કોઇ પણ રાષ્ટ્રની પ્રગતિ સમાજ, સરકાર અને બજાર પર નિર્ભર હોય છે. આ ત્રણ મુદ્દા રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ નિશ્ચિત કરતા હોય છે. આ શબ્દો છે ભારતનાં સૌથી મોટા મહિલા દાનવીર રોહિણી નિલેકણીનાં. એડેલગિવ હુરુન ઇન્ડિયા 2022ના રિપોર્ટ પ્રમાણે, 120 કરોડ રૂપિયાના દાન સાથે 63 વર્ષીય રોહિણી છેલ્લાં ત્રણ વર્ષથી સૌથી મોટાં દાનવીર મહિલાં છે. રોહિણી નિલેકાણી છેલ્લા ત્રણ દસકાથી શિક્ષણ, પર્યાવરણ અને જાતીય સમાનતા જેવા અગત્યના વિષયો ઉપર કામ કરી રહ્યાં છે. હાલમાં રોહિણી નિલેકણી ફિલાન્થ્રોપી ફાઉન્ડેશનનાં અધ્યક્ષા છે. રોહિણી નિલેકાણીએ એક અગ્રણી અખબારને આપેલી મુલાકાતમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કર્યા હતા. આ મુલાકાતના અંશોઃ
• ગ્રાહક નહીં, નાગરિક બનોઃ આજના સમયમાં લોકો પોતાને ગ્રાહક તરીકે જોવા લાગ્યા છે પરંતુ આપણે પહેલાં નાગરિક નથી!? આપણે સૌ નાગરિક બનવા વિશે ધ્યાન આપીશું તો આપણે એવા સમાજની રચના કરીશું, જેમાં આપણે પોતે રહેવા ઇચ્છીશું.
• સામાજિક વિષયો અંગેઃ સર્વિસ બિફોર સેલ્ફ... અમારા પરિવારનો આ મંત્ર છે. મારી ફિલાન્થ્રોપિક યાત્રાની શરૂઆત 1992માં થઈ હતી, ત્યારે મારા મિત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એ દુર્ઘટનાએ મને હચમચાવી નાંખી. ત્યાર પછીથી અમે કેટલાક મિત્રોએ મળીને ‘નાગરિક’ નામે એક કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ ચળવળ સુરક્ષિત રસ્તા માટેની એક સકારાત્મક પહેલ હતી. અહીંથી જ મને સામાજિક કાર્યો કરવાની પ્રેરણા મળી. થોડાં વર્ષો પહેલાં હું અને મારા પતિ (નંદન નિલેકાણી) બિલ ગેટ્સ, મેલિંદા ગેટ્સ અને વોરેન બફેએ શરૂ કરેલા ‘ગિવિંગપ્લેજ’ સાથે જોડાયા. તેના નેજા હેઠળ અમે અમારી જીવનપર્યંત 50 ટકા સંપત્તિનું દાન કરવાનો નિર્ણય લીધો છે.
• માનસિક સ્વાસ્થ્ય માટે સંવાદ અગત્યનોઃ દેશમાં 20 કરોડ લોકો માનસિક સ્વાસ્થ્ય સામે ઝઝૂમી રહ્યા છે. અમે આ વર્ષે બે સંસ્થાન (નિમહેન્સ અને એનસીબીએસ) સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે કામ શરૂ કર્યું અને 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે
• નકારાત્મકતા સામે જીતવાની ફોર્મુલાઃ ‘વોક ઇન ધ વાઇલ્ડ’ નકારાત્મકતા સામે જીતવા માટેનો આ મારો આઇડિયા છે. હું દુઃખી થાઉ ત્યારે જંગલમાં જતી રહું છું. તમે કોઈ પણ શહેરમાં રહેતાં હોવ પરંતુ પ્રકૃતિની નજીક રહેવાનું ખૂબ જરૂરી છે.
• પુસ્તકની તાકાતઃ અમે 2004માં પ્રથમ ‘બુક્સ’ની શરૂઆત કરી. બાળકો ત્યારે પણ વાંચતાં હતાં પરંતુ એ સમયે એમની પાસે પૂરતાં પુસ્તકો નહોતાં. પ્રથમ ‘બુક્સ’ના સ્ટોરીવીવર પ્લેટફોર્મ થકી તેમને પુસ્તકો પહોંચાડાઈ, અત્યાર સુધીમાં ત્યાં 10 કરોડ સ્ટોરીઝ વંચાઈ ચૂકી છે. હું દરેક માતાપિતાને કહું છું કે બાળકોને પ્રથમ ભેટ તરીકે પુસ્તક જ આપો. મારો પૌત્ર 6 મહિનાનો હતો ત્યારે એક પુસ્તક વાંચી સંભળાવતા. એની માતા પુસ્તક વાંચતી અને જ્યારે પુસ્તક વંચાઈ રહે તો એ રડવા લાગતો અને નવું પુસ્તક લાવીને વાંચી સંભળાવતા. પુસ્તકની આ તાકાત છે.
• આરોગ્ય અને ખાણીપીણીઃ આજના સમયમાં પારિવારિક ભોજન જેવી પરંપરા જળવાતી નથી. આપણે સૌ સ્માર્ટ ફોનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. એટલે આપણે સ્માર્ટફોનને એક બાજુએ મૂકીને ફરીથી પરિવાર સાથે ડિનર કરવાનું શરૂ કરીએ એ અગત્યનું છે. આપણને ભોજન કેવી રીતે મળે છે એ સમજવું પણ જરૂરી છે. એની પાછળ કેટલો શ્રમ પડે છે અને આપણે અન્નને કેવી રીતે લઈએ છીએ. એક સમય એવો પણ હતો જ્યારે આપણે દિવસનો પહેલો કોળિયો મોંમાં મૂકતાં પહેલાં પ્રાર્થના કરતા હતા. એ દર્શાવે છે કે આપણે ખાનપાન અંગે કેટલા જાગરૂક હતા! આપણે અન્ન પ્રત્યે આભારી થવું જોઈએ.