ભારતીય પરંપરાગત સાડી દરેક યુવતી અને મહિલાનું ગરિમાપૂર્ણ પરિધાન છે. ભારતમાં વારે તહેવારે, પ્રસંગે પ્રાંત અને પરંપરા પ્રમાણે માનુનીઓ સાડી પહેરવાનું પસંદ કરે છે. આધુનિક સમયમાં કેટલીક પ્રોફેશનલ મહિલાઓ પણ રોજિંદા જીવનમાં ઓફિસના સ્થળે સાડી જ પહેરવાનું પસંદ કરે છે. કેટલીક વ્યાવસાયિક જગ્યાઓએ સાડી યુનિફોર્મ તરીકે પણ પહેરવામાં આવે છે. કેટલીક જગ્યાએ યુનિફોર્મ તરીકે સાડી પહેરવી ફરજિયાત હોય છે તો કેટલીક માનુનીઓને સાડી પહેરવી પસંદ હોય છે, પરંતુ દરેક માનુનીને સાડી કમ્ફર્ટેબલ નથી હોતી તો કેટલીક મહિલાઓને સાડી પહેરતાં ફાવતી નથી. આ પ્રકારની મહિલાઓ માટે સહેલો ઉપાય છે રેડીમેડ સાડી.
માર્કેટમાં પણ હવે દરેક પ્રકારની રેડીમેડ સાડી મળે છે તો મહિલાઓ સાડી લાવીને તરત પહેરી શકે એ પ્રમાણે તેની સિલાઈ કરાવી શકે છે. જેથી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને દીપાવતી સાડી સહેલાઈથી કેરી કરી શકાય છે.
એક સર્વે પ્રમાણે ભારતમાં સાડી પહેરવાની ૧૦૮ જેટલી આધુનિક પદ્ધતિઓ છે. એક રેડીમેડ સાડી ૮થી૧૦ રીતે પહેરી શકાય તે રીતે તૈયાર કરાય છે. તૈયાર સાડીને પેન્ટથી લઈને કુર્તા, લેન્થ તેમજ લંબાઈ મુજબ જે પોશાકમાં ઢાળવી હોય તેમાં ઢાળી શકાય છે.
ભરતકામ ધરાવતી સાડીઓ
ગુજરાતમાં રોગાન આર્ટ અને કચ્છી બાંધણી તેમજ બ્લોક પ્રિન્ટેડ સાડીઓ ભારે આકર્ષણ જમાવે છે. પ્રોફેશનલ કામકાજી મહિલાઓ હેન્ડલુમની સાડીઓ ઓફિસે પણ પહેરવી પસંદ કરે છે. આ સાડી દક્ષિણી પદ્ધતિથી પહેરી શકાય એ માટે તેનો પાટલીનો ભાગ અને છેડાનો ભાગ સુંદર સ્ટીચ કરેલો હોય છે. જોકે છેડાના ભાગમાં ફેરફાર કરી શકાય છે. કચ્છી વર્ક કે ભરતકામ ધરાવતી ભારે સાડીઓ પ્રસંગે પહેરવાની પસંદ કરે છે. ગુજરાતી સ્ટાઈલથી પહેરી શકાય તે રીતે આ સાડીઓમાં પાલવ સિવી લેવાયેલો હોય છે.
ગુજરાતનાં પાટણનાં પટોળા પહેરીને મહિલાઓ જાજરમાન દેખાય છે. પટોળાની કિંમત રૂપિયા બેથીત્રણ લાખ જેટલી હોય છે. પટોળા પેટર્નની બજારમાં મળતી ડિઝાઈનર સાડીઓ ભારતના સાડી બજારમાં સૌથી વધુ કિંમતી ગણાય છે. આ પ્રકારની સાડીઓ પણ સીધી પહેરી શકાય તેવી રીતે સ્ટીચ થયેલી મળે છે અથવા જો સ્ટીચ કરેલી ન મળે તો તમે રેડીમેઈડ સાડીની જેમ તેને તૈયાર કરાવી શકો છો.
વિવિધ સ્ટાઈલમાં ઉપલબ્ધ
પૈઠણી, બનારસી, કલકત્તી, કાંજીવરમ, ઓરગંજા, બ્રાસો, બ્રોકેડ, બાંધણી, લહેરિયામાં મનપસંદ ડિઝાઈન અને પેટર્નમાં રેડીમેડ સાડી હવે માર્કેટમાં મળે છે. પારસી, ગુજરાતી, બંગાળી, દક્ષિણી સાડી વગેરેમાં રેડીમેડ સાડી હવે તો ઉપલબ્ધ હોય છે.