રિયાધ: મહિલા અધિકારોના મામલે સાઉદી અરેબિયાનો ઇતિહાસ ખરડાયેલો રહ્યો છે. અને તેમાં હવે વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. સાઉદી અરેબિયામાં તંત્ર સામે ટ્વિટ કરનારી મહિલાને 34 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. સલમા - અલ - શેહબાબ નામની યુવતીનો ગુનો માત્ર એટલો જ છે કે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વિટ-રિટ્વિટ કર્યા હતા.
સલમાએ આ ઉપરાંત જેલમાં બંધ એક્ટિવિસ્ટ લોજન - અલ - હેથોલ સહિત ઘણી અન્ય મહિલા કાર્યકરોને છોડી મૂકવાની તરફેણ કરી હતી. સાઉદી સરકારે આ ‘ગુના’ બદલ સલમાન પર ટ્વિટરના માધ્યમથી લોકોમાં અશાંતિ ફેલાવવાનો તેમ જ તેમની ટ્વિટથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો સર્જાયો હોવાનો આરોપ મૂકાયો છે. સાઉદી ટેરરિઝમ કોર્ટે આ પછી સલમાને 34 વર્ષની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે શિયા મુસ્લિમ સલમાની ધરપકડ જાન્યુઆરી 2021માં સાઉદી અરેબિયામાં થઈ હતી. જ્યાં તે રજાઓ ગાળવા આવી હતી. તે બ્રિટનમાં રહેતી હતી અને યુનિવર્સિટી ઓફ લીડ્સમાં પીએચડી કરી રહી હતી.
સલમાના બે સંતાન છે જેમાંથી એકની ઉંમર 6 અને બીજાની 4 છે. આ પહેલાં તેણે છ વર્ષ કેદની સજા ફટકારાઈ હતી, પણ સોમવારે સાઉદી કોર્ટે તેમની સજા વધારીને 34 વર્ષ કરી નાંખી છે. સલમાની 34 વર્ષની સજા પૂરી થયા બાદ તેના પર 34 વર્ષનો પ્રવાસ પ્રતિબંધ લાગુ થશે. આમ તેની જિંદગીનો મોટો ભાગ સરકારની નજર તળે જ પૂરો થશે.
સલમાએ એક્ટિવિસ્ટ લોજન - અલ - હેથોલની બહેન લીનાની ટ્વિટને રિ-ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં લીનાએ પોતાની બહેનને છોડી દેવાની માંગ કરી હતી. સલમાએ આ ઉપરાંત સાઉદી સાથે અસહમતિ દર્શાવનારા તે કાર્યકરોની ટ્વિટને પણ રિ-ટ્વિટ કરી હતી, જે નિર્વાસિત જીવન વીતાવે છે.