રિયાધઃ એક સમય હતો જ્યારે સાઉદી અરબમાં હિજાબ અને બૂરખા વગરની મહિલાની કલ્પના પણ થઇ શકતી નહોતી, પણ હવે સમય બદલાયો છે. ફાતિમા અલ જિમામ બ્લેક લેગિંગ્સ અને કેઝ્યુઅલ ટોપ્સ પહેરીને ફરવાનું પસંદ કરે છે. ફાતિમાના વાંકડિયા વાળ ખુલ્લા રહે છે. તેની પાસે સિલ્વર પિકઅપ ટ્રક છે. ફાતિમા તેમાં એકલી સાઉદી અરબના રણ વિસ્તારમાં ફરે છે. એક ટૂર ગાઇડના રૂપમાં તે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, ચીન અને અન્ય દેશોના લોકોને પોતાના દેશની સહેલગાહ કરાવે છે. 34 વર્ષની અલ જિમામ સાઉદી અરબમાં જોવા મળી રહેલા મોટા પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.
લાંબા સમયથી રુઢિચુસ્ત દેશ તરીકે ઓળખાતા સાઉદી અરબે 2019થી બિનધાર્મિક પ્રવાસનને ૫૨વાનગી આપી છે. આ સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓને અનેક મામલે છૂટ મળી છે. સાઉદી અરબે પર્યટન પર મોટા દાવ લગાવ્યો છે. સરકાર 10 વર્ષમાં પ્રવાસન ઉદ્યોગ પર 80 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. 2030 સુધી દર વર્ષે 10 કરોડ પર્યટકોને આકર્ષિત કરવાનું લક્ષ્ય છે. અલ જિમામ કહે છે કે, એક સમયે ક્રૂડ ખતમ થઇ જવાનું છે. એટલે જ ખેતી, સોલર એનર્જી, પ્રોજેક્ટમાં રોકાણ કરાય છે. દેશમાં અનેક મહિલા ટૂર ગાઇડ કામ કરી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ ટૂરિસ્ટ ગાઇડની તાલીમ લઇ રહી છે.
અલ જિમામ કહે છે કે સાઉદી અરબમાં મહત્તમ લોકો પર્યટકો પ્રત્યે ઉદાર છે. હું જે ક્લાસમાં ટૂરિસ્ટ ગાઇડની ટ્રેનિંગ લઇ રહી હતી, ત્યાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં બમણી હતી. યુરોપની ટૂરિઝમ કોલેજમાં તાલીમ માટે લોકોને મોકલાયા છે. હું શહેરમાં બુરખો અને હિજાબ પહેરું છું, પણ રાજધાની રિયાધમાં સરકારી કાર્યાલય, કોર્ટ, પોલીસ સ્ટેશન અથવા મસ્જિદને છોડીને કોઇ પણ અન્ય સ્થળે અબાયા (બુરખો) પહેરતી નથી.