બોર્ડર ફિલ્મ યાદ છે ?
આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધકાળમાં બનેલી સત્યઘટના પર આધારિત હતી. યુદ્ધ દરમિયાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ પર ૧૨૦ ભારતીય જવાનોએ રાતભર પાકિસ્તાનની ટોંક રેજીમેન્ટનો મુકાબલો કરેલો. આ સત્યઘટનાને આધારે ૧૯૯૭માં પ્રદર્શિત થયેલી ‘બોર્ડર’ ફિલ્મમાં સની દેઓલ અને જેકી શ્રોફ સહિતના કલાકારોએ અભિનયનાં અજવાળાં પાથરેલાં...આ ફિલ્મનું નામ પડતાં જ સહુના હોઠ પેલું ગીત ગણગણવા લાગે છે : સંદેશે આતે હૈં....
ચાર વર્ષની ઉંમરે એક બાલિકાએ પણ આ ફિલ્મ જોયેલી. ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોએ એના મનમાં ઘર કરી લીધું. થોડી મોટી થઈ ત્યારે બિકાનેરમાં સીમા સુરક્ષા દળના કામકાજની પદ્ધતિ નજીકથી જોવાનું થયું. સમજણી થઈ ત્યારથી જ એણે નક્કી કરી લીધેલું કે વર્દીવાળી સર્વિસમાં જોડાવું છે અને હાથમાં બંદૂક ઉઠાવવી છે. બોર્ડરની સુરક્ષા દ્વારા દેશસેવા કરવાના સંકલ્પરૂપી બીજ એના મનમાં વવાઈ ગયાં. સંકલ્પ એણે સાકાર પણ કર્યો. એ બાલિકા એટલે બીએસએફ - બોર્ડર સિક્યુરિટી ફોર્સના એકાવન વર્ષના ઇતિહાસમાં પહેલી મહિલા કોમ્બેટ ઓફિસર તનુશ્રી પારીક. વર્ષ ૨૦૧૪માં ભારતના સીમા સુરક્ષા દળની પ્રથમ મહિલા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને પહેલી મહિલા લડાકૂ અધિકારી તનુશ્રી પારીક...!
તનુશ્રીનો જન્મ રાજસ્થાનના બિકાનેરમાં સંયુક્ત પરિવારમાં થયેલો. પિતા ડૉ. જોશીએ તનુશ્રીનાં સપનાંને પાંખો આપી. તનુશ્રી વિકસી. આમેય એ અભ્યાસમાં તેજસ્વી હતી.બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયા પછી તનુશ્રી બિકાનેરની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાથી ઇલેક્ટ્રોનિક્સ અને સંચારમાં બી.ટેક. થઈ. દેશસેવા માટે સમર્પિત થવાનો વિચાર પણ એના હૈયામાં ઘૂંટાતો ગયો. દરમિયાન, તનુશ્રી સિવિલ સર્વિસમાં જવા માટે યુપીએસસીની પરીક્ષા આપી ચૂકેલી, પણ મેઈન્સમાં નિષ્ફળતા મળેલી એને. એથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી-ઇગ્નૂમાંથી ગ્રામીણ વિકાસમાં સ્નાતકોત્તર અભ્યાસ કરી રહેલી. આ અરસામાં, ૨૦૧૩માં સીમા સુરક્ષા દળ તરફથી મહિલાઓને વોર ડ્યુટી કે ઓપરેશન ડ્યુટી માટે આવેદન કરવાની અનુમતિ આપવામાં આવી. સુરક્ષા દળમાં જોડાવા માટે યુપીએસસી સીએપીએફ-સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની લેખિત પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. આ પ્રવેશ પરીક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સર્વિસ સિલેકશન બોર્ડ અને સેન્ટ્રલ ઇન્ડન્સ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં પદ મેળવવા માટેની હોય છે.
એ સમયે તનુશ્રીની ઉંમર માત્ર બાવીસ વર્ષ હતી. એણે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની લેખિત પ્રવેશ પરીક્ષા આપી. ઉત્તીર્ણ થઈ. એ પછીના ક્રમે શારીરિક પરીક્ષણ માટે તૈયારીઓ કરી. ફિઝિકલ ટેસ્ટ માટે તનુશ્રીને વર્ષ ૨૦૧૪માં દિલ્હી તેડાવવામાં આવી. તનુશ્રીએ અઢાર સેકન્ડમાં સો મીટર અને અઢી મિનિટમાં ચારસો મીટર દોડવાનું હતું. તનુશ્રીએ પંદર સેકન્ડમાં જ સો મીટરનું અંતર કાપીને પરીક્ષા પાસ કરી લીધી. તનુશ્રીનું સિલેકશન બીએસએફમાં થઈ ગયું. બીએસએફની ટેકનપુર અકાદમીમાં તનુશ્રીનું કઠિન પ્રશિક્ષણ શરૂ થયું. પ્રશિક્ષણ દરમિયાન તનુશ્રી રોજ પરોઢિયે સાડા પાંચ વાગ્યે ઊઠી જતી અને કસરત કરવામાં ખૂબ પરિશ્રમ કરતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સની અકાદમીમાં સ્ત્રીપુરુષો માટે એક જ મંચ હતું. ૬૭ પુરુષ તાલીમાર્થીઓ સાથે એક માત્ર મહિલા તાલીમાર્થી તનુશ્રી હતી. તનુશ્રીએ બાવન અઠવાડિયાનું પ્રશિક્ષણ બીએસસેફ અકાદમીમાં લીધું. અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ- સીમા સુરક્ષા દળની પહેલી મહિલા લડાકૂ અધિકારી બની ગઈ. તનુશ્રીનું પહેલું પોસ્ટિંગ પંજાબમાં અને પછી કાશ્મીરમાં થયું. જોકે સીમા સુરક્ષા દળના અધિકારીઓએ તનુશ્રી સમક્ષ કાશ્મીરને બદલે અન્ય કોઈ પ્રદેશની પસંદગી કરવાનો વિકલ્પ પણ મૂકેલો, પરંતુ સાહસનો પરિચય આપતાં એણે ઘાટીમાં જ પોતાને પોસ્ટિંગ આપવાની માંગ કરી. તેર હજાર ફૂટની ઊંચાઈ પર પાકિસ્તાની ચોકીની બરાબર સામે તહેનાત થઇ.
સાવધાનની મુદ્રામાં તનુશ્રી કહે છે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું બીએસએફની પહેલી મહિલા લડાકૂ અધિકારી બનીશ, પણ મારી મહેનત રંગ લાવી અને હું આ સ્થાને પહોંચવામાં કામિયાબ થઈ. એનું કારણ મોટો કૂદકો નહીં, પણ નાનું પગલું છે. હું માનું છું કે લગાતાર નાનાં નાનાં પગલાં માંડવાથી જ મોટી સફળતા મળે છે. મને પણ મળી !’