રિયાધઃ વર્ષોપુરાણાં રૂઢિચુસ્ત બંધનોને હળવાં કરી રહેલાં સાઉદી અરેબિયાના શાસકોએ મહિલા સશક્તિકરણના ક્ષેત્રે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવે દેશની મહિલાઓને પબ્લિક ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. એટલું જ નહીં, આ નિર્ણય લાગુ પણ થઇ ગયો છે. પૂર્વના પ્રાંતમાં અલ-અશા રાજ્યમાં મહિલાઓ પબ્લિક ટેક્સી ચલાવતી જોવા મળી રહી છે. વર્ષોથી સંકુચિત કાયદાઓમાં જકડાયેલા સાઉદી આરબના ઇતિહાસમાં હવે પહેલી જ વખત સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં એક પછી એક પગલાં લેવાઇ રહ્યા છે. એક પ્રયોગ તરીકે ૫૦૦ મહિલાઓને લીમોઝીન પબ્લિક ટેક્સીઓ ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. તેઓ દેશના દરેક ભાગમાં ડ્રાઇવિંગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પૂર્વે - ૨૦૧૮માં મહિલાઓ પર ડ્રાઇવિંગ કરવા સામેનો દાયકાઓ જૂનો પ્રતિબંધ રદ્દ કરીને તેમને ડ્રાઇવિંગની છૂટ આપવામાં આવી હતી. હવે ૧૭ વર્ષ ઉપરની કોઈ પણ યુવતી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવીને ડ્રાઇવિંગ કરી શકે છે. હવે સરકારે મહિલાઓને ટેક્સી ચાલક તરીકે કામ મંજૂરી આપી છે.
સરકારના પગલાંથી ખુશખુશાલ પબ્લિક ટેક્સી ચલાવનાર મહિલા મુનીરા-અલ-મર્રાએ જણાવ્યું હતું કે તેને ડ્રાઇવિંગ ખૂબ જ ગમતું હોવાથી તેણે આ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું છે. અલ-ઇકબારિયા નામની મીડિયા ચેનલના જણાવ્યા મુજબ મુનીરાને પિક-અપ્સ અને ભારે વાહનોના ડ્રાઇવિંગનો બહોળો અનુભવ છે. તે રસ્તામાં વાહન બગડી જાય તો રિપેર પણ કરી શકે છે. એન્જિન પણ રિપેર કરી શકે છે. હવે તે પોતાના મનગમતા કાર્ય થકી પરિવારની આર્થિક સદ્ધરતામાં વધારો કરી રહી છે.