જેદ્દાહ: સાઉદી અરેબિયામાં વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ હવે ઝડપભેર પદાર્પણ કરી રહી છે. છેલ્લા ૪ મહિનામાં જ ૩૦ હજાર મહિલાઓને કોમર્શિયલ રજિસ્ટ્રેશન જારી કરાયાં છે, જે જથ્થાબંધ કે છૂટક વેપાર, મોટર વ્હીકલ રિપેરિંગ, કેટરિંગ, બાંધકામ સહિતના વિવિધ ક્ષેત્રોનાં છે.
અલ અરેબિયા ન્યૂઝ વેબસાઇટે સાઉદીના વાણિજ્ય મંત્રાલયને ટાંકીને આ માહિતી આપી છે. આ ઝડપી વૃદ્વિ ગત વર્ષનો જ ટ્રેન્ડ આગળ વધારતી દેખાઇ રહી છે. ૨૦૨૦માં સમગ્ર વર્ષ દરમિયાન એક લાખ રજિસ્ટ્રેશન જારી કરાયાં હતાં. સાઉદીમાં ઉદારવાદના માહોલના પગલે એવાં ઘણાં ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે કે અત્યાર સુધી પરંપરાગત રીતે પુરુષોનાં પ્રભુત્વવાળાં ગણાતાં હતાં. આ સાથે ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ કેપીએમજીએ પણ તેના સર્વેમાં પહેલી વાર સાઉદીનાં ફીમેલ લીડર્સને સામેલ કર્યાં છે. ગત વર્ષે કરાયેલા આ સર્વેમાં સાઉદી અરેબિયા સહિત બાવન દેશની ૬૭૫ વુમન લીડરને આવરી લેવાઇ હતી. સાઉદીના પ્રથમ મહિલા ભાગીદાર ખાલૌદ મઉસાનું કહેવું છે કે કોરોના મહામારીમાં ડિજિટાઇઝેશન વધારવામાં મદદ મળી તેનાથી ઘણાં ક્ષેત્રોમાં તેજી આવી છે. સર્વેમાં ૪૭ સાઉદી વુમન લીડરે જણાવ્યું હતું કે મહામારીથી ડાઇવર્સિટી તથા ઇન્કલુઝનની ગતિમાં કોઇ ફરક નહીં પડે.
સાઉદી અરેબિયાના લેબર માર્કેટના સર્વે મુજબ ૨૦૨૦ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાવસાયિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધીને ૩૧.૩ ટકા થઇ હતી. ૨૦૧૯ના અંતમાં તે ૨૬ ટકા હતી. છેલ્લાં પાંચ વર્ષમાં તો આ આંકડો બમણો થઇ ગયો છે. સાઉદી શાસકોએ ઉદારીકરણના આરંભે ૩૦ ટકા મહિલા ભાગીદારીનું જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, એ તેણે ૧૦ વર્ષ વહેલું પ્રાપ્ત કરી લીધું છે.