોય તો લો વેસ્ટ જીન્સ ટ્રાય કરો.
મેક્સી સ્કર્ટ
તમે મેક્સી સ્કર્ટ પહેરીને પણ સ્લિમ અને યંગ લુક મેળવી શકો છો.
- ફિટેડ ટોપ સાથે મેક્સી સ્કર્ટ સ્લિમર લુક આપે છે. તમારે કલર અને ફિટિંગનું ધ્યાન રાખવું જોઈએ.
- ફિટેડ ટોપ અને લોન્ગ હેમલાઇનવાળા મેક્સી સ્કર્ટ સેક્સી લુક આપશે.
- મેક્સી સ્કર્ટ સાથે તમે ક્રોપ્ડ જેકેટ કે સ્માર્ટ કટવાળા બ્લેઝર પણ ટ્રાય કરી શકો.
- આ આઉટફિટ સાથે હાઈ હિલનાં સેન્ડર પહેરો.
- મેક્સી સ્કર્ટ સાથે લૂઝ ટોપ પહેરો નહિ.
- આ આઉટફીટ સાથે ફ્લેટ ફૂટવેર પહેરવાનું ટાળવું જોઇએ.
સ્માર્ટ એક્સેસરીઝની પસંદગી
તમે આઉટફિટ સાથે યોગ્ય એક્સેસરીઝની પસંદગી પણ તમને સ્લિમર લુક આપી શકે છે.
જ્વેલરી
• જો તમારો ચહેરો ગોળ હોય તો એને પરફેક્ટ શેપ અને સ્લિમર લુક આપવા લાંબા ઇયરીંગ્સ અને લાંબા નેકલેસ પહેરો.
• ટોપ્સ કે બહુ નાના ઇયરીંગ્સ પહેરવાનું ટાળો. તમારા ચહેરા પર હેન્ગિંગ ઇયરીંગ્સ વધારે સૂટ થશે.
• જો તમે સ્થૂળ હો તો બહુ નાની કે ગોળ આકારની જ્વેલરી પહેરો નહિ.
• જો તમારી ગરદન જાડી હોય તો ચોકર કે બંધ ગળાવાળી જ્વેલરી પહેરો નહિ. આનાથી તમારી ગરદન વધારે ભરાવદાર દેખાશે.
બેલ્ટ
• સ્લિમર લુક માટે બેલ્ટની પસંદગી સમજી વિચારી કરો. પહોળા બેલ્ટ પહેરો નહિ.
• ડ્રેસ, ટ્યુનિક ટ્રાઉઝર માટે હંમેશાં સ્કિનિંગ બેલ્ટ પસંદ કરો.
ફૂટવેર
• સ્કીન કલર સાથે મેચ થતાં ફૂટવેર સ્લિમર લુક આપે છે.
• વેજીસ (પહોળી હિલ્સવાળાં સેન્ડલ)ને બદલે પેન્સિલ હીલ સેન્ડલ પહેરો.
• બૂટ્સ, પહોળા બેલ્ટવાળા ફૂટવેર પહેરો નહિ.
અને હા, પરફેક્ટ શેપ મેળવવા માટે જરૂર પડ્યે શેપ વેરનો ઉપયોગ કરો. યોગ્ય શેપ વેરનો ઉપયોગ કરીને તમે તમારી બોડી ફેટને છૂપાવી શકો છો.