પૂણેઃ બારામતીથી ૨૮ કિમી દૂર એક ગામ છે ઇન્દાપુર. ગામની સાસુ અને પુત્રવધૂ વચ્ચે કમાણીની અનોખી સ્પર્ધા શરૂ થઈ છે. સાત મહિલાઓના એસએજી (સ્વ-સહાય જૂથ) છે જે અડદની દાળના પાપડ બનાવવાનું કામ કરી રહી છે. આ વિસ્તારમાં તેમના પાપડની એટલી માંગ છે કે એક મહિનામાં નજીકમાં આવેલી શારદા નગર કોલેજના મેસમાં૪૦૦ કિલો સુધીના પાપડ વેચાય છે. જૂથની સાત મહિલા વૃદ્ધ છે. તેમને કમાતા જોઈને હવે ગામની વહુઓએ પણ એક જૂથ બનાવ્યું છે, જે ચોકલેટ અને કેક બનાવે છે. સાસુ કહે છે કે વહુ ગમે તેટલી ફેશનની ચીજ બનાવે તો પણ, અમારી કમાણી વધારે રહેશે.
સપ્તાહમાં ૩ દિવસ કામ કરતી પાપડ બનાવતી ૭ મહિલાઓ વાર્ષિક કુલ રૂ. ૭ લાખ કમાય છે. તેઓએ રાજમાતા પાપડ યુનિટ બનાવ્યુ છે. જ્યારે પૂત્રવધૂઓએ સ્વામી સામર્થ્ય નામથી એસએજી બનાવ્યુ છે. જેના કો-ઓર્ડિનેટર અને ગામમાં જ રહેતાં રાહુદ ગુરૂજી જણાવે છે કે, કોનુ જૂથ કેટલા રૂપિયા કમાવે છે તે વિશે સાસ-વહુ વચ્ચે હરિફાઇ ચાલી રહી છે. જે સારી બાબત છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ગામની સાસુ અને વહુઓ માટે કંકાસ, ઝઘડો કે એકબીજા સાથે દુઃવ્યવહાર કરવાનો સમય ન રહે. મહામારીના સમયમાં જ્યારે પુરૂષો પાસે કોઈ કામ ન હતું. ત્યારે મહિલાઓએ આખા ઘરની જવાબદારી લીધી. શારદા મહિલા સંઘ અંતર્ગત રચાયેલા આ જૂથના કન્વીનર રાજારામ નાગરે કહે છે કે, બારામતીમાં આવા ૨૦૦ જૂથો છે જે કંઈક ને કંઈક બનાવી રહ્યા છે અને તેનું માર્કેટિંગ જાતે કરી રહ્યા છે.