હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું જ એક સફળ વ્યક્તિત્વ છે. એમાં વિનીતા સિંહનો સમાવેશ થાય છે. મધ્યમ પરિવારમાં ઉછરેલી હોવા છતાં એક સમયે એક કરોડ રૂપિયાના તગડા પગાર સાથેની જોબનો અસ્વીકાર કરીને નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કરનાર વિનીતા સિંહ આજે આશરે 800 કરોડ રૂપિયાની કંપની સુગર કોસ્મેટિક્સના સીઈઓ છે.
વર્ષ 1983માં ગુજરાતના આણંદ શહેરમાં વિનીતાનો જન્મ થયો હતો. તેમના પિતા તેજ સિંહ ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) - નવી દિલ્હીમાં સાયન્ટિસ્ટ છે. જ્યારે માતા જોબ કરતા હતા. પિતા દિલ્હીમાં હોવાથી સ્કૂલનો અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો. નાનપણથી માતાપિતા તેને અભ્યાસ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતાં હતાં. વિનીતા ભલે બિઝનેસમેન પરિવારમાં જન્મી ન હોય પણ તે બિઝનેસ કરવાનું સપનું જોતી હતી. ભણવામાં હોંશિયાર એવી વિનીતાએ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) - મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં ડિગ્રી મેળવી. તેણે ધાર્યું તો એન્જિનિયર બન્યા બાદ સારી કંપનીમાં જોબ કરી શકે એમ હતી. જોકે વિનીતાને આટલેથી સંતોષ નહોતો. તેને તો ઊંચી છલાંગ મારવી હતી. આથી તેણે એશિયાની સર્વશ્રેષ્ઠ બિઝનેસ મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) - અમદાવાદમાંથી એમબીએ કર્યું.
વિનીતા આઇઆઇએમમાંથી એમબીએ કરી રહી હતી ત્યારે પ્લેસમેન્ટ દરમિયાન તેને એક કરોડ રૂપિયાના પેકેજની ઓફર થઈ હતી, પરંતુ તેણે આ પેકેજનો અસ્વીકાર કર્યો. એક કરોડ રૂપિયાનું મોટું સેલેરી પેકેજ કોલેજમાં બેઠાં બેઠાં મળતું હોય તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ તેને નકારે. જોકે આ તો વિનીતા હતી. તેને કંઈક નવું કરવું હતું. તેના આ નિર્ણયની ચર્ચા આખી કોલેજમાં થઇ હતી.
સામાન્ય પરિવારમાં જન્મેલી વિનીતા કંઈક નવું કરવા ઇચ્છતી હતી તેથી તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાની દિશામાં એક ડગ માંડ્યું. તેણે એક બ્યુટી પ્રોડક્ટના સ્ટાર્ટઅપ સાથે પોતાના બિઝનેસની શરૂઆત કરી. તેણે પોતાની પ્રોડક્ટ્સને ઓનલાઇન માધ્યમથી વેચવાનું ચાલુ કર્યું. આ ઉપરાંત તેણે લિપસ્ટિક અને મહિલાઓનાં સૌંદર્ય પ્રસાધનોને લગતી પ્રોડક્ટ્સ બનાવવા ઉપર ફોકસ કર્યું. 2019ની આસપાસ તેણે ઉત્તર ભારતમાં પોતાનો પહેલો સ્ટોર ઓપન કર્યો. આજે 130 શહેરોમાં તેના 2500 કરતાં પણ વધારે આઉટલેટ છે. એક નાના સ્ટાર્ટઅપથી શરૂ કરીને આટલા ઊંચા મુકામે પહોંચેલી વિનીતા સિંહ કહે છે કે આજે તેમની કંપનીની વેલ્યૂએશન આશરે 3000 કરોડ રૂપિયા છે. તેમની કંપનીની 45 ટકા રેવેન્યુ ઓનલાઇન માધ્યમથી, 45 ટકા રેવન્યુ રિટેલ આઉટલેટ્સથી અને 10 ટકા રેવન્યુ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આવે છે. લિપસ્ટિક અને આઇલાઇનરથી બનનારી સુગર કોસ્મેટિકે થોડાક જ દિવસોમાં બીજી બ્યુટી બ્રાન્ડ્સને ટક્કર આપી છે. આજે બજારમાં અનેક કંપનીઓની પ્રોડક્ટ સરળતાથી મળી રહેતી હોવા છતાં વિનીતાની કંપનીએ મહિલાઓના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે.
વર્ષ 2021માં વિનીતા સિંહ શાર્ક ટેન્ક ઇન્ડિયા સિઝન એકમાં જજ તરીકે જોવા મળી હતી. શાર્ક ટેન્ક ઇન્ડિયા બિઝનેસ રિયાલિટી ટેલિવિઝન શો છે. આ શો નવા વ્યવસાયિક વિચારો અને નવા સંસ્થાપકોને તક આપે છે. વિનીતા સિંહે આઇઆઇએમમાં તેની સાથે જ અભ્યાસ કરતાં મિત્ર કૌશિક મુખરજી સાથે લગ્ન કર્યાં છે અને તેમને બે સંતાનો છે.
આજ સુધીમાં સ્ટાર્ટ અપ ઓફ ધ યર એવોર્ડ, ધ ઇકોનોમિક ટાઇમ્સ 40 અન્ડર 40 સહિત અનેક એવોર્ડથી સન્માનિત વિનીતા વર્ષ 2021માં ‘ફોર્બ્સ’ની મોસ્ટ પાવરફુલ વુમન બિઝનેસમેનની યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે. અને હા, તેને માત્ર બિઝનેસમાં જ રસ છે એવું નથી. તે પોતાના તન-મનને ચુસ્ત દુરસ્તા રાખવા માટે વિવિધ મેરેથોન દોડ અને સાઇકલિંગ કાર્યક્રમોમાં પણ ભાગ લેતી રહે છે.