સિનેમાની પ્રથમ ગ્લેરમસ ગર્લ : સુરૈયા

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 23rd April 2025 05:40 EDT
 
 

તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની
મૈં તેરા રાગ તૂ મેરી રાગિની..
આ ગીત સાંભળ્યું છે ને? ૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘દિલ્લગી’નું સુરૈયાએ સૂરીલા સ્વરે ગાયેલું આ કર્ણપ્રિય ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત ‘પ્યાર કી જીત’નું ‘ઓ દૂર જાનેવાલે..’ અને ‘મિર્ઝા ગાલિબ’નું ‘દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ’ જેવાં સુરૈયાને કંઠે ગવાયેલાં ગીતો પણ એટલાં જ મશહૂર છે. એ સિનેમાની પ્રથમ ગ્લેમરસ ગર્લ ગણાય છે. ‘મિર્ઝા ગાલિબ’ ફિલ્મમાં સુરૈયાને સાંભળીને દેશના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કહેલું કે, ‘તમે મિર્ઝા ગાલિબના આત્માને જીવંત કરી દીધો છે !’
સુરૈયાનો કંઠ તો સૂરીલો હતો જ, સાથે અભિનયનાં અજવાળાં પણ એમાં ભળેલાં.કેટલીક બહેતરીન ફિલ્મોમાં સુરૈયાએ કંઠનાં કામણ પાથરવાની સાથે અભિનયની કળા પણ દાખવેલી. રૂપેરી સૃષ્ટિમાં આ ગાયિકા-અભિનેત્રીએ કરેલા અણમોલ પ્રદાનને પગલે ભારત સરકારે સુરૈયાની સ્મૃતિમાં ૩ મે ૨૦૧૩ના પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
સૂરીલી સુરૈયાનો જન્મ ૧૫ જૂન ૧૯૨૯ના પંજાબના ગુજરાંવાલામાં થયેલો. માતાપિતાનું એકમાત્ર સંતાન હતી એ. જૂના જમાનાના મશહૂર ખલનાયક જહૂર સુરૈયાના કાકા હતા. એમને કારણે સુરૈયાનો સિનેમાપ્રવેશ થયો. ૧૯૩૭માં ‘ઉસને ક્યા સોચા’ ફિલ્મમાં પદાર્પણ કરીને સુરૈયાએ બાળકલાકારની ભૂમિકા ભજવી ૧૯૪૧માં શાળાની રજાઓમાં સુરૈયા મોહન સ્ટુડિયોમાં ‘તાજમહલ’ ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલી. એ વખતે નિર્દેશક નાનુભાઈ વકીલની નજર સુરૈયા પર પડી. એમણે મુમતાઝ મહલના બાળપણની ભૂમિકા માટે સુરૈયાની પસંદગી કરી લીધી. સુરૈયાએ એક મ્યાનમાં અભિનય અને ગાયનની બે તલવાર રાખી અને સફળતાથી રાખી. પ્યાર કી જીત, બડી બહન અને દિલ્લગીને ધૂમ સફળતા મળી. લોકોમાં ગજબની ઘેલછા હતી સુરૈયાની. જોકે સુરૈયા દેવ આંનદ પાછળ પાગલ હતી. સુરૈયા અને દેવ આનંદની ફિલ્મોને જ્વલંત સફળતા મળેલી. વિદ્યા, જીત, શાયર, અફસર અને સનમ જેવી ફિલ્મોમાં દેવ આનંદ સાથે જોડી જમાવીને સુરૈયા અભિનયના આસમાને પહોંચી ગયેલી. સિનેમાના પરદે દેવ આનદ સાથે જોડી જમાવ્યા પછી વાસ્તવિક જીવનને પરદે પણ દેવ સાથે જોડી જમાવવાનું સોહામણું સ્વપ્ન સુરૈયાએ જોયું. દેવ આનંદ અને સુરૈયાની પહેલી મુલાકાત વિદ્યાના સેટ પર થયેલી. બન્ને પ્રેમમાં પડ્યાં.
દેવ અને સુરૈયાને એમ કે એમની પ્રણયગાથા વિશે કોઈ જાણતું નથી, પણ ઝણકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.... પ્રેમઝાંઝર ઝણક્યાં અને બધાંને દેવસુરૈયાની પ્રેમકથા અંગે ખબર પડી ગઈ. વાતને પાંખ આવી અને સુરૈયાની નાની સુધી પહોંચી. એમણે દેવને પોતાને ઘેર આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. સુરૈયાની માતાને દેવ પસંદ હતો, પણ પોતાની માતા પાસે એમનું કાંઈ ન ચાલ્યું. સુરૈયાની નાનીનો દેવ સામેના વિરોધનું મુખ્ય કારણ એનો ધર્મ હતો. મુસ્લિમ સુરૈયા હિંદુ દેવને પરણે એ બાબત નાનીને સ્વીકાર્ય નહોતી, એથી એમણે સુરૈયા પર નિયંત્રણો લાદી દીધાં. દેવ અને સુરૈયાએ ફિલ્મના સેટ પર જ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. એમણે સેટ પર પંડિતજીને બોલાવ્યા. એક દ્રશ્યના ફિલ્માંકન વખતે પંડિતજીએ મંત્રોચ્ચાર શરૂ કરી દીધા. સુરૈયાના સહાયકે આ લગ્ન અંગે નાનીને જણાવી દીધું. સુરૈયાની નાની સેટ પર પહોંચી. એને ખેંચીને પોતાની સાથે ઘેર લઈ ગઈ. એ પછી નાનીના કહેવાથી સિનેજગત સાથે સંકળાયેલા લોકો સુરૈયાને દેવ સાથે લગ્ન ન કરવા સમજાવવા આવ્યાં.
દેવ સાથે લગ્ન એ જીવનની સૌથી મોટી ભૂલ ગણાશે એવું કહેવા લાગ્યા. નાની અને મામાએ દેવને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે સુરૈયાએ હથિયાર હેઠાં મૂક્યાં. ત્યાર પછી એ દેવને ક્યારેય ન મળી. દેવ આનંદે અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધાં, પણ સુરૈયા ક્યારેય ન પરણી. દેવ સુરૈયાના આત્મામાં સમાઈ ગયો. આખરે દિલમાં દેવની યાદો સાથે ૩૧ જાન્યુઆરી ૨૦૦૪ના સુરૈયાનું મૃત્યુ થયું. સુરૈયાએ ગાયિકા અને અભિનેત્રી તરીકે પોતાના નામને સાર્થક કરેલું. સુરૈયા નામનો અર્થ સુંદર, સમૃદ્ધ, વિનમ્ર અને શાનદાર થાય છે. નામ પ્રમાણે જ વિનમ્ર સુરૈયા સુંદર હતી, એનો સ્વર સૂરાવલીથી સમૃદ્ધ હતો અને એનો અભિનય શાનદાર હતો !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter