ક્વિન ક્લિયોપેટ્રા તેના સૌંદર્યની જાળવણી માટે ગુલાબનો ઉપયોગ કરતાં હતાં એ જાણીતી વાત છે. એ જ રીતે ભારતમાં પણ આદિ કાળથી મહિલાઓ ત્વચાને મોઇશ્ચર કરવા અને એને ચમકદાર બનાવવા ગુલાબજળનો ઉપયોગ કરે છે. તમે તમારી ખૂબસૂરતી નિખારવા માટે જ્યારે સુંદર અને સુગંધીદાર ગુલાબનો જ ઉપયોગ કરી શકતા હો તો સ્પામાં જઈ આર્ટિફિશિયલ રોઝ અને રોઝ સેન્ટેડ કેન્ડલ્સ પાછળ ખર્ચ કરવાની શું જરૂર છે? સૌંદર્ય નિખારવા માટે ગુલાબનો તમે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો.
રોઝ વોટર ટોનર
દેશી રોઝ વોટર ટોનર જાતે જ બનાવી શકા છે. થોડાં દેશી ગુલાબ લઈને વોટર સ્પ્રે બોટલમાં રાખો. થોડા દિવસ એને ફ્રીઝમાં મૂકો. તમે એમાં થોડાં ટીપાં ગ્લિસરીન અને લીંબુનો રસ પણ નાંખી શકો. તમારું રોઝ વોટર ટોનર તૈયાર છે.
રોઝ પેટલ ફેસમાસ્ક
કોણે કહ્યું કે ફેસમાસ્કમાં ગુલાબનો ઉપયોગ ન થઈ શકે? તમે તમારા ફેસમાસ્કમાં ગુલાબની પાંદડીઓ વાટીને નાંખી શકો. ઓઇલી અને ડ્રાય બન્ને સ્કીન માટે ગુલાબની પાંખડીઓ ફાયદાકારક છે. વધુ મહેક મેળવવા માટે તમે પાંખડીઓને યોગ્ય રીતે ક્રશ કરો એ જરૂરી છે. તમે જથ્થામાં ગુલાબ ખરીદી એને સહેલાઈથી ક્રશ કરી શકાય ત્યાં સુધી થોડા કલાક તડકામાં સૂકવી શકો. હવે આ પાઉડર કરેલી ગુલાબની પાંખડીઓને એક બોટલમાં ભરી લો અને જ્યારે પણ તમે ફેસપેક લગાડો ત્યારે એમાં મિક્સ કરો.
રોઝ બોડી ઓઈલ
લગભગ તમામ બ્યુટી પ્રોડક્ટ્સમાં આર્ટિફિશિયલ ફ્રેગરન્સ હોય છે જે તમારી ત્વચાને નુકસાન કરી શકે છે. કમર્શિયલ સેન્ટેડ બોડી ઓઇલમાં પુષ્કળ આર્ટિફિશિયલ ફ્રેગરન્સ હોય છે. તમે તમારું પોતાનું રોઝ સેન્ટેડ ઓઇલ બનાવી શકો છો. એક કાચની બરણીમાં તાજાં ગુલાબની પાંદડીઓ ક્રશ કરીને ભરી લો. એમાં તમારું મનપસંદ બદામ, તલ કે કોપરેલ બોડી ઓઇલ નાંખો. તેલ ગુલાબની પાંદડીઓની બધી સુગંધ શોષી લે ત્યાં સુધી થોડા દિવસ રહેવા દો. તમે ઇચ્છો તો પછી એ ગાળી પણ શકો છો. સુગંધિત બોડી ઓઇલ ઉપયોગ માટે તૈયાર છે.
રોઝ લિપ સ્ક્રબ
તમે જુદા જુદા કલરની લિપસ્ટિક લગાડતાં હો ત્યારે હોઠ ડાર્ક, પિગમેન્ટેડ અને ડ્રાય થાય એ સ્વાભાવિક છે. તમે ગુલાબની મદદથી તમારા હોઠની કાળજી રાખી શકો છો. તમને માત્ર થોડાં દેશી ઘી કે કોપરેલ, થોડા ગુલાબની પાંખડીના પાઉડરની જ જરૂર રહે છે. જરૂર પ્રમાણે એક બાઉલમાં આ સામગ્રીને બરાબર મિક્સ કરી હોઠ પર સ્ક્રબ તરીકે લગાડો. તમારી આંગળીથી હળવેથી ઘસી મૃત કોષોને કાઢી ગુલાબી હોઠ મેળવો.
રોઝ હેર પરફ્યુમ
જો તમે અઠવાડિયે એક કે બે વાર વાળ ધોતાં હો તો તમારે માટે છે હેર પરફ્યુમ. તમારે આલ્કોહોલ બેઝડ પરફ્યુમ ખરીદી તમારા વાળને વધારે ડ્રાય કરવાની જરૂર નથી. શેમ્પુ કર્યા બાદ છેલ્લે ગુલાબજળથી વાળ ધોઈ નાંખો. જેનાથી તમારા વાળ પર ગુલાબની સુવાસ રહેશે. તમે વચ્ચે વચ્ચે તમારાં માથા અને વાળ પર ગુલાબજળ છાંટી વાળ ઓળી પણ શકો છો.
રોઝ આઇ પેડ્સ
સૂજેલી આંખો માટે આઈ રોલ ઓન્સ અને કન્સિલરનો ઉપયોગ કરી કરીને થાકી ગયાં છો? તમે અન્ડર આઇ ક્રીમ્સને બદલે રોઝ આઇ પેડનો ઉપયોગ કરી શકો છો. રૂના પૂમડાં પર થોડું ગુલાબજળ નાંખી આંખ પર મૂકો. એને ૧૫ મિનિટ રાખો. જ્યારે તમારી આંખો થાકેલી લાગે ત્યારે તમે આંખમાં જાતે બનાવેલું ગુલાબજળ નાંખી પણ શકો.
રોઝ ટી
બહારથી ગ્લો કરવા અંદરથી હેલ્ધી રહેવું પણ જરૂરી છે. ગુલાબ રિલેક્સ અને ડિટોક્સિફાય થવામાં મદદ કરે છે. સ્ટ્રેસ અને તાણ દૂર કરવા બે ભોજનની વચ્ચે અથવા તમારા બ્યુટી રીજમ દરમિયાન હોમ મેડ રોઝ ટીના ઘૂંટડા ભરતા રહો. પાણીમાં થોડી ગુલાબની પાંખડીઓ ઉકાળી ગાળી લો. તેમાં ખાંડ અને થોડો લીંબુનો રસ નાંખી પીઓ. તેનાથી તાજગી મળશે.