રિયાધ: એક સમયે મહિલાઓ પર આકરા નિયંત્રણો માટે જાણીતા સાઉદી અરેબિયામાં હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અહીં મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પરિવર્તનનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં મક્કાથી મદીના વચ્ચે બુલેટ ટ્રેનની મહિલા ડ્રાઇવરની 30 જગ્યા માટે અરજીઓ મંગાવાઇ હતી. તે માટે 28 હજાર મહિલાઓએ ફોર્મ ભર્યાં હતા. જોકે બુલેટ ટ્રેનનું સંચાલન કરતી કંપની રેનફે માટે મોટી સમસ્યા એ વાતે સર્જાઇ છે કે તેણે શૈક્ષણિક લાયકાત અને અંગ્રેજીના જ્ઞાનને વિશેષ પ્રાધાન્ય આપ્યું. પરિણામે 14 હજાર ફોર્મ પ્રારંભે જ રદ થઇ ગયા. પસંદ થનારી ૩૦ મહિલા ચાલકને 1 વર્ષની ટ્રેનિંગ બાદ બુલેટ ટ્રેન ચલાવવા નિમણૂક અપાશે. રેનફે કંપનીનું કહેવું છે કે અત્યાર સુધી બુલેટ ટ્રેનનું સંચાલન પુરુષ ચાલકો દ્વારા જ થતું રહ્યું છે, પણ થોડા સમય અગાઉ કંપનીએ બુલેટ ટ્રેનનું સંચાલન મહિલાઓને પણ સોંપવાનો નિર્ણય લીધો.
ઉલ્લેખનીય છે કે 2018 સુધી સાઉદીમાં મહિલાઓને કાર ડ્રાઇવિંગની પણ મંજૂરી નહોતી. પાંચ વર્ષમાં દેશના વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ ગઇ છે. હાલ કુલ વર્કફોર્સમાં 33 ટકા મહિલાઓ છે. સાઉદી મહિલા અધિકારો મામલે અત્યાર સુધી ઘણું રૂઢિચુસ્ત ગણાતું હતું. 2021ના આંકડા મુજબ સાઉદીમાં મહિલાઓમાં બેરોજગારી દર ત્રણ ગણો થયો છે પણ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રયાસ જારી છે. સાઉદીમાં રાજકુમાર સલમાને સત્તા સંભાળ્યા બાદ મહિલા અધિકારો મામલે અનેક ફેરફારો કરાયા છે.
25 લાખ મહિલાને કાર ડ્રાઇવિંગ લાઇસન્સ
સાઉદીમાં અત્યાર સુધીમાં અંદાજે 25 લાખ મહિલાઓને કાર ડ્રાઇવિંગ લાઇસન્સ મળી ચૂક્યું છે. દેશની કુલ વસતી સાડા ત્રણ કરોડ છે. સાઉદીમાં મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનું શરૂ થતાં ત્યાંની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થયો છે. 2025 સુધીમાં દેશમાં કાર્સનું વેચાણ 9 ટકાના દરે વધવાનો અંદાજ છે.