કૈરોઃ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં સામેલ ઇજિપ્તની સુએઝ નહેરમાં થોડાક સમય પહેલાં થયેલો ટ્રાફિક જામ દૂર થઇ ગયો છે અને વિરાટકાય જહાજોની અવરજવર સામાન્ય થઈ ચૂકી છે. સમુદ્ધની ભરતી અને શક્તિશાળી જહાજોની મદદદથી સુએઝ નહેરમાં ફસાયેલું મહાકાય કન્ટેનર જહાજ ‘એવર ગિવન’ ભારે જહેમત બાદ બહાર તો નીકળી ગયું છે, પણ આ વિવાદ શમતો નથી.
વિશ્વના અનેક દેશોના વેપાર-ઉદ્યોગને એક યા બીજા પ્રકારે નુકસાનનો ફટકો મારનાર આ ઘટના માટે ઇજિપ્તના પ્રથમ મહિલા શિપ કેપ્ટન માર્વા ઇલ્સેલેહદર સામે આંગળી ચીંધાઇ રહી છે. જહાજ ફસાઇ જવાને કારણે સર્જાયેલા ૧૦૦ કિલોમીટર લાંબા ટ્રાફિક જામ અને અબજો ડોલરના નુકસાન માટે સોશિયલ મીડિયામાં માર્વાને જવાબદાર ઠેરવવામાં આવે છે. વાસ્તવમાં વાત કંઇક જુદી છે. સુએઝ નહેરની સમસ્યા માટે માર્વાને જવાબદાર ઠેરવવામાં આવતા તે તણાવમાં આવી ગયા અને તેમણે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી છે.
માર્વાએ જણાવ્યું હતું કે, ‘સાચી વાત એ છે કે સુએઝ નહેરમાં જહાજ ફસાયું ત્યારે હું તો એ સ્થળથી ઘણે દૂર ભૂમધ્યસાગરના શહેર એલેક્ઝાંડ્રિયામાં ફરજ બજાવી રહી હતી. આથી મને આ ઘટના માટે જવાબદાર ઠેરવાતા હું આઘાતમાં હતી. મને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી છે કારણ કે હું આ ક્ષેત્રમાં એક સફળ મહિલા છું અને ઇજિપ્તની રહેવાસી છું.’
તેમણે કહ્યું હતું કે, ‘અમારા સમાજમાં હજુ પણ ઘણા લોકો મહિલાઓ પરિવારથી દૂર રહીને સમુદ્રમાં કામ કરે એ સ્વીકારતા નથી.’ ઉલ્લેખનીય છે કે કેપ્ટન માર્વાનો સમાવેશ વિશ્વની માત્ર એવી બે ટકા મહિલાઓમાં થાય છે જે દરિયામાં કોમર્શિયલ જહાજોમાં કામ કરે છે. થોડા સમય પહેલાં સુએઝ નહેરમાં ‘એવર ગિવન’ જહાજ ફસાવાથી ટ્રાફિક જામ થયો હતો અને સોશિયલ મીડિયામાં એવા ખોટા સમાચાર વાઇરલ થયા હતા કે કેપ્ટન માર્વાની ભૂલને કારણે સમગ્ર ઘટના બની છે. આથી કેપ્ટન માર્વાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ નિવેદન આપ્યું છે.
કેપ્ટન માર્વાએ કહ્યું હતું કે, ‘આ ફેક ન્યૂઝ ઇંગ્લિશમાં હોવાથી દુનિયાના ઘણા દેશોમાં પ્રસરી ગયા હતા. મેં આ ફેક ન્યૂઝનું ખંડન કરવા ઘણા પ્રયાસો કર્યા છતાં પણ તેની અસર મારી પ્રતિષ્ઠા પર થઈ છે. મેં અત્યારે જે હોદ્દો મેળવ્યો છે તેના પર આ સમાચાર પાણી ફેરવી રહ્યા હતા.’ તેમણે જણાવ્યું હતું કે, ‘ફેક ન્યૂઝ પર નેગેટિવ કોમેન્ટ્સ છતાં કેટલીક કોમેન્ટ્સ ઉત્સાહ વધારનારી પણ હતી.’ દુનિયા સામે હવે સત્ય આવી જવાને કારણે માર્વાએ રાહતનો શ્વાસ લીધો છે અને મહિલાઓને સતત પ્રેરણા આપતા રહેવાની આશા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ૨૦૧૭માં મહિલા દિને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ માર્વાનું સન્માન પણ કરી ચૂક્યા છે.