સાડી પહેરવાની વિવિધ રીત અપનાવી બનો સ્ટાઈલિશ

Thursday 25th February 2021 00:50 EST
 
 

ભારતીય પરંપરામાં સાડીનો અનેરો મહિમા છે. લગ્નની મોસમ હાલમાં ચાલી રહી છે ત્યારે ખૂબ જ પરફેક્શન સાથે સાડી જેવા ટ્રેડિશનલ પોશાકને ખૂબ જ મહત્ત્વ પણ અપાય છે. વારે તહેવારે પ્રસંગે કેટલીક અભિનેત્રીઓ વિવિધ રીતે સાડી પહેરે ત્યારે આપણને પણ મનમાં ચોક્કસ એવો વિચાર તો આવે જ કે અભિનેત્રીઓ વિવિધ સ્ટાઈલમાં સાડી પહેરે તો આપણે કેમ નહીં? ખરેખર તો સાડી સ્ટાઈલિસ્ટનું એ કૌશલ હોય છે. સાડીને અલગ અલગ સ્ટાઈલમાં તેઓ પહેરાવી તેને કેરી કરવામાં પણ તેઓ મદદ કરે છે. એવું જરૂરી નથી કે તમે જે સ્ટાઈલથી સાડી પહેરે તેવી જ રીતે કાયમ પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. તમે તમારાં શરીરના કદ કાઠી અને પ્રસંગના અનુરૂપ સાડી પહેરવાની સ્ટાઈલની પસંદગી કરી શકો છો સાડી પહેરવાની અનેક રીતેમાંથી અત્યારે પ્રચલિત સ્ટાઈલમાં ફ્રી પાલવ સાડી, પિનઅપ સાડી, મુમતાજ સ્ટાઈલ, બંગાળી સાડી વગેરે પર તમે તમારી પસંદગી ઉતારી શકો છો. સાડી ભલે સદીઓથી ભારતમાં પહેરાતી આવી હોય પણ તેની પહેરવાની સ્ટાઈલ અલગ હોય તો તેનું ગ્લેમર જરા પણ ઓછું નથી થતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સાડી પહેરવાની સ્ટાઈલમાં પણ વિવિધ ફેરફાર થતાં ગયા અને સાડીનું આકર્ષણ અને સૌંદર્ય વધતાં જ ગયા.

ઉપયોગી ટિપ્સ

• સાડી પહેરતી વખતે ખોટી ઉતાવળ ન કરો. તેના માટે યોગ્ય સમય ફાળવો અને ધીરજથી સાડી પહેરો. સાડીનું મુખ્ય આકર્ષણ તેની પાટલીઓ જ છે તે જ તમારા કમર નીચેના ભાગને શોભાવે છે. તમારે સાડીને બસ લપેટી લેવાની નથી. સાડી પહેરતી વખતે તેની પાટલી ધ્યાનથી એક જ સાઈઝની હોય તેમ પરફેક્ટ રીતે વાળો. તે જ તમને એલિગન્ટ લુક આપશે નહીંતર તમારો દેખાવ મેસી લાગશે.
• જો તમારી સાડીમાં કિનારી અને પાલવ હેવિ અને જુદા તરી આવતાં હોય તો તે દેખાય તે રીતે સાડી બાંધો. ખૂબ જ હેવિ પાલવ હોય તો દક્ષિણી સ્ટાઈલથી સાડી પહેરો અને પાલવ છુટ્ટો રાખો. જો ગુજરાતી સ્ટાઈલથી સાડી પહેરો તો પાલવની પાટલી સહેજ મોટી રાખોતો જ તમારો પાલવ આકર્ષક લાગશે. જો પાલવ છુટ્ટો રાખવાના હો તો તેની લેન્થ પણ થોડી લાંબી રાખવી. ઘણા લોકો સાડીનો પાલવ ખૂબ જ ટૂંકો રાખતા હોય છે. જે સાડીના આકર્ષણને ખતમ કરી નાંખે છે.
• ઘણા લોકોને સાડી ઊંચી પહેરવાની આદત હોય છે જે બિલકુલ બરાબર નથી. જોકે તે જમીન પર ઢસડાય તેટલી નીચી પણ ન પહેરવી જોઈએ. તમે કેટલીક અભિનેત્રીઓને સાડીમાં જોઈ હશે તો તેઓ કમરથી ઘણી નીચી સાડી પહેરે છે અને તેમને શોભે પણ છે. જોકે તેઓ સાડી સ્ટાઈલિસ્ટ પાસે તૈયાર થયા હોય છે તેથી કઈ રીતે સાડી કેરી કરવી તે બાબતે કેટલાક સેફ્ટી મિઝર્સ પણ ફોલો કર્યાં હોય છે. જોકે તમારે તેટલી નીચી સાડી પહેરવાનું જોખમ ન લેવું જોઈએ. તમારે તમને શોભે તેટલી હાઇટ પર સાડી પહેરવી. જેથી કરીને તમે તેમાં આકર્ષક અને એલિગન્ટ લાગો.
• ઘણા લોકો પોતાની સાડીમાં એટલી બધી સેફ્ટી પીન લગાવે છે કે જેનાથી ક્યારેક ઊઠતાં - બેસતાં સાડી ખેંચાય છે તેથી સાડી પહેરીને કરવાના કામ વિશે વિચારી રાખો અને એ પ્રમાણે સાડી પીન અપ કરો. તમારે તમારી સેફ્ટી તેમજ તમારી સાડીની સંભાળ બન્નેને ધ્યાનમાં રાખીને સાડી પહેરવાની છે તેથી જરૂર જણાય તેટલી સેફ્ટી પીન લગાવવી પણ સાથે તમારી સુંદર સાડી ફાટી ન જાય તેનું પણ ધ્યાન રાખવું.
• સાડી પહેરવામાં જેટલું મહત્ત્વ સાડીનું છે તેટલું જ મહત્ત્વ સાડીના બ્લાઉઝનું છે. ઘણીવાર સાડીની કિંમત કરતાં પણ સાડીના બ્લાઉઝમાં થયેલા વર્ક અને સિલાઈની કિંમત વધી જાય છે. એનું કારણ એ પણ હોય છે કે બ્લાઉઝ અત્યંક આકર્ષક રીતે બનાવવાનો આગ્રહ મહિલા દ્વારા રાખવામાં આવે છે. બ્લાઉઝ ડિઝાઈન કરાવતી વખતે તેના ફિટિંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારું બ્લાઉઝ હેવિ વર્ક ધરાવતું હોય તો તે એકદમ ફિટ ન સિવડાવવું. જો તમને ખૂબ જ ફિટ બ્લાઉઝ પસંદ હોય તો સહેજ લાંબુ સિવડાવી બ્લાઉઝમાં સાઈડમાં કટ કરાવવો જેથી તમે ફિટ બ્લાઉઝ પણ સિવડાવી શકશો અને સાઈડ કટના લીધે ફિટિંગ પણ સારું રહેશે.
• ઘણા લોકો સાડીની નીચેના બોટમવેર એટલે કે ચણિયાની પસંદગીમાં થાપ ખાય છે. જે વસ્તુ વધુ દેખાવાની નથી હોતી તેના પર તેઓ વધારે ધ્યાન નથી આપતા એવું જ ચણિયા માટે કેટલીક માનુનીઓને હોય છે, પરંતુ સાડીને અનુરૂપ ચણિયો પહેરવો પણ ખૂબ જ જરૂરી હોય છે. આજે વિવિધ પ્રકારની સાડી બજારમાં ઉપલબ્ધ છે તેની સાથે ચણિય પણ અનેક પ્રકારના મળે છે. શિફોનના પાતળા કાપડથી માંડીને સાઉથ સિલ્ક સુધીના મટીરિયલના ચણિયા બજારમાં મળે છે. જો તમારે તમારી સાડીની શોભા ઘટાડવી ન હોય તો પરફેક્ટ મેચિંગનો પ્રોપર ફિટિંગવાળો ચણિયો પહેરવાનું રાખો.
• તમારે એવું ન સમજવું કે સાડીથી પગ ઢંકાઈ જશે તો ગમે તે ચંપલ ચાલશે, પણ લગ્ન પ્રસંગે, તહેવારે, પાર્ટીમાં કે ઓફિસે આકર્ષક ચંપલની પેર સાડી સાથે પહેરવા પસંદ કરવી. સાડી પહેર્યા બાદ તમારા ચંપલ - સેન્ડલ ન દેખાવા જોઈએ, પણ તમે ચાલો ત્યારે અચૂક ચંપલ સેન્ડલ દેખાય છે તેથી તે પણ સાડી સાથે શોભે એવાં હોવા જોઈએ. જો તમે હાઈ હીલ્સ પહેરવાના હો તો તે પહેરીને જ સાડી પહેરો નહીંતર તમારી સાડી બહુ જ ઉંચી લાગશે. સાડી સાથે તમે થોડા હીલવાળા સેન્ડલ પસંદ કરી શકો છો અથવા તો કોલ્હાપુરી ચપ્પલ પણ ક્યારેક સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે.

• જો તમે કોઈ ઓફિસ ફંક્શનમાં ખૂબ જ સ્ટાઈલિશ લુક માગતા હો તો ધોતી સ્ટાઇલ સાડી કે પછી સારી વિથ જેકેટ પહેરી શકો છો. મિરર વર્કના શ્રગ સાથે સાડી પહેરવાથી હેવિ લુક મળશે.
• પ્લેન સાડી હોય એને તમારે હેવિ બનાવવી હોય તો માર્કેટમાં મળતા પેચ પાલવ – કિનાર કે પાટલી પર લગાવીને સાડીને હેવિ બનાવી શકો છો.
• આજકાલ જરદોશી, ગોટા, મિરર, મોતી, સળી, ટીકી, કુંદન, સ્ટોન સહિતના ઘણા પ્રકારના વર્ક ફેશનમાં છે. તમે પણ તમારી સાડી પ્રમાણે તેમાં લાઈટથી હેવિ વર્ક કરાવી શકો છો.
• તમારી સાડીની સુંદરતા વધારવા પ્રિન્ટેડ સાડીમાં ચોટાડવાના સ્ટાર્સ કે ડાઈમન્ડ લગાવો અ ઉપરાંત તમારી સાડીને બંધેજ કરાવીને વર્ક કરીને તમે તેને એક જુદું રૂપ આપી શકો છો.
• નેટની સાડી આજકાલ ખૂબ પ્રચલિત છે. નેટ પર મનપસંદ ડિઝાઈનમાં વર્ક કરીને તેને નવું લુક આપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter