તાંબાની વીંટી અને ઘરેણાં પહેરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. આ સસ્તી ધાતુ છે અને તેના અનેકગણાં ફાયદા છે. ભોજન માટે તેમજ પાણી પીવા માટે આયુર્વેદ અનુસાર તાંબાના વાસણોનો ઉપયોગ ઉત્તમ ગણાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. એવી જ રીતે તાંબાની જ્વેલરી સુંદરતા પણ આપે છે અને સ્વસ્થતા પણ બક્ષે છે. આ ઉપરાંત તાંબાની જ્વેલરી સોના કે ચાંદી કરતાં સરવાળે સસ્તી પણ પડે છે.
આજકાલ તાંબાની એટલે કે કોપરની અથવા કોપર કોટેડ જ્વેલરીની જુદી જુદી પેટર્ન બજારમાં ઉપલબ્ધ પણ હોય છે.
તમે એ સાંભળ્યું જ હશે કે સોનું લચીલું હોય છે તેથી સોનાના નક્કર ઘરેણા બનાવવા માટે તેમાં પ્રમાણસર તાંબુ ભેળવવામાં આવે છે. વળી તાંબા માટે એવું પણ કહેવામાં આવે છે કે તે લાંબા સમય સુધી ટકી રહેનારી ધાતુ છે. હાલમાં માત્ર તાંબામાંથી બનેલા ઘરેણાની પણ જોકે બોલબાલા છે. તાંબા કે તેના તારમાંથી બનેલા નેકલેસ, બંગડી, કડા, બ્રેસલેટ, પાયલ, એરિંગ, વીંટી વગેરે માર્કેટમાં ઉપલબ્ધ છે. સોના - તાંબાના ઘરેણાની તો વિવિધ ડિઝાઈન તમને જોવા મળશે, પણ માત્ર તાંબા સાથે ડાયમંડ, મોતી, સ્ટોનમાં જડતરનું કામ કરીને બનાવેલી જ્વેલરી પણ આકર્ષક લાગે છે. વળી, સોનાના પ્રમાણમાં આ જ્વેલરી પોષાય તેવી કિંમતે પણ મળી રહે છે. કોપરની જ્વેલરીની ખાસિયત એ પણ હોય છે કે તેને ચમકાવવા માટે તમે ગમે ત્યારે તેને ધોઈ શકો છો.
કોપર જ્વેલરીના ફાયદા
• કોપર જ્વેલરી સસ્તી સુંદર અને ટકાઉ હોય છે.
• તમે કોપરના ઘરેણાને ઈચ્છો ત્યારે ધોઈ શકો છો અને ચકચકિત કરી શકો છો.
• તાંબાના ઘરેણા સતત ત્વચા સાથેના સંપર્કમાં રહે તો ત્વચાની ચમક વધે છે.
• તાંબાની વિવિધ જ્વેલરી સતત આપણા શરીરના સંપર્કમાં રહે તો તેનાથી તાંબાના ઔષધીય ગુણો શરીરને મળે છે. તાંબાની જ્વેલરી પહેરવાથી લોહી સાફ થાય છે.
• આયુર્વેદ પ્રમાણે તાંબાની જ્વેલરી પહેરવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે.
• કોપરની વીંટી પહેરીને તમે શરીરનો સોજો પણ ઓછો કરી શકો છો.
• તાંબુ શરીરમાં રહેલી ગરમીને ઓછી કરવામાં પણ મદદ કરે છે. કોપર શરીર પર પહેરવાથી શારીરિક અને માનસિક તણાવ ઓછો રહે છે.