સિડની: ઓસ્ટ્રેલિયાની મહાન ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે અનોખી રીતે સન્માનિત કરાઇ છે. સ્ટેડિયમમાં વોક ઓફ ઓનરમાં બેલિન્ડાના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે જેનું સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે. બેલિન્ડા વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન છે, જેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ 1997 તથા 2005માં ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટના વિકાસમાં બેલિન્ડાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.
બેલિન્ડા એસસીજીની મૂર્તિકલા યોજનાની 15મી સભ્ય છે. તે ચેમ્પિયન સ્પ્રિન્ટર બેટ્ટી કેથવર્ટ અને માર્લોન મેથ્યૂઝ બાદ ત્રીજી મહિલા એથ્લીટ છે. 23 વર્ષની વયે બેલિન્ડાએ કેપ્ટનશિપ સંભાળી હતી અને તેણે 12 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું.
2005માં નિવૃત્તિ લેનાર બેલિન્ડાએ 118 વન-ડેમાં 47.49ની એવરેજથી 4,884 રન બનાવ્યા હતા. તેણે કારકીર્દિ દરમિયાન પાંચ સદી અને 30 અડધી સદી નોંધાવી હતી. બેલિન્ડાએ 15 ટેસ્ટમાં 45.95ની એવરેજથી 919 રન બનાવ્યા હતા જેમાં બે સદી અને છ અડધી સદી સામેલ છે. તેને વિઝડન ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકી છે.