ન્યૂ યોર્ક: ‘એક દિવસ હું અમેરિકાના કનેક્ટિટ એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. તે સમયે બે વર્ષની દીકરી ક્લેર્ક પણ સાથે હતી. દીકરી પાણી પીવાની જીદ કરી રહી હતી એટલા માટે બોટલ ખરીદવા માટે સ્ટોર પર ગઈ અને દીકરીને કાઉન્ટર પર બેસાડી દીધી. આ દરમિયાન એક અજાણી મહિલા આવી અને સ્મિત કરતા કહેવા લાગી કે લાગે છે કે તમે આ બાળકીનાં દાદી છો ને... મારા પણ ચાર પૌત્ર-પૌત્રી છે. ખૂબ જ સુંદર લાગે છે તમારી પૌત્રી. મસ્તીખોર પણ છે. તેમની આ વાત સાંભળી મેં હસીને જવાબ આપ્યો કે આ મારી દીકરી છે, પૌત્રી નહીં. જીવનમાં પહેલીવાર હતું જ્યારે કોઈએ મને મારી દીકરીની દાદી સમજી લીધી હતી. ખરેખર આ સમાજનું એ સત્ય છે જેની સામે આજે એક મોટો વર્કિંગ ક્લાસ ઝઝૂમી રહ્યો છે.’ આ શબ્દો છે વ્યવસાયે સંગીતકાર સારા ડાફરના.
સારા આજે ભલે ખુશખુશાલ જીવન માણતી હોય, પણ તેનો જીવનસંઘર્ષ પ્રેરણાદાયી છે. પહેલાં પહેલાં કેન્સરનું નિદાન, આર્થિક કટોકટી, પછી દારૂનું વ્યસન જેવા પડકારોને તેણે માત આપી છે.
સારા ડાફરે કહ્યું કે ૩૦ વર્ષ સુધી તો હું માતા જ બનવા માગતી નહોતી. ત્યારે મારું ધ્યાન અભ્યાસ પર હતું અને સંગીતકાર તરીકે યાત્રા કરવા પર હતું. ૩૫મા વર્ષે મને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. ત્યારે લાગ્યું કે બસ, હવે હું જીવતી નહીં બચું. મેં તેના વિશે કોઈને જણાવ્યું નહીં. કેન્સરના નિદાન સાથે જ મારી માતા બનવાની ઈચ્છા મરી ગઈ. સારવાર માટે હું મારાં માતા-પિતાની મેડિક્લેમ પોલિસી પર નિર્ભર હતી. આ સ્થિતિએ ડરાવી દીધી. મને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. તણાવમાં આવી દારૂ પીવા લાગી. ધીમે ધીમે લત લાગી ગઈ. હું ડિપ્રેશનમાં હતી. તેનાથી બચાવવા માતા-પિતાએ ઘણા પ્રયાસ કર્યા. સૌને લાગી રહ્યું હતું કે વધુ પડતા આલ્કોહોલના કારણે મારું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, પણ સાચું કારણ કેન્સર હતું.
એક સમયે મને સમજાતું કે જીવવું હશે તો સારવાર કરાવવી જ પડશે. ત્યારે ડોક્ટરને મળી અને મારી સારવાર સાથે કિમોથેરપી શરૂ થઈ. સર્જરીમાં એક સ્તન કાપી નાંખ્યું. જોકે આ દરમિયાન મારી પીવાની લત પણ છૂટી ગઈ. નવજીવન સાથે હું ભાગ્યશાળી હતી કે મને સારો જીવનસાથી મળ્યો. તેણે ઉત્સાહ વધારતા કહ્યું કે તારે માતા બનવું જ જોઈએ. અને મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું.
ડોક્ટરોની સલાહ લીધી તો તપાસમાં જાણ થઈ કે ૪૨ની વય હોવાથી મારી પ્રજનનક્ષમતા બચી નહોતી. આથી ડોક્ટરોએ કહ્યું કે આઈવીએફ ટેક્નોલોજીની મદદ લેવી જોઈએ. હું તૈયાર થઈ ગઈ. એગ ડોનેશન માટે એક યુવતીની મદદ લીધી. આ રીતે મને માતૃત્વનું સુખ પ્રાપ્ત થયું.
આજે ૫૪ વર્ષીય સારા કહે છે કે હવે હું એક કોલેજમાં પ્રોફેસર છું. ખુદને વધારે સંયમિત અને સહનશીલ માનું છું. આજે હું એ તમામ મહિલાઓને મળવા અને તેમને સમજાવવાનો પ્રયાસ કરું છું જે મારી રીતે માતૃત્વસુખ પ્રાપ્ત કરવા માગે છે. સાથે જ તેમને મોડેથી માતા બન્યા બાદ સમાજના દૃષ્ટિકોણ વિશે જણાવું છું, જેથી ક્યારેક એરપોર્ટવાળી ઘટના તેમની સાથે બને તો તે વિચલિત કે હીનતાનો શિકાર ન બને.