લગ્નની સિઝન ફુલબહાર ચાલી રહી છે. સ્વાભાવિક છે કે આ પ્રસંગે હાજરી આપવાની હોય ત્યારે દરેક યુવતી સૌથી અલગ, સૌથી સુંદર અને રોયલ દેખાવ ઇચ્છતી હોય છે. જોકે દર વખતે નવી સાડી ખરીદવી શક્ય હોતી નથી. આ સ્થિતિમાં તમે સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરીને નવો લુક મેળવી શકો છો. અમુક કલર કોમ્બિનેશન એવા છે જે, તમારા લુકને ગોર્જિયસ લુક આપશે. આ કોમ્બિનેશન્સ નવા અને અલગ જ છે. તો તમે પણ બોલિવૂડ સેલેબ્સની જેમ કંઇક નવું ટ્રાય કરો.
ગોલ્ડન એન્ડ પિંક
જે લોકો સાડી પહેરવાના શોખીન હોય અથવા ક્યારેક પ્રસંગોપાત સાડી પહેરવાનું પસંદ કરતાં હોય તેમની પાસે પણ ગોલ્ડન બ્લાઉઝ જરૂર હોવો જોઈએ. ગોલ્ડન બ્લાઉઝ મોટા ભાગની તમામ સાડી સાથે કેરી કરી શકાય છે. કોઇ પણ ડાર્ક સાડીની સાથે ગોલ્ડન બ્લાઉઝ તમને ગોર્જિયસ લુક આપશે.
ગ્રીન એન્ડ પર્પલ
આમ જોવા જઈએ તો ગ્રીન અને પર્પલનું કોમ્બિનેશન થોડું ઓડ છે, પરંતુ પહેરવામાં તે એકદમ આકર્ષક લાગે છે. ગ્રીન કલરની સાડી સાથે પર્પલ કલરનું હોલ્ટર નેક બ્લાઉઝ કેરી કરી શકો છો. હોલ્ડર નેક બ્લાઉઝ ન પહેરવું હોય તો તમે તમારી મનગમતી ડિઝાઈન બ્લાઉઝમાં કરાવી શકો છો. આ વર્ષે આ કોમ્બિનેશનમાં તમે યુનિક લાગશો.
બ્લૂ એન્ડ ગ્રીન
ડિફરન્ટ કોમ્બિનેશન ક્યારેક ક્યારેક તમારા સમગ્ર લુકને ચેન્જ કરી દે છે. આ ફેસ્ટિવલ સીઝનમાં તમે કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો કોઇ પણ સ્ટાઇલિશ પેટર્નના બ્લૂ બ્લાઉઝ સાથે ગ્રીન કલરની સાડી ટ્રાય કરો. બ્લૂની જગ્યાએ ગ્રીન કલરનું બ્લાઉઝ અને બ્લૂ કલરની સાડી પણ કેરી કરી શકો. બ્લૂ એન્ડ ગ્રીનના કોમ્બિનેશનમાં તમે છવાઈ જશો.
ગોલ્ડન સિક્વન્સ એન્ડ નેવી
બ્લૂ સિક્વન્સ વર્કને સાડી ઓલટાઈમ હોટ ફેવરિટ છે, પરંતુ આજકાલ સિક્વન્સ વર્કનું બ્લાઉઝ ઇન ટ્રેન્ડ છે. તેથી તમારા કલેક્શનમાં એક ગોલ્ડન સિક્વન્સ બ્લાઉઝ જરૂર રાખવું જોઈએ. આમ જોવા જઈએ તો આ કલર અને ફેબ્રિકનાં બ્લાઉઝ દરેક ડાર્ક કલર સાથે સારાં લાગે છે, પરંતુ નેવી બ્લૂ કલરની સાથે એનો લુક કમાલનો લાગે છે.
બ્રાઇટ યલો એન્ડ પિંક
ફેસ્ટિવલ હોય કે નાનો-મોટો પ્રસંગ હોય એમાં બ્રાઈટ કલર્સ હંમેશાં યુનિક લુક આપે છે. આવી સ્થિતિમાં તમે તમારું કોમ્બિનેશન જાતે બનાવો. બ્રાઇટ યલોની સાથે લાઈટ અથવા તો બ્રાઈટ પિંક કલરનું કોમ્બિનેશન સારું લાગે છે.
રેડ એન્ડ ગ્રીન
જો તમે પ્રસંગમાં રોયલ લુક ઇચ્છતા હો તો ટ્રેડિશનલ કોમ્બિનેશન રેડ એન્ડ ગ્રીન અપનાવી શકો છો. આ કલર કોમ્બિનેશન દરેક ઉંમરની મહિલાઓ પર સારું લાગે છે. રેડ સાડી સાથે ગ્રીન બ્લાઉઝ કેરી કરી શકો છો. આ કોમ્બિનેશનમાં તમે ઇન્ટર ચેન્જ પણ કરી શકો છો.